અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો. હકીકતમાં, સેનેટે એક ઠરાવ પસાર કર્યો છે જે કેનેડા પર ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિની ક્ષમતાને મર્યાદિત કરશે. ટ્રમ્પ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર પર નિયંત્રણો કડક બનાવવાની નવી યોજનાની જાહેરાત કર્યાના કલાકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સેનેટે ૫૧-૪૮ મતથી એક ઠરાવ પસાર કર્યો જે કેનેડા પર ટેરિફને ટેકો આપતી ફેન્ટાનાઇલ પર ટ્રમ્પની કટોકટીની ઘોષણાને સમાપ્ત કરશે. ટ્રમ્પે બુધવારે, કહેવાતા સ્વતંત્રતા દિવસના દિવસે, તેમના ઘણા આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારો પર ટેરિફની જાહેરાત કરી. જાકે, કેનેડા હાલમાં આ નવા ટેરિફમાંથી મુક્ત છે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પનો ટેરિફ લાદવાનો નિર્ણય અમેરિકન વ્યવસાય અને ગ્રાહકો માટે હાનિકારક રહેશે. આ પ્રસ્તાવ ડેમોક્રેટિક સેનેટર ટિમ કેને રજૂ કર્યો હતો, અને તેને ચાર રિપબ્લિકન સેનેટર – લિસા મુર્કોવસ્કી, સુસાન કોલિન્સ, મિચ મેકકોનેલ અને રેન્ડ પોલ દ્વારા પણ ટેકો મળ્યો હતો. સેનેટના વિપક્ષી નેતા ચક શૂમરે કહ્યું, ‘ટ્રમ્પે અમેરિકન અર્થતંત્ર અને સપનાઓને નુકસાન પહોંચાડ્યું છે.’ ડેમોક્રેટિક પાર્ટીના કાયદા નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ ધનિકોને કરમાં છૂટ આપવા માટે આ ટેરિફ દ્વારા પૈસા એકઠા કરી રહ્યા છે, જે હાઉસિંગ બાંધકામ અને ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર કરશે.
તે જ સમયે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચાર રિપબ્લિકન સેનેટર, ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે, અમેરિકાના હિતોની વિરુદ્ધ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કેનેડાએ ફેન્ટાનાઇલની હેરફેર રોકવા માટે વધુ મજબૂત પગલાં લેવા જાઈએ. જાકે, માહિતી અનુસાર, યુ.એસ.માં જપ્ત કરાયેલા મોટાભાગના ફેન્ટાનાઇલ કેનેડાથી નહીં, પરંતુ દક્ષિણ સરહદથી આવે છે.
જાકે, આ પ્રસ્તાવને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (સંસદનું નીચલું ગૃહ) માં પસાર કરવો મુશ્કેલ છે કારણ કે ત્યાં રિપબ્લિકન પાર્ટીના સભ્યો બહુમતી ધરાવે છે. ટ્રમ્પની વેપાર નીતિને તેમના જ પક્ષમાંથી પણ પડકારવામાં આવી રહ્યો છે.