(૧) મને ટીવીમાં સિરિયલ વચ્ચે જાહેરાત આવે એનો બહુ કંટાળો આવે છે. તમને?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
મને જાહેરાત વચ્ચે સિરિયલ આવે એનો.
(૨) વ્યક્તિએ એનો જન્મદિવસ ક્યાં સુધી ઉજવવો જોઈએ?
રામભાઈ પટેલ (સુરત)
જ્યાં સુધી લોકો એની જયંતિ ન ઉજવવા માંડે ત્યાં સુધી!
(૩) પત્ની ઘરનો દીપ (દીવો) કહેવાય છે તો આવા ચારપાંચ દીપ રાખીએ તો?
આસિફ કાદરી (રાજુલા)
ઘર સળગે.
(૪) નવા લગ્ન થયા હોય એવી જોડીઓને કાંઈ કહેવા માગો છો ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
પેલા એને પૂછો કે એ કોઈનું સાંભળવા માંગે છે?!
(૫) ઐસી કોન સી ચીજ હૈ જો પાની પીકર હી મર જાતી હૈ
જયેશ રાઠોડ (બાબરા)
અગ્નિ.
(૬) જેમ દોઢ ડાહ્યા હોય તેમ દોઢ ગાંડા હોય કે નહીં ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
ઘણાંય પોણા બે સુધી પહોંચી ગયાના દાખલા છે.
(૭) હાસ્યાય નમઃ કોલમમાં પ્રશ્ન પૂછનાર બધા હડતાલ પાડી દે તો?
હસમુખ બોરાણિયા (વડોદરા)
મને ખબર છે કે આ તમારી આડકતરી ધમકી છે. પણ કોઈપણ સંજોગોમાં પ્રશ્ન પૂછવાના રૂપિયા આપવામાં નહિ આવે જેની સૌ નોંધ લેશો !
(૮) સંબંધના સેતુ સાધવા ઝેરના ઘૂંટડા તમે કેટલા ગળ્યાં?
ડાહ્યા ભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
ગળ્યા લાગ્યા એટલા ગળ્યા.
(૯) દરેક પતિઓને બીજાની પત્નીએ બનાવેલી રસોઈ કેમ સારી લાગતી હશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
હું અત્યારે બીજાના ઘરે જમવા આવ્યો છું. ઘેર જઈને જવાબ આપીશ.
(૧૦) એ આઈ(છૈં) થી આપણને કોણ બચાવશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
આઈ!
(૧૧) ચિઠ્ઠી આઈ હૈ આયી હૈ ચિઠ્ઠી આઈ હૈ. આવા ગીત અત્યારે કઈ રીતે લખાય?
દર્શન પટેલ (વડોદરા)
મેસેજ આયા હૈ આયા હૈ મેસેજ આયા હૈ!
(૧૨) યુદ્ધ કરવાનો હેતુ શું?
નીરવ ડણાંક (અમરેલી)
શાંતિ સ્થાપવાનો!
(૧૩) મને એવો વિચાર આવે છે કે હું આઝાદીનો લડવૈયો હોત તો?
ભીમજીભાઈ છગનભાઈ (ભરૂચ)
તો દેશને હજી આઝાદી ન મળી હોત!
(૧૪) મારા હાથમાંથી થેલી પડે તો ભફાંગ અવાજ આવે પણ પીંછું પડે તો કેવો અવાજ આવે?
દેવ વ્યાસ (અંકલેશ્વર)
તમે માણસ છો કે પક્ષી?!
(૧૫) ફાટેલી નોટનું સરકાર શું કરતી હશે?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
બેઠી બેઠી સાંધતી હશે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..