જિંદગી બદલાઈ ગઈ છે પરંતુ આ બદલાવને સ્વીકારતા અને સમજતા બહુ વાર લાગશે. આ પરિવર્તનની નોબત સામાન્ય નાગરિકને એના ખિસ્સામાંથી સંભળાય છે. આવક વધતી ન હોય અને મોંઘવારી વધતી હોય ત્યારે ઘરમાં જવાબો આપવા એક આદર્શ ગૃહસ્થને અઘરા પડે છે. આશાઓના જે તાર પર બુલબુલ, કોયલ, મોર બેસતા હતા ત્યાં હવે કાગડાઓની ઉડાઉડ છે. એટલે ગૃહસ્થ પોતાના જવાબોમાં કલ્પના કે ધારણાને કેટલુંક સ્થાન આપી શકે અને ક્યાં સુધી? સત્ય એ છે કે જેના ઉચ્ચારને આવતીકાલ પર ઠેલવામાં આવે તો પણ વાક્ય બદલાવાનું નથી. કદાચ સમયને કારણે એની ધાર વધુ તેજ થાય એમ બને. ગૃહસ્થની આ મુંઝવણ ગૃહિણી સારી રીતે જાણે છે અને એથી એ શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરના મોભીની મુંઝવણ વધારવા ચાહતી નથી.
ત્રણ ચાર વરસ પહેલા લોકડાઉને દેશના વ્યાવસાયિક અને વાણિજ્યક હિતોને જે ગંભીર નુકસાન કર્યું હતું તેને સહન કરીને મૌન રહેલો એક મોટો વિરોધપક્ષ દેશભરની ગૃહિણીઓ છે. છેલ્લા ચાર-પાંચ વરસમાં તેઓના ઘરના અંગત બજેટમાં અકારણ અને સકારણ જે ઉથલપાથલ થઈ છે એની ખિન્નતા તેમના હોઠની પાછળ નિઃશબ્દ છુપાયેલી છે. એની સામે દેશભરમાં સ્ત્રીઓનો એક મોટો વર્ગ એવો પણ છે કે જેમને કોઇને કોઈ રીતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળેલો છે અને તે તેમનો સુખદ અનુભવ છે. દેશની ગૃહિણીઓ આ રીતે જાણે કે બે ભાગમાં વહેંચાયેલી છે. પરિસ્થિતિઓ જે રીતે બદલે છે એમાં સરકારની ટીકા કરવાની ફેશન થઈ ગઈ છે પરંતુ કુદરતી સંયોગો પર સરકારનો કોઈ અંકુશ હોતો નથી. આપણે સરકાર માબાપ એમ કહીએ છીએ કારણ કે સરકાર પ્રજાનું પાલન-પોષણ કરે છે પરંતુ સરકાર કાંઈ ભગવાન તો નથી.
જેમના સંતાનો અનિશ્ચિત ભવિષ્ય તરફ છાને પગલે ધકેલાવા માટે અત્યારે ભણી રહ્યા છે તેમની માતાઓની ચિંતાનું હજુ સમાધાન થયું નથી. કેટલીક શાળા-કોલેજો મહેનત કરે છે છે પરંતુ કોલેજોમાં તો હાજરી સાવ ઝાંખી છે. ઉપરાંત જે નવ યુવાન ગૃહિણી છે અને જેના પતિદેવે અગાઉના લોકડાઉનને કારણે નોકરીમાંથી પ્રાપ્ત થતી પગારલક્ષ્મીનું દેવત્વ ગુમાવ્યું છે તેનો અનુભવ ન પૂછવા જેવો છે. નોટબંધી અને લોકડાઉનને કારણે પોતાની તત્કાલીન સારા પગારની નોકરીમાંથી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા બહુ મોટી છે. તેઓ હજુ થાળે પડ્યા નથી. આ વિસાથાપનનું એક કારણ એ પણ છે કે જેઓનું નોકરીમાં સારું પરફોર્મન્સ ન હતું તેમને કોઈ ને કોઈ સામ્પ્રતિક બહાને કંપનીઓએ વાજા વગાડ્યા વિનાની વિદાય આપી છે.
તેમની જિંદગીનો એ એક કરૂણ અધ્યાય છે. હવે તેમાંથી કેટલાક બહાર આવ્યા છે અને બાકીનાઓ બહાર આવવાની મથામણમાં છે. નોટબંધીએ દેશના અનેક ગૃહસ્થોને જે લાંબાગાળાનું ઘરે રહેવાનું અનૈચ્છિક વેકેશન સુલભ કરી આપ્યું એનું જ લોકડાઉને ભયસહ પુનરાવર્તન કર્યું. લોકડાઉને પણ યુવા કે મધ્યવયે જ નિવૃત્તિની ઝાંખી કરાવી આપી તેનો પડઘો પણ જે તે ગૃહિણીએ જ પોતાના અશ્રુભીના પાલવમાં સહન કરવાનો આવ્યો છે. ફૂલગુલાબી દામ્પત્ય પરનો એક વેરાન આઘાત બની ગયેલી નોટબંધીને અને લોકડાઉનને તેઓ કોઈપણ પ્રચાર પડઘમથી ય વીસરી શકે એમ નથી. દેશમાં બેરોજગારીની વાત કોઈ કરતું નથી. બધે રાજકીય અખાડાઓની ચર્ચા છે.
ઈ.સ. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પુરુષ મતદારોની તુલનામાં સ્ત્રી મતદારોની સંખ્યા વધુ હતી. ત્યારે ૬૩.૨૬ ટકા સ્ત્રીઓ મત આપવા માટે મતદાન કેન્દ્રો સુધી પહોંચી હતી અને ૫૯.૪૦ ટકા પુરુષ મતદારો જ મત આપવા બુથ સુધી પહોંચ્યા હતા. કર્ણાટકમાં ઈ.સ. ૨૦૧૮માં મતદારયાદી અપગ્રેડ કરવાથી મહિલા મતદારોની સંખ્યા ૧૩ ટકા અભિવૃદ્ધ થઇ. આ સ્થિતિ બધા જ રાજ્યોમાં ઓછાવત્તા અંશે પ્રભાવક થવા લાગી છે. રાજકીય પક્ષો હવે મહિલા મતદારોને આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચનાઓ ઘડવા લાગ્યા છે. છતાં પુરુષ પ્રધાન દેખાતો સમાજ જલદી જે સત્ય સ્વીકારતો નથી તે એ છે કે દેશની યુવતીઓ અને મહિલાઓ હવે પરિવારના પુરુષપાત્રોથી અલગ રીતે પોતાનો અભિપ્રાય ધરાવે છે અને પરિવારના પ્રભાવમાં આવ્યા વિના, એટલે કે બહારથી હા-એ-હા કહીને ખરેખર તો પોતાની માન્યતા, વિચારધારા અને સ્વાનુભવ આધારે જ મત આપે છે.
આપણા દેશની મહિલાઓ પરિવારમાં કે કૌટુંબિક મેળાવડાઓમાં ભલે તેમના અભિપ્રાય મનોમન છુપાવીને અવ્યક્ત રાખતી હોય તો પણ, તેમની તાર્કિકતા અને નિર્ણયશક્તિ અજાયબ હોય છે. તેમને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાની અને પ્રચારથી પ્રભાવિત ન થવાની આગવી સૂઝ હોય છે. આમ પણ કોઇનાથીય પ્રભાવિત ન થવું એ ગુણસુંદરી સ્ત્રીઓની વિશેષ લાક્ષણિકતા હોય છે. દેશમાં એક અબજથી વધારે મોબાઇલ કનેકશન છે. એનો લાભ પણ મહિલાઓની અભિનવ સંપ્રજ્ઞતાને મળ્યો છે. સર્વેક્ષણો બતાવે છે કે ૭૫ ટકા સ્ત્રીઓ પોતાના પતિ, પુત્ર કે ભાઇભાંડુથી અલગ જ અને સ્વતંત્ર રીતે મત આપવાનો મત ધરાવે છે. એટલે કે હવે દરેક પરિવારમાં ‘પસંદ અપની-અપની’ જેવો મતદાન પ્રવાહ છે. આપણા દેશમાં ગૃહિણીનું બજેટ ધ્યાનમાં રાખવું એ સૌથી મોટી રાજવિદ્યા છે, અને કેન્દ્રની એનડીએ સરકાર હોય કે વિવિધ પક્ષોની રાજ્યસરકારો હોય, ગૃહિણીના અર્થતંત્રની ઉપેક્ષા થઈ શકે એમ નથી.
જેટલી સમસ્યાઓ ગ્રામ વિસ્તારોમાં છે એટલી જ નગર-મહાનગરમાં પણ હોય. દુઃખની વહેંચણી કદાચ કુદરતે કોરોના વખતે તો સરખે ભાગે જ કરી હતી. બહુ ઓછા ખોરડાંઓ એ સંકટમાંથી ઉગારી શક્યા. સહુને આકરી છાલક વાગી. પછી સૌ પોતપોતાની આવડત અને પુરુષાર્થ પ્રમાણે બેઠા થવા લાગ્યા. હજુ ઘણાંય પરિવારોએ બેઠા થવાનું બાકી છે. જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા તો અનેક કુટુંબોની આંખ આડે હજુ જળના પડળ બંધાયેલા છે. જિંદગી ગમે તેવા ભીષણ આઘાતો આપે, માણસજાત સદીઓથી એમાંથી બહાર આવતી રહી છે. વીતેલી વેળાને વીંટળાઈ રહેવું એ ધર્મ નથી. નજર સામેના પડકારોને પહોંચી વળવું એ આપદ્ ધર્મ છે. એ જ તો ખરેખર જીવન છે.
વશિષ્ઠ ઋષિ ઉત્તરકાણ્ડમાં રામની રાહ જોઈ જોઈને થાકી ગયેલા ભરતને કહે છે કે હે ભરત, ધીરજ રાખ અને સુખની પ્રતિક્ષા કર કારણ કે ભાવિ બહુ પ્રબળ હોય છે. આપણે ધારીએ છીએ એના કરતાં આવનારો સૂર્ય વહેલો ઉગતો હોય છે માટે ધીરજને ધારણ કરવી અને કાર્યમાં મગ્ન રહેવું. વશિષ્ઠના વચનો કોરોનાગ્રસ્ત અનેક પરિવારો માટે સર્વકાલીન આશ્વાસન છે. ગુજરાતમાં, દેશના અન્ય રાજ્યોની તુલનાએ રોજગારીનું ચિત્ર સારું છે. એટલે આપણે ત્યાં હજુ લોકોને એ તો ખબર જ નથી કે બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં આમજનો કેવી આપત્તિમાંથી પસાર થઈ રહ્યા છે. ગુજરાતી પ્રજાએ તો વતન ભણી પદયાત્રા કરતા લાખો કામદારોને જોયા છે પરંતુ એમની જિંદગીમાં ડોકિયું કર્યું નથી. એ અર્થમાં અરધો દેશ હજુ બેઠો થવાનો બાકી છે. કુદરત જે હજુ ત્રીજી લહેરને અટકાવે છે એ દુઃખીજનો પરની દયાને કારણે અટકાવે છે.