સાવરકુંડલા પાલિકાના આઉટડોર વિસ્તારોના ૬૫ થી ૭૦ જેટલા માર્ગો ૭ કરોડ ૫૦ લાખના ખર્ચે સી.સી. અને પેવિંગ બ્લોક રોડથી મઢવાના લક્ષ સાથે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલિકાના દરેક વોર્ડમાં રોડ રસ્તાઓની સમસ્યા સામે હંમેશા પાલિકા સત્તાધીશો દ્વારા ખાસ ફિલ્ડવર્ક કરીને એકપણ માર્ગ રહી ના જાય અને સાવરકુંડલા શહેરને સુંદર અને રળિયામણું બનાવવા માટે પાલિકા સત્તાધીશો સક્રિય કામગીરીઓ કરી રહ્યા છે. ધારાસભ્ય કસવાળાના હસ્તે હાથસણી રોડ, જેસર રોડ, ભુવા રોડ અને મહુવા રોડ જેવા વિસ્તારોમાં પાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ મહુવા રોડના નિર્દોષાનંદ વાટિકા ખાતે ૮૦-૨૦ની યોજનાના ૪૫ લાખના સીસીરોડનું પણ ધારાસભ્ય કસવાળાએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, અનિરુદ્ધસિંહ રાઠોડ સહિતના તમામ પાલિકાના સદ્સ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.