ચૂંટણી પહેલાં એમ મનાતું હતું કે ભાજપ માટે શ્રી રામમંદિર, કલમ ૩૭૦, ત્રણ તલાક દૂર કરવા વગેરે મુદ્દા જ રહેશે જે હવાઈ ગયા છે. કારણકે ભાજપ વિરોધીઓનો તર્ક એવો હતો (જે સાચો પણ છે) કે સમય જતાં તેનો પવન હેઠો બેસી જતો હોય છે. પરંતુ ૧૧ માર્ચે રાત્રે નાગરિકત્વ સુધારા અધિનિયમ (સી.એ.એ.)નાં જાહેરનામાને બહાર પાડીને વડા પ્રધાન મોદીએ ફરી એક વાર સાબિત કર્યું કે માસ્ટરસ્ટ્રાકમાં તેમનો કોઈ જોટો જડે તેમ નથી.
આ અધિસૂચના પછી ચારેકોર ના. સુ. અ.ની જ ચર્ચા છે. અપેક્ષા પ્રમાણે જ, વિપક્ષોએ આ અધિસૂચનાથી પેટમાં ઉકળતું તેલ રેડાયું હોય તેવી તીખી પ્રતિક્રિયા આપી છે. આ બાબતે વિરોધ કરવામાં પોતે પહેલાં હતો તેમ દરેક મુખ્ય વિપક્ષ કહીને કટ્ટર મુસ્લિમોને વહાલા થવા માગે છે. મમતા બેનર્જી કહે છે કે આની સામે સૌથી પહેલો અવાજ ઉઠાવનારાં અમે હતાં, તો કાંગ્રેસ પોતાનો દાવો કરે છે. મમતાએ કહ્યું કે કોઈ પણ ભોગે અમે આનું ક્રિયાન્વયન થવા નહીં દઈએ.
કાંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ‘ચૂંટણી પહેલાં જ જાહેરનામું બહાર પડાયું છે તે જોતાં સ્પષ્ટ છે કે મોદી સરકાર મતદારોનું પંથના આધારે ધ્રૂવીકરણ કરવા માગે છે.” એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ તો એવું કહ્યું કે “ના. સુ. અ. મુસ્લિમ વિરોધી છે અને ગોડસેની વિચારધારા પર આધારિત છે.”
મુસ્લિમોમાં આનો વિરોધ થાય તેવી સંભાવના આ વિપક્ષોના લીધે જ વધુ છે. યાદ હોય તો, કાંગ્રેસ નેત્રી સોનિયા ગાંધીએ ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ના દિને રામલીલા મેદાનમાં એક જનસભા કરી હતી જેમાં ના. સુ. અ.નો પ્રબળ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે “ઇસ પાર યા ઉસ પાર કી લડાઈ હોગી.” આનું કારણ એ હતું કે ૨૦૧૯માં સત્તામાં પુનઃ આવ્યા બાદ અને વિશેષ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષમાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહે જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાંથી કલમ ૩૭૦ હટાવી, તે પછી નવેમ્બરમાં શ્રી રામમંદિર અંગેનો સર્વોચ્ચ ન્યાયાલયનો સર્વસંમતિથી શ્રી રામલલ્લાની તરફેણમાં ચુકાદો આવ્યો, ત્રાસવાદ વિરોધી યુએપીએ મજબૂત થયો, કેન્દ્રમાં સરકાર ગમે તે હોય, પણ જલિયાવાલાં બાગ સ્મારકના ટ્રસ્ટમાં કાંગ્રેસ અધ્યક્ષ (જે ૯૯ ટકા નહેરુ-ગાંધી પરિવારના જ હોય) તો એક સભ્ય હોય જ- તેવો કાયદો સુધારી દેવાયો, અને ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે ના. સુ. અ. રાજ્યસભામાં પસાર થઈ ગયો.
એક પછી એક જે રીતે મોદી સરકાર આગળ વધી રહી હતી તેનાથી વિપક્ષોની મત બૅંક પર મોટી તરાપ પડી રહી હતી. કટ્ટર મુસ્લિમો પણ ઊંચાનીચા થઈ રહ્યા હતા. અને સંસદમાં કાંગ્રેસના નેતાઓએ જ સીએએ અને તેની સાથે રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્ર (એનઆરસી)ને જોડીને એવો ભ્રમ ફેલાવતાં નિવેદનો કર્યાં કે આ બંનેના કારણે મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકાશે. અને તેવામાં સોનિયા ગાંધીએ (કદાચ તેમની એ અત્યાર સુધીની છેલ્લી રેલી હતી, તે પછી તેમણે રેલી નથી કરી) રેલી કરી મુસ્લિમોને બરાબર ઉશ્કેર્યા. તેમનાં પાસાં પોબારાં પડ્‌યા. ૧૪ ડિસેમ્બરે રેલી અને ૧૫મીએ બીજા જ દિવસથી દિલ્લીના શાહીનબાગમાં રસ્તાની વચ્ચોવચ્ચ મુસ્લિમ મહિલાઓ બેસી ગઈ અને કડકડતી ઠંડીમાં શરૂ થયા ધરણા.
તેની ખૂબ તસવીરો બની. વિશેષ તો નવજાત શિશુ સાથે ધરણા પર બેઠેલી માતાની. શરજીલ ઇમામે ચીકન નેકથી ભારતના ટુકડા કરવાનું ભાષણ આપ્યું. પત્રકાર આરફા ખાનમ શેરવાનીએ ભાષણ આપી જાહેરમાં કહ્યું કે અત્યારે આપણે લઘુમતીમાં છીએ એટલે લડાઈ હારી ન જઈએ તે માટે આપણે સમાવેશક બનવું પડશે (એટલે કે હિન્દુઓનો ટેકો લેવો પડશે.” આરફા ખાનમ શેરવાનીની આ થિયરી કટ્ટર મુસ્લિમોની પ્રચલિત થિયરી મુજબ છે. કટ્ટર મુસ્લિમોની બે થિયરી છે- દાર-ઉલ-ઇસ્લામ અને દાર-ઉલ-હર્બ. આ થિયરી મોહમ્મદ પૈગંબરને નથી આપી. આ થિયરી કુરાનમાં પણ નથી. મધ્ય કાળમાં ઉલમાએ સમગ્ર દુનિયાને બે ભાગમાં વિભાજિત કરી હતી. તે મુજબ સમગ્ર વિશ્વને ઇસ્લામમાં માનનારું બનાવવાનું છે. જ્યાં ઇસ્લામનું શાસન છે, શરિયત મુજબ દેશ ચાલે છે તે દેશને દાર-ઉલ-ઇસ્લામ કહે છે. જ્યાં નથી તેને દાર-ઉલ-હર્બ કહે છે જે મુજબ ત્યાં સંઘર્ષ કરવાનો છે – યુદ્ધ લડવાનું છે. યુદ્ધગ્રસ્ત પ્રદેશ. અને આ લડાઈ જીતવા માટે મુસ્લિમેતર લોકોનો પણ સાથ લેવાનો છે.
તે વખતે શશી થરૂરની સભામાં ‘લા ઇલાહી લિલ્લિઆહ’ (અલ્લાહ સિવાય બીજા કોઈ ભગવાન નથી)નો સૂત્રોચ્ચાર થયો હતો. શશી થરૂરે કહ્યું કે હિન્દુ અંતિમ વાદનો ઉકેલ મુસ્લિમ અંતિમ વાદ ન હોઈ શકે. આના સંદર્ભે આરફા ખાનમ શેરવાનીએ મુસ્લિમોને તે સભામાં શીખામણ આપી હતી કે આવાં સૂત્રો હમણાં (એટલે કે દાર ઉલ ઇસ્લામ ન થાય ત્યાં સુધી) ન બોલવા જોઈએ તેના કારણે બીજા પંથના લોકો આપણાથી દૂર થઈ જશે. થોડો સમય આપણે મઝહબી સૂત્રોથી દૂર રહેવું જોઈએ.
શાહીનબાગના ધરણા-પ્રદર્શન ચાર મહિના ચાલ્યા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પ ભારત (અમદાવાદ-દિલ્લી) આવ્યા અને તેઓ દિલ્લી હતા ત્યારે જ આઆપના નગરસેવક તાહિર હુસૈન સહિતના લોકોએ રમખાણો ભડકાવ્યાં. જામિયા મિલિયા ઇસ્લામિઆના વિદ્યાર્થીઓની ભૂમિકા પણ હિંસામાં શંકાસ્પદ રહી. અમદાવાદ સહિત દેશભરમાં ના. સુ. અ. વિરોધી પ્રદર્શનો વખતે હિંસા થઈ હતી. કોરોના આવ્યો અને પછી માર્ચમાં વહેલી સવારે પોલીસે કાર્યવાહી કરી ત્યારે આ ધરણા-પ્રદર્શન શાંત થયાં. એટલે આ વખતે પણ આ જાહેરનામું બહાર પડ્‌યું તે પછી ફરીથી આવાં ધરણા-પ્રદર્શન ન થાય તેની ભીતિ હતી. પરંતુ આ વખતે સરકાર સચેત રહી. ઉત્તરાખંડ, આસામ, દિલ્લી સહિતનાં રાજ્યોમાં પોલીસ-સુરક્ષા દળોએ ફ્‌લેગ માર્ચ કાઢી, ચુસ્ત સુરક્ષા ગોઠવી હતી.
આ વખતે ઘણા મુસ્લિમોએ પણ ના. સુ. અ.નું સમર્થન કર્યું છે અને તે પ્રગટપણે સમાચારોમાં દેખાયું છે. (ઘણી વખત સમાચારોમાં નથી દેખાતું, તેથી કેટલાક કટ્ટર ન હોય તેવા મુસ્લિમો પણ કટ્ટર મુસ્લિમોની જાળમાં આવી જાય છે.) સંઘના અગ્રણી ઇન્દ્રેશકુમાર જે સંસ્થાના માર્ગદર્શક છે તેવા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના લોકો મુસ્લિમોના ઘરે-ઘરે જઈને ના. સુ. અ. વિશે લોકોને સમજ આપી રહ્યા છે. આૅલ ઇન્ડિયા મુસ્લિમ જમાતે કહ્યું કે આ પહેલાં થઈ જવું જોઈતું હતું. બરેલીના મૌલાના શાહબુદ્દીન રિઝવીએ કહ્યું છે કે મુસ્લિમોએ આ કાયદાથી ડરવાની આવશ્યકતા નથી. આ વખતે મુસલમાનો કોઈ રાજકીય પક્ષ દ્વારા ફેલાવાતા ભ્રમમાં ફસાવાના નથી.
તાજેતરમાં કાંગ્રેસના (હવે પૂર્વ) નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ્ના કલ્કિ ધામમાંં એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વોચ્ચ ન્યાયાલય પર શ્રી કૃષ્ણ અને સુદામાના પ્રસંગને ટાંકીને વ્યંગ કર્યો હતો કે જો સુદામાએ શ્રી કૃષ્ણને તાંદુલ ભેટ આપ્યા તે સમયમાં પીઆઈએલ થઈ હોત તો સર્વોચ્ચે કદાચ ચુકાદો પણ આપી દીધો હોત. તેમની આ ટીપ્પણી મહ¥વના દરેક વિષયમાં થતી પી.આઈ.એલ. અંગે છે. આ પહેલાં પણ સર્વોચ્ચ ન્યાયાલયના ભવનના વિસ્તાર માટે ૮૦૦ કરોડ રૂપિયાની ધનરાશિ ફાળવવાના મોદી સરકારના નિર્ણય અંગે સર્વોચ્ચના ૭૫ વર્ષે થયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ વ્યંગ કરતા કહ્યું હતું કે સંસદ ભવનનું નવું ભવન બન્યું તે અંગે જેમ પીઆઈએલ થઈ હતી તેમ આની પણ ક્યાંક પી. આઈ.એલ. ન થઈ જાય.
મોદી સરકારે કાયદો બદલીને ચૂંટણી કમિશનરની નિયુક્તિની સમિતિમાંથી મુખ્ય ન્યાયમૂર્તિને દૂર કર્યા છે અને તાજેતરમાં અરુણ ગોયલે ચૂંટણી આયુક્ત તરીકે ત્યાગપત્ર આપ્યાના એક-બે દિવસમાં જ કાંગ્રેસ નેત્રી જયા ઠાકુરે યાચિકા કરી દીધી કે ચૂંટણી કમિશનરની નિયુક્તિ જૂના કાયદા હેઠળ જ કરવામાં આવે. જૂના કાયદા મુજબ, નિયુક્તિ સમિતિમાં મુખ્ય ન્યાયમૂર્તિ રહે. વાત સ્વયં સ્પષ્ટ છે. આ ઉપરાંત ના. સુ. અ. નું જાહેરનામું ૧૦ માર્ચે બહાર પડાયું અને ૧૨ માર્ચે જ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે આ કાયદો લાગુ ન થાય તે માટેની યાચિકા કરી દીધી ! એટલે ચૂંટણી પહેલાં કાયદાકીય લડાઈ પણ ચાલશે જ.
મુદ્દો એ છે કે ના. સુ. અ.થી કટ્ટર મુસ્લિમોને કેમ વિરોધ છે ? વિપક્ષોને કેમ વાંધો છે ? દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તો હિન્દુઓને પણ ભડકાવવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાનથી આવેલા ઘૂસણખોરોને સરકારી નોકરીઓ અપાશે. જાણે, પાકિસ્તાનથી આવેલા હિન્દુ-શીખો-જૈનો-બૌદ્ધો-ખ્રિસ્તીઓને લાયકાત ન હોય તો પણ મોદી સરકાર નોકરી આપી દેવાની હોય તેવી વાહિયાત વાત છે. અને બીજું કે શું આ લોકો ઘૂસણખોર છે ? શું એ લોકો ભારત-પાકિસ્તાનની સીમાના તાર કાપીને ઘૂસી આવ્યા છે ? કે એમને એમના પંથના કારણે ત્યાંના કટ્ટર મુસ્લિમોએ તેમના પર કરેલા અત્યાચારના કારણે તેઓ ઘૂસી આવ્યા છે ? તો પછી તેમને ઘૂસણખોર કેમ કહી શકાય ?
મમતા બેનર્જી, કેરળની સામ્યવાદી સરકાર તો આ કાયદો લાગુ નથી જ કરવાની અને કેજરીવાલનું વલણ જોતાં તેઓ પણ આ કાયદો લાગુ ન થવા દે તેવી સંભાવના પંજાબ પૂરતી રહેલી છે. એક તરફ, આ નેતાઓને બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમો અને મ્યાંમારથી ગેરકાયદે આવેલા રોહિંગ્યા મુસ્લિમોથી કોઈ વાંધો નથી. તેમના તો રાશન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર કાર્ડ બધું બની ગયું છે. પરંતુ પાકિસ્તાનમાં પોતાની કુમળી વયની દીકરી-બહેનોના અપહરણ-પરાણે કરાવાતા નિકાહ-પરાણે સ્વીકાર કરાવાતો ઇસ્લામ-ઇશનિંદાનો આક્ષેપ લગાવી કરાતી હત્યા વગેરેના ભયથી ભાગીને આવવું પડે છે તેમની સામે કેમ વાંધો છે ? અને આ માત્ર પાકિસ્તાન જ નહીં, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ બની રહ્યું છે.
પાકિસ્તાનમાં ઈ. સ. ૧૯૪૭માં મુસ્લિમ સિવાયના પંથ એટલે કે લઘુમતી પ્રજાની વસતિ ૨૩ ટકા હતી, જે આજે માત્ર ત્રણ જ ટકા રહી ગઈ છે ! અને આ વાત ભાજપની કે કહેવાતી વાટ્‌સઍપ યુનિવર્સિટી ફારવર્ડ મેસેજની નથી પરંતુ પાકિસ્તાનનાં પૂર્વ મહિલા સાંસદ ફરાહનાઝ ઇસપહનીએ ‘ક્લીનઝિંગ પાકિસ્તાન આૅફ માઇનારિટીઝ’ નામના લેખમાં લખેલી છે પાકિસ્તાનમાં હિન્દુઓની વસતિ ઈ. સ. ૧૯૪૭માં ૨૦.૫ ટકા હતી. પરંતુ સરકારની છેલ્લી વસતિ ગણતરી પ્રમાણે તે માત્ર ૧.૬ ટકા જ છે.
બાંગ્લાદેશમાં ઈ. સ. ૧૯૭૧માં હિન્દુઓની વસતિ ઈ. સ. ૧૯૪૭માં (જ્યારે તે પાકિસ્તાનનો ભાગ હતું) ત્યારે ૨૯.૭ ટકા હતી, પરંતુ ૧૯૭૧માં જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનથી સ્વતંત્ર (ઉર્દૂ ભાષાના વિરોધમાં થયું) ત્યારે હિન્દુઓની વસતિ ઘટીને ૨૦ ટકા આસપાસ જ રહી ગઈ. બાંગ્લાદેશ બંગાળી અસ્મિતાના નામે પાકિસ્તાનથી અલગ થયું પરંતુ ત્યાં પણ કટ્ટરતાની લહેર ચાલી તેના કારણે ત્યાં હિન્દુઓની સંખ્યા હવે આઠથી નવ ટકા વચ્ચે જ છે.
અફઘાનિસ્તાનમાં ૧૯૭૦ના દાયકામાં હિન્દુ અને શીખોની વસતિ સાત લાખ આસપાસ હતી, તે ૧૯૯૨માં ઘટીને ૨.૨૦ લાખ આસપાસ થઈ અને ૨૦૨૧ના અંત સુધીમાં માત્ર ૧૫૦ થઈ ગઈ છે !
હવે વિચાર કરો કે એક સમયે ભારતના જ અંગભૂત એવા આ દેશોમાં હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ, પારસીઓ પર અત્યાચાર કરવામાં આવે તો તેઓ જાય ક્યાં ? ભારત દેશ બાંગ્લાદેશથી ગેરકાયદે આવતા ઘૂસણખોરોને સ્વીકારી શકે, મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમોને સ્વીકારી શકે પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખો, જૈનો, પારસીઓ, ખ્રિસ્તીઓને નહીં ! આવી દાદાગારી
કેમ ? ‘તારું મારું સહિયારું ને મારું મારા બાપનું’ આવી કટ્ટર મુસ્લિમોની માનસિકતા ક્યાં સુધી સાંખી લેવાની ? વિપક્ષોનો કટ્ટર મુસ્લિમ પ્રેમ ક્યાં સુધી ચલાવી લેવાશે ?
પાકિસ્તાનથી આવેલા આ લઘુમતીઓને કેજરીવાલ જેવા બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ ઘૂસણખોર ગણાવી તેમનું અપમાન કરે તો તેનો અર્થ એવો થયો કે તેમને માત્ર પાકિસ્તાનથી આવતા હિન્દુઓ સામે જ વાંધો નથી, તેમને પાકિસ્તાનથી આવતા શીખો, પાકિસ્તાનથી આવતા જૈનો, પાકિસ્તાનથી આવતા ખ્રિસ્તીઓ અને પાકિસ્તાનથી આવતા બૌદ્ધો આ બધા સામે વાંધો છે, વાંધો નથી તો માત્ર ગેરકાયદે આવતા મુસ્લિમ ઘૂસણખોરો સામે. આ જ વાત કાંગ્રેસને, મમતા બેનર્જી અને અખિલેશ યાદવને લાગુ પડે છે. જોકે આનો સીધો લાભ ચૂંટણીમાં ભાજપને મળશે તે પણ નક્કી વાત છે કારણકે વિપક્ષોનો આ કટ્ટર મુસ્લિમ પ્રેમ જોઈને હિન્દુઓનો એક મોટો વર્ગ ભાજપનું બેવડા જોરથી સમર્થન કરશે, પરંતુ ભાજપના રાજમાં પણ અધિકારીઓ આ ના. સુ. અ.નું ચુસ્ત પાલન કરશે કે તેમાં ઠાગાઠૈયા કરશે તે પ્રશ્ન છે કારણકે તાજેતરમાં દિલ્લીમાં પાકિસ્તાનથી આવેલા આ નિરાશ્રિતોના કાચાપાકા ઘર સામે દિલ્લી વિકાસ સત્તામંડળ (ડીડીએ)એ એનજીટીના આદેશ પ્રમાણે કાર્યવાહી કરવા નાટિસ પાઠવી હતી પરંતુ ત્યાં આવેલા શાપિંગ માલ, લક્ઝરી દુકાનો, સ્પા વગેરે સામે આવી કડકાઈ દાખવાઈ નહોતી તેમ ‘આૅપઇન્ડિયા’ વેબસાઇટનો અહેવાલ કહે છે.