ખરો નિયમ એ છે કે દિવસના બાર કલાકમાંથી એક કલાક અને રાતના બાર કલાકમાંથી એક એમ પ્રતિ એક આખા દિવસમાં બે કલાક તો મનુષ્યે પોતાની જાત સાથે વીતાવવા જોઈએ. એનાથી અંતઃકરણ વિશુદ્ધ રહે છે અને સાંસારિક ઘટનાક્રમોમાં એ અંતઃકરણ જરાક ડહોળાયું હોય તો ફરી આછરીને નિર્મળ બને છે. માનવ હૃદય અખંડ પ્રવૃત્ત હોય એટલે એને સંવેદનાત્મક વિરામની જરૂર પડે. આપણી પોતાની કેટલીક પ્રવૃત્તિઓથીય હૃદય અસંમત હોય છે. હૃદય જેને ન્યાયિક ન ઠરાવે એવા તમામ વિચાર કે કાર્ય સૂક્ષ્મ અપરાધ છે, આયુર્વેદમાં એને માટે પ્રજ્ઞાપરાધનું એક અલગ પ્રકરણ છે.
એક સમયે લોકો ગામના તળાવની પાળે ચાલવા જતા. નદી કાંઠે કાંઠે વિહાર કરતા. હજુ હમણાં સુધી શાળાના શિક્ષકો દરરોજ સાંજે ગામની બહાર વગડામાંથી વહી જતી કેડીએ લટાર મારવા જતા અને વાતો કરતાં-કરતાં પાછા ફરતાં. ક્યારેક એમાં વિદ્યાર્થીઓ પણ હોય. પરંતુ હવે તો એ દ્રશ્યો પણ દેખાતા નથી. કારણ કે મોટા ભાગના શિક્ષકો શહેરમાં રહે છે અને ગામડે ભણાવવા આવે છે. એટલે વિદ્યાર્થીઓને પણ એમ જ થાય છે કે હા ગામ તો રહેવા જેવા છે નહીં.
આપણે પણ મોટા થઈને સાહેબ રહે છે એવા શહેરમાં રહેવા જવું છે. શિક્ષકોની અપડાઉન પરંપરાએ વિદ્યાર્થીઓના મનનું પ્રોગ્રામિંગ બદલી નાખ્યું છે. સાંજે વિદ્યાર્થીઓ ઘર તરફ જાય ત્યારે શિક્ષકો શહેર તરફ દોટ મૂકતા હોય છે, જાણે કે કોઈ હિંસક પશુ પાછળ ન પડ્યું હોય !
દરેક ગામને કાંઠે એક તળાવ તો હોય જ. પશુપાલક ખેડૂતો ઉનાળામાં એ તળાવમાંથી તળિયે બેસી ગયેલો કાંપ ખાતર તરીકે લઈ આવતા અને એથી એ તળાવો નિયમિત રીતે ઊંડા થતા જતા. હવે તો પચાસ ગામ વચ્ચે એક ગામમાં તળાવ હોય તો હોય ! જ્યારે તળાવ છલોછલ રહેતા ત્યારે એના કાંઠે પણ સમી સાંજે ફરવા જવાની એક મજા હતી.
મનુષ્ય જેટલો પ્રકૃતિની નજીક રહે એટલો એની વાણીને વિશ્રામ મળે. કુદરતની નજીક જેઓ હોય છે તે ઓછામાં ઓછું બોલે છે. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે જેઓ પ્રકૃતિથી વધુમાં વધુ દૂર હોય છે, તેઓ બહુ બક્વાસ કરતા હોય છે. કુદરત સાથે જેના અંતઃકરણનું અનુસંધાન છે એમને વ્યર્થ વાણીવિલાસમાં રસ હોતો નથી.
બહુ અનિવાર્ય હોય તો જ તેઓ થોડુંક બોલે, ફરી પાછા ચૂપ. ફરી થોડું બોલે અને વળી ચૂપ. આ એક બહુ અઘરી કળા છે અને શીખવા જેવી છે. કારણ કે જેના મનનું મર્કટ કૂદાકૂદ ન કરતું હોય તેમની જ લૂલી લંગડાતી ન હોય. જેઓ સદાય મનને કોઈ ને કોઈ ડાળીએ વડવાંગડાની જેમ વળગાડી રાખે છે એને મુક્તિ અપાવવા માટે એક-એક કલાકનું નિષ્કામ એકાંત જરૂરી છે.
દરેક પાસે પોતાનું આવું એક હૈયાઉટક ટાણું હોવું જોઈએ. ગ્રામ વિસ્તારોમાં મંદિર, મઢી કે કોઈ અલગારી સાધુઓની જગ્યા પણ રહેતી. સાંજની આરતી પહેલા સહુ ત્યાં જઈને ટોળે વળતા તો કોઈ વળી ધુન પણ બોલાવતા. એવા એ મંદિરો કે ગામકાંઠાના આશ્રમો હવે સૂમસામ પડ્યા છે. હવે ત્યાં જનારું કોઈ નથી. આ કોઈ આતમખોજ નથી. પણ રોજની નાનકડી મઝા છે.
એક એવી મઝા જે બીજી અનેક મઝાની ઓળખાણ કરાવશે. હયાતીના ઉત્સવની શરૂઆત થશે. બધું જ ‘નથી’ માંથી ‘છે’માં રૂપાંતર કરવાના મોહમાં સ્વયંની હયાતીનો બહુ લોપ થઈ ગયો છે. સ્વની ઓળખ વિના પ્રેમ પદારથની ઓળખ ક્યાંથી થાય? પ્રેમનો આરંભ અને અંત હોતો નથી. એ તો એક વર્તુળ છે જે પોતાનામાં સદાકાળ વિલસે છે.