(૧) ભાભા ઢોર ચારતા.. વાળા ભાભા હજી છે કે ગયા?
જય દવે (ભાવનગર)
ભાભા તો છે, ઢોર વેચાઈ ગયા.
(૨) માત્ર આશાના સહારે જિંદગી જીવી શકાય?
રાજુભાઈ કે. પટેલ (અમદાવાદ)
જીવી શકાય પણ આશાનો પગાર સારો હોવો જોઈએ!
(૩) સપના સાચા પડે?
દર્શન પટેલ (વડોદરા)
હા, મારું એક સપનું સાચું પડ્‌યું હતું. એ સપનામાં મને કોઈ એવું કહેતું હતું કે મારું એકપણ સપનું સાચું નહિ પડે!
(૪) અમારે અમારી સંસ્થામાં તમને મોટીવેશનલ સ્પીકર તરીકે બોલાવવા છે. એ માટે તમારે શું જોઈશે?
રામભાઈ પટેલ (સુરત)
નિષ્ફળ લોકો!
(૫) ચૂંટણી સમયે શું ન કરવું જોઈએ?
રમાબેન પટેલ (અમદાવાદ)
ટણી.
(૬) તાવડી તેર‌ વાના જ કેમ માગે?
ફિરોઝ કનોજિયા (રાજુલા)
લોઢી વાપરો એટલે ઝંઝટ નહિ!
(૭) બેબીને ઇંગ્લીશ મીડિયમમાં ભણવા બેસાડી છે. તો હવે તે “સોનુ નિગમ”નું અંગ્રેજી “ગોલ્ડ કોર્પોરેશન” કરે છે. શું કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
દામનગરને મનીટાઉન કહે ત્યાં સુધી ચલાવ્યા કરો!
(૮) “દાળમાં કંઈક કાળું છે.” એમ કહેવાય છે. કેમ? દાળમાં લાલ મરચું હોય, પીળી હળદર હોય તો દાળમાં કંઈક લાલ, પીળું છે એમ પણ ન કહેવાય?
હસમુખ બોરાણિયા (વડોદરા)
અંગ્રેજી માધ્યમમાં ભણતા અમુક બાળકોની મમ્મીઓ તો ‘દાળમાં બ્લેક છે’ એમ જ કહે છે, બોલો!
(૯) તમે બપોરની રસોઇ કરો છો કે સાંજની?
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
વાહ, તમે એક જ એમ માનો છો કે હું એક જ ટાઇમ રસોઈ બનાવું છું!
(૧૦) મારે મારા લગ્નને ઇકો ફ્રેન્ડલી બનાવવા છે. શું કરવું?
નીરવ ડણાક (અમરેલી)
ઇકો ગાડીમાં બેસીને ઉતારાથી મંડપ સુધી જાઓ.
(૧૧) જીવનમાં વાઇફાઇનું હોવું જરૂરી છે કે વાઇફનું?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
જરૂરી તો વાઇફ જ છે પણ વાઇફાઇ ન હોય તો કોઈ વાઇફ બનવા તૈયાર નથી થાતું એનું શું કરવું?
(૧૨) મધમાખીઓ અમુક વ્યક્તિને કરડતી કેમ નથી?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
ગયા જનમના લેણદેણ.
(૧૩) પેલા મરઘી આવી હતી કે ઈંડુ?
અકીલ ગાહા (ડુંગર)
બેય એકબીજાની પહેલાં આવ્યા હતાં!
(૧૪) સૂરજ રાતે આથમી જાય ત્યારે એની ડિગ્રી અને કિરણો ક્યાં જતા રહેતા હશે?
નિદા નસીમ (ઉના)
એ ત્યાં ને ત્યાં હોય પણ અંધારામાં આપણને દેખાય નહિ!
(૧૫) બધા કહે છે, દરેક બાબતની એક હદ હોય છે. શું હદની હદ નથી?
રૂપલ વામજા (ગળકોટડી)
હદને એક સરહદ હોય. સરહદ એક હદ સુધી જ હોય. હદ અને સરહદ બેહદ હોય. કંઈ નથી સમજાયુને? સમજાવવાની પણ એક હદ હોય!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..