સંસારની તમામ સ્ત્રીઓ હંમેશાં કોઇ બીજાના ભાગ્યને જ આધીન હોય છે તો પછી ભરોસો કેવો ? વિશ્વાસ કેવો ? તો પણ બીજા કોઇના માટે પણ મારે મારૂં જીવન તો ટકાવી રાખવું પડે એટલે તો મને એમ લાગે છે કે, હું અત્યારે જ શ્વાસ લઇ રહી છું તો કોઇના ઉછીના શ્વાસ લઇ રહી છું.
છતાં પણ મારૂં જીવન કેવું સરસ લાગે છે. હા, તેણે જે મને કહેલું કે: “તારી વાચાળ આંખો અને કામણભર્યાં નયનો, હોઠ પર મૌનની સમાધિ, ના હોવા છતાં પણ એવા રસાળ હોઠ પર ભરેલી ચૂમી કેટલી વહાલી લાગી, શરારત અને સંતાકુકડી જેવી ધીંગામસ્તી રમત ! પરંતુ તારી, મારી અને આ દામલની ઓળખ શી…?”
છતાં પણ પરસ્પર એકબીજાના પ્રેમનો લગાવ, એકબીજાનું અલગ અલગ અસ્તિત્વ એકબીજા પર ઓળઘોળ કરવાની તીવ્ર તાલાવેલી માત્ર…!
આખરે જ્યોતિ સાથે જ થરથરીને ધ્રુજી, એક કર્મચારીએ પહેરેલા ડ્રેસથી વનવિભાગના કર્મચારીઓ ખાતાએ નક્કી કરેલા યુનિફોર્મમાં કેવા સરસ દેખાય છે. તેને જાતાં જ ગર્વ થાય છે. ને અત્યારે આવા ડ્રેસમાં ઉપસ્થિત થયેલો જાણીતો ચહેરો જાવાની સાથે જ્યોતિ ધ્રુજી હતી અને પછી તો તેને અનેક વિચાર આવવા લાગ્યા.
ત્યારે સવારના નવ થયા હતા. આજે શુકનવંતો શુક્રવાર હતો. બધા જ વિચારોને ત્યજી દઇ વર્તમાનના વિચારો તે કરવા લાગી. અગિયારના ટકોરે તો સ્કૂલમાં હાજર થવાનું હતું. સ્કૂલ કયારે પૂરી થાય અને પોતે કયારે અને કેટલા વાગે વિસાવદર પહોંચશે એવું બધું મનમાં મનમાં વિચારતી વિચારતી જ્યોતિ અરિસા સામે ઊભી ઊભી તૈયાર થઇ રહી હતી.
જે વ્યક્તિને, જે છોકરીને ઇશ્વર તરફથી સુંદરતા વરેલી હોય તેને વધારે સુંદર દેખાવા માટે બીજી કોઇ ટાપ-ટીપની જરૂર પડતી નથી. એ તો જેમ હોય તેમ, જેવી હોય તેવી છતાં તે ખૂબ જ સારી ને સુંદર જ દેખાય છે.
અમુક સ્ત્રીઓને, અમુક છોકરીઓને કુદરત તરફથી પ્રથમથી જ…એટલે કે જન્મદત સુંદરતા બક્ષિસ રૂપે મળેલી હોય છે. ઇશ્વરે જ તેના અંગઅંગમાં સુંડલા ભરીને સુંદરતા મૂકી દીધી હોય છે. એવી એ છોકરી ચાલે કે બેસે, હસે કે રડે, ગંભીર હોય કે ખડખડાટ હસતી હોય, અરે…! ગાઢ નિંદ્રામાંથી જાગીને આંખો ચોળતી હોય ત્યારે પણ તેનું સાંદર્ય ઝગમગાટ કરતું જાવા મળે છે.
એ જ રીતે જ્યોતિમાં પણ કંઇક આવું જ હતું. સાચે જ તે નાઇટડ્રેસમાં પણ પરી જેવી દેખાતી હતી. જયારે તે સાડી અને પોલકું પહેરતી ત્યારે પણ તે સાક્ષાત દેવી જેવી જ લાગતી.
છતાં પણ સ્ત્રીઓના સ્વભાવ અનુસાર ઘરની બહાર નીકળવાનુંં થાય એટલે બેશક તૈયાર તો થવું જ પડે !
થોડીવારમાં તો જ્યોતિ સરસ રીતે તૈયાર થઇ ગઇ. રૂમનું બારણું ખોલી તે બહાર ઓસરીમાં આવી. એ ટાણે જ બા… રસોડામાંથી બહાર નીકળ્યા ને તેની નજરે જ્યોતિ ચડી, જ્યોતિને જાતા તેઓ બોલ્યા: “નાસ્તો તૈયાર જ છે પણ થોડીવાર રાહ જા. હું બહાર રોડ પર જઇ તાજું શાક આવ્યું હોય તો લેતી આવું…” ચાલતાં ચાલતાં જ બા ડેલી તરફ વળ્યા.
હવે આ તકનો લાભ લઇ જ્યોતિ દામલના રૂમ તરફ ચાલતી થઇ. રૂમ પાસે પહોંચી થોડીવાર થોભી. મનમાં વિચાર્યું કે, અત્યારે દામલ શું કરતો હશે ? તૈયાર થતો હશે ?
દામલના રૂમના બારણા પાસે જ્યોતિ ઊભી રહી. પહેલા તો તેને એમ થયું કે, બારણું ધકેલી અંદર ચાલી જઉં. પણ ના…, તે એમ ન કરી શકી. આમ ન કરવાના પણ ઘણા કારણ હતા. એટલે પછી કંઇક વિચારી બારણા પરની સાંકળને દ્વાર પર ખખડાવી તે ધીમેથી બોલી : “દામલ…, શું કરે છે તું…?”
પરંતુ રૂમ અંદરથી કોઇ જવાબ ન મળતા આખરે ન છૂટકે જ્યોતિએ હવે બારણાને ધીમેથી ધક્કો માર્યો. બારણું ધીમેથી ખુલ્યું ને એ દ્રશ્ય જાતાં જ્યોતિને ખૂબ જ આશ્ચર્ય થયું. એ દ્રશ્ય કેવું હતું ? ટેબલની ધારને કમર અડકાડીને દામલ કંઇક વિચારતો વિચારતો સૂનમૂન ઉભો હતો.ને બારણું ખૂલતાની સાથે તેની નજરે જ્યોતિ દેખાઇ આવી. પોતાના રૂમમાં જ્યોતિને જાતાં તે હાંફળો – ફાંફળો થઇ ગયો ને ઝડપથી થોથરાતા થોથરાતા બોલ્યો પણ ખરો: “અરે…! જ્યોતિ…તું !”
પરંતુ જ્યોતિએ તો સાંભળ્યું ન સાંભળ્યુંં હોય તેમ ચૂપચાપ આવી ને દામલની સાવ પાસે ટટ્ટાર ઊભી રહી. તે એકપણ શબ્દ બોલી નહીં વળી જમણા હાથની પ્રથમ આંગળી પોતાના નાક પર ઊભી રાખી. દામલને ચૂપ રહેવા જાણે ઇશારો પણ કર્યો.
અચાનક આવું થતાં પહેલા તો દામલ ગભરાયો, કોઇ છૂપો એવો ડર પણ લાગ્યો કારણ કે અત્યારનું જ્યોતિનું રૂપાળું રૂપ તેને સાવ જ વિચિત્ર દેખાઇ રહ્યું હતું. ત્યાં તો…
જ્યોતિએ તેના બન્ને હાથ થોડા ઊંચા કરી દામલના ચહેરાને ઢાંકી દઇ, અને પછી તીવ્ર વેગે એ ચહેરો જરા નીચે કરીને, અતિ આક્રમક રીતે, આવેશ સાથે ભરાવદાર હોઠ પર પોતાના હોઠ ભીડી દઇને આંખો પણ બંધ કરી દીધી હતી.
એવી એ વહાલપભરી મીઠી મધુરી ચૂમીમાં જરા પણ અકળામણ ન હતી પરંતુ મીઠું – મધુરૂં પ્રેમતત્વ ચાખવાની સાથે સાથે એ ચુંબન જાણે કે એને મધુરસ ટપકાવી રહ્યું હતું.
ફક્ત થોડી ક્ષણો ટકી રહી આ ચુંબનમિશ્રિત સમાધિ. દામલના હોઠ પરથી જ્યોતિએ પોતાના હોઠ અલગ કર્યા ત્યારે ભાવપૂર્વક બોલેલો બૂચકારાનો ધ્વનિ દામલના કાનમાં સંભળાયો હતો. અચાનક આવુ બધુ થતાં સાચે જ દામલ તો થરથર…થરથર હજી પણ ધ્રુજતો હતો. તેના શ્વાસ એકધારા વધતા જ રહ્યા. તેને કંઇક બોલવું હતું, કઇંક કહેવું હતું જ્યોતિને… પણ અત્યારની સ્થિતિમાં એક હરફ પણ તે બોલી જ ન શક્યો ખરેખર તે ખૂબ જ મુંઝાઇ ગયો હતો. અને પછી જ્યોતિ તેનાથી થોડે દૂર જઇ ઊભી રહી, ને પોતાના ભીના થઇ ગયેલા હોઠ પર તે આંગળીઓ ફેરવવા લાગી પછી મરક મરક હસતાં તેના હોઠ ફફડયા:
“ સત્ય કહું છું દામલ…હું તને ચાહવા લાગી છું. તારી ડાયરીમાં છેલ્લા લખેલં તાજા પાનાં મેં વાચ્યા. મને લાગે છે કે…આ પાનાં તે મારા માટે જ લખ્યા હશે:
“તારી વાચાળ એવી આંખ અને કામણગારા નયનો, મૌન રહેલા આ છોડ અને ના..ના…ના..ની વચ્ચે મારા હોઠ તને ચૂમી ભરવા તત્પર બનતા હોય ! મારી શરારત અને તારી સંતાકુકડી જેવી રમત ! બસ…, આવું બધું મેં વાંચ્યું કે તરત જ મારામાં જબરી હિંમત આવી ગઇ. એટલે તો તું મને ચૂમી કર એ પહેલાં તો મે જ તારા હોઠ પર ચુંબન ચોટાડી દીધું ને એ સાથે જ ધબક ધબક ધબકતું એવું મારૂં દિલ પણ તને આપી દીધું.” જ્યોતિ સાવ ધીમે બોલી ચૂપ થઇ ગઇ.
(ક્રમશઃ)