જાફરાબાદના લુણસાપુર ગામ નજીક આવેલી સિન્ટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડ પર એક સિંહણે હુમલો કર્યો હતો. પંકજ ભાલીયા નામના વ્યક્તિ બાઈક ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહણ આવી ચડતા બાઈકમાં સવાર વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હાથમાં અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જાફરાબાદના લુણસાપુર ગામ નજીક આવેલી ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર સિંહણે મોડી રાતે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સવારે મિતીયાળા વિસ્તારમાં સિંહણ હુમલો કરવા દોડધામ કરતી હતી. વનવિભાગને જાણ કરતા જાફરાબાદ, રાજુલા વનવિભાગનો મોટો કાફલો આવી પહોંચ્યો હતો. પ્રથમ ૨ ટ્રેકરથી સિંહણની મુવમેન્ટ ચેક કરવા ગયા હતા. ત્યારે સિંહણે વનકર્મી પર હુમલો કરી દેતા બંને ટ્રેકરો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વનવિભાગનો મોટો કાફલો દોડ્યો હતો અને સિંહણનો ઘેરાવ કર્યો હતો. વનવિભાગની ગાડી ઉપર હુમલો કરવા દોટ મુકીને સિંહણે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વચ્ચે ડોક્ટરની ટીમ દ્વારા સિંહણને ઈન્જેક્શન મારવાનો પ્રયાસ કરતા વનવિભાગના ડ્રાઈવર ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વનવિભાગ ચિંતામાં મુકાયું પરંતુ અન્ય કર્મચારીઓ સહિત ફરી જીવના જોખમે નજીક પહોંચી ઈન્જેક્શન આપી બેભાન કરી હતી. સિંહણે અચાનક જ વનવિભાગના કર્મચારીઓને નિશાન બનાવી હુમલો કરતા આજુબાજુના ગામોમાં પણ સિંહણનો ભય ફેલાયો હતો. સિંહણે અચાનક જ માનવી પર હુમલો કરવાની ઘટના બનતા વનવિભાગનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પાલીતાણા શેત્રુંજી રેન્જના વનઅધિકારીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ હોસ્પિટલ ખાતે જઈ ઘાયલ કર્મચારીઓના હાલચાલ પુછયા હતા.