એક જ શબ્દ કે વાક્ય હોય પરંતુ તેનો ટોન જુદો જુદો હોય છે. એક જ ક્રિયા હોય પણ એની અસર અલગ-અલગ પડતી હોય છે. આવી ક્રિયાઓ કે વર્તન બન્ને વ્યક્તિના સંબંધના આધારે જુદી જુદી અસર પાડનાર હોય છે. માણસનું હસવુ પણ બે પ્રકારનું હોય છે. એક હરખનું કે લાગણીનું સ્મિત હોય છે જ્યારે બીજું પીડા, વ્યથા કે લાચારીનું હાસ્ય હોય છે. જેમ બીજાનું સારું-મોળું જોઈને માણસને મનમાં હસવુ આવતું હોય છે તેમ પોતાના માટે પણ ખુદને હસવુ આવતું હોય છે. ક્રિયા અને પ્રતિક્રિયા આંતરિક અને બાહ્ય બન્ને સ્વરૂપે થતી હોય છે. ક્યારેક સંભાળનાર સહન કરનાર હોય છે અને સંભળાવનાર પ્રભાવી હોય છે. ક્યારેક બોલનાર સહન કરનાર હોય છે અને સાંભળનાર પ્રભાવી હોય છે. આવી દરેક પરિસ્થિતિમાં હાસ્યનો પ્રભાવ અને એનું સ્વરૂપ પણ બદલાતું હોય છે. વ્યક્તિ જ્યારે કોઈપણ પ્રકારના ભાર કે બોજાથી મુક્ત હોય ત્યારે માણસને સામાન્ય બાબતમાં અમથું અમથું હસવુ આવે છે. આ હાસ્યમાં હળવાશ હોય છે. એટલે નિખાલસ કે નિર્દોષભાવે કોઈ પણ પ્રકારના હેતુ વગરનું હાસ્ય હોય છે. જેમ વ્યક્તિ ખુદની સ્થિતિ કે પરિસ્થિતિ પર હાસ્ય કે રુદન કરતો હોય છે તે કોઈને ખ્યાલ હોતો નથી એટલે કે એની બાહ્ય અસર ખાસ હોતી નથી. પરંતુ એ જ માણસ જ્યારે બીજાની સ્થિતિ કે પરિસ્થિતિ પર હસે છે ત્યારે એનો ટોન કે હેતુ બીજા જોઈ શકતા હોય છે એટલે કે એની બાહ્ય અસર પ્રભાવી હોય છે. એના પરિણામ વ્યાપક સમુદાયને અસર કરતા હોય છે. આવા સમયે કોઈ લાગણીશીલ વ્યક્તિ હસીને જોવે છે જ્યારે કોઈ વ્યક્તિની લાચારી જોઈને હસતા હોય છે. આપણે જે વર્તન કે વાત કરીએ તેનાથી આપણને ખાસ કંઈ ફરક પડતો ના હોય પણ હાજર રહેલ કે સાંભળનાર કોઈ વ્યક્તિની મજબૂરીવશ દુઃખતી રગ દબાતી હોય છે ત્યારે એ મનોમન દુઃખી થાય છ. છતાં લાચારીને કારણે પોતાની પીડા પ્રગટ કરી શકતા નથી. આવા સમયે તે ભાવથી નહિ પણ અભાવથી પ્રભાવિત થાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો પ્રભાવ અને અભાવથી બનતા હોય છે, બગડતા હોય છે એટલે કે ટકતા હોય છે કે તૂટતાં હોય છે. મહાભારતમાં દુર્યોધન જ્યારે જળ અને સ્થળમાં છેતરાય છે ત્યારે દ્રૌપદી તે દૃશ્ય જોઈને હસે છે અને વ્યંગમાં બોલે છે, સામે દુર્યોધન પોતાની લાચારી જોઈને વ્યથામાં હસે છે અને અપમાનજનક શબ્દો સાંભળીને મનમાં બદલો લેવાના ભાવ સાથે મનોમન સમય આવ્યે જોઈ લેવાનું નક્કી કરે છે અને જ્યારે પાંડવો જુગારમાં સામે આવ્યા ત્યારે દુર્યોધનના મનમાં દબાઈને પડેલા પેલા અપમાનજનક શબ્દો પ્રભાવી થઈ જાય છે અને જે ઘટના ઘટે છે ત્યારે દુર્યોધન સહિત કૌરવો ખડખડાટ હસીને જોતા હતા જ્યારે બાકીના હાજર તમામ વ્યક્તિઓ કે જેઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા સક્ષમ હતા તેઓ ના તો જોઈ શકતા હતા કે ના તો કંઈ બોલી શકતા હતા. એમાં એ બધાની કૈક ને કૈક મજબૂરી કે લાચારી હતી. ખુદ દરેક પાંડવો પણ એટલા બધા શક્તિશાળી હોવા છતાં આ દુષ્કર્મના મૂક સાક્ષી બની રહ્યા હતા.
કારણ સૌ જાણો જ છો કે નીતિ કે નિયમો જે પાળે છે એ પરિસ્થિતિ સામે લાચાર બની જાય છે. મજબૂત હોવા છતાં મજબૂર બની રહેવું પડે છે. આમ જીવનમાં હાસ્ય પાછળ ક્યાંક લાગણી હોય છે તો ક્યાંક લાચારી હોય છે. ક્યાંક મજબૂતી હોય છે. તો ક્યાંક મજબૂરી હોય છે. જીવનમાં ડગલે ને પગલે હાસ્ય અને રુદનના પ્રસંગો આવ્યા જ કરે છે પણ એક વાત ખાસ યાદ રાખવી કે આપણું હાસ્ય કોઈના રુદનનું કારણ ના બનવું જોઈએ, કોઈને દુઃખી કરીને સુખ મેળવવાની સાજિશ ના કરવી.