પરીક્ષાઓના પરિણામોની મોસમ હવે પૂરી થઈ રહી છે. આમ તો પરિણામના દિવસને જૂની પેઢીના લોકો હસતી-રોતી ફિલમ કહેતા. એ જમાનામાં પાસ અને નાપાસ બે જ શબ્દ ગુંજતા હતા. ટકાનું અત્યાર જેવું ભૂત કોઈના મન પર સવાર ન હતું. લોકોના મન પણ ખુલ્લા હતા. બીજાની તેજસ્વિતા જોઈ લોકો રાજીના રેડ થઈ જતા. આજે તો બીજાની હોશિયારી જોઈને બળતરા કરનારો વર્ગ મોટો છે. આપણે ત્યાં જે કેટલીક ખાનગી ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલુ થઈ એમાં તો જાણે નિયમ જ થઈ ગયો છે કે નેવું ટકાથી નીચે કોઈને માર્ક્સ આપવા જ નહિ. વાલીઓ માને કે ઓહોહો અમારે ત્યાં તો સંત જ્ઞાનેશ્વરે કંઈ અવતાર લીધો છે ને ! આ જ્ઞાનેશ્વર મોટા થાય પછી એને બેન્કમાં ડ્રાફ્‌ટ કઢાવતા ન આવડે, રેલવેના રિઝર્વેશનમાં ટુ ટાયર એસી અંગે કંઈ ભાન ન પડે અને પોસ્ટમાં કિસાન વિકાસ પત્રનું ફોર્મ ભરતાય ન આવડે. આપણા દેશમાં ઊંચી ટકાવારી લઈ રઝળતા ટકાઓનો કોઈ પાર નથી. હા, જો સમજણ સહિત ઊંચી ટકાવારી હોય તો વયબાધ વિના તે વંદનીય છે.
જ્યારે પણ બોર્ડ પરીક્ષાના પરિણામો આવે છે ત્યારે આપડા મલકમાં સલાહકારોનો રાફડો ફાટી નીકળતો હોય છે. જેમને પોતાને સંબંધિત વિદ્યાશાખાના કોઈ જ આંટા નથી એ વાલીને ઘરે જઈ તેમના હિંચકે બેસીને વરિયાળીનું શરબત પીતા પીતા કહેશે કે તમારા દીકરાને નેનો ટેકનોલોજીમાં મોકલો. આવી રીતે નેનોમાં કેટલાય મેનો ને બેનો ફસાયેલા છે. એટલે અહીં સિદ્ધાન્ત એ છે કે અયોગ્ય કે અર્ધયોગ્ય સલાહકારોના કહેવાથી સંતાનોની કારકિર્દીની આહુતિ આપી ન દેવી. ધોરણ દસ કે બાર પાસ થનારા વિદ્યાર્થીઓ સમજણમાંય પુખ્ત હોતા નથી. એટલે તેઓ પણ ઘર આંગણાની કે મિત્રોની વાતોમાં તણાઈ જાય છે.
પરિણામ એ આવે છે કે તેઓ જ્યારે કોલેજમાં પગરણ કરે છે એના થોડાક જ દિવસોમાં એમને ખ્યાલ આવી જાય છે કે આપડે સાવ ખોટી જ દુનિયામાં આવી ગયા છીએ. એ દુનિયા ખરેખર ખોટી નથી પરંતુ જેમને એ જ વિદ્યાશાખાનું ઘેલું લાગ્યું હોય એને માટેની છે. પોતાના અંતઃકરણમાં છુપાયેલા રસરુચિને જાણ્યા વિના જેઓ અંધારામાં ઝંપલાવે છે તેઓને કંઈ હીરામોતી મળી જતાં નથી. તેઓ ગોથા ખાઈને પાછા ફરે છે. ખબર પડે કે તુરત કોઈ જ સંકોચ રાખ્યા વિના નિખાલસતાથી જેઓ વિદ્યાશાખા બદલાવે છે તેમના વરસો પાણીમાં જતાં બચી જાય છે. વાલીઓ અને સલાહકારો કંઈ પણ આંબાઆંબલી બતાવે એમાં લલચાઈ જવા કે એમના પ્રભાવમાં વિદ્યાર્થીઓએ આવી જવા જેવું નથી.
વાલીઓને પોતાને પણ પૂરતી ખબર ન પડતી હોય છતાં બહુ આછી અને ઉપરછલ્લી સમજણને આધારે સંતાનોને ઉચ્ચ શિક્ષણમાં ધક્કા મારતા હોય છે. ધારો કે કોઈ વિદ્યાર્થી એના માતાપિતાને એમ કહે કે હવે ધોરણ બાર તો મેં સારી રીતે પૂરું કર્યું તો મને એક વરસ વિચારવા દો. હું જરાક બધી લાઈનનો પરિચય મેળવી લઉં અને પછી નિંરાતેથી નિર્ણય લઉં. જો કોઈ વિદ્યાર્થી આવું કહે તો એના ઘરમાં ભૂકંપ આવે. અને શિક્ષકોને ખબર પડે તો તેઓ તૂટી જ પડે. આપણે એવા સમાજમાં છીએ જ્યાં ચાર વરસ બગાડવાની બધી વ્યવસ્થા છે પણ આખી જિંદગી સુધારવા માટે એક વરસ રાહ જોવાની જોગવાઈ નથી. એટલે આપણે વિદ્યાર્થીને પોતાના ભવિષ્ય માટેનું આયોજન કરવા માટે પૂરતો અવકાશ આપવા માટે તૈયાર નથી. જો કોઈ એક વિદ્યાર્થી એમ કહે કે મારે હમણાં ભણવું નથી, આગળનો અભ્યાસ કરવા માટે મને એક-બે વર્ષ વિચારવા દો તો પહેલા તો એને ઘરમાંથી જ કાઢી મૂકવામાં આવે અથવા તો આવા સર્વોત્તમ વિચારશીલ વિદ્યાર્થીને બેવકૂફ સાબિત કરવામાં આવે.
પણ એ દિવસો હવે દૂર નથી કે વાલીઓના મનમાં ઉચ્ચ શિક્ષણની કોઈ જ કિંમત નહિ હોય. હજુ લાખો વાલી ભ્રમમાં છે. પરંતુ જેમણે પોતાની દીકરી પારકે ઘેર મોકલવાની છે એવા વાલીઓને મન તો આજે જ મુરતિયાના ભણતરની કોઈ કિંમત નથી. શું ભણ્યા છો એનું હવે મહ¥વ નથી પરંતુ ભણ્યા પછી અત્યારે શું કરો છો એ એક જ વિગત જ મુખ્ય છે અને એમાંય કોઈ વધુ ભણવાની વાત કરે તો કન્યાપક્ષને એક તો એમાં વિશ્વાસ નથી અને એટલી ધીરજ પણ નથી. એક મિકેનિકલ એન્જિનિયર કરતાં કરિયાણાની દુકાનના માલિક ઉમેદવારને કન્યાપક્ષ જલ્દી પસંદ કરે. આપણા પ્રદેશમાં જ એવા હજારો કિસ્સાઓ છે કે જેમાં ઊંચી ઊંચી દંતકથાઓ કરીને લગ્ન કરાવી લીધા હોય પરંતુ વાસ્તવિકતા તો ચાર-પાંચ મહિને છતી થયા વગર ન રહે. પછી પરણિતાએ કે વાલીઓએ શું કરવું ?
ખરેખર તો છેતરપિંડી કરનારાઓ એક પ્રકારના અપરાધી છે એટલે એમનાથી જલ્દી જુદા પડવું એમાં જ કલ્યાણ છે પરંતુ સમાજની હિંમત હજુ એ રસ્તે જવાની નથી. કોઈ બે પૈસા ઓછા કમાય છે એ તકલીફની વાત નથી, આપણી સૌરાષ્ટ્રની દીકરી તો મીઠું અને રોટલો ખાઈનેય સાસરવટ નિભાવે પરંતુ જેઓ લગ્નપૂર્વે ખોટું બોલીને આસમાનના સિતારાઓ
આભાર – નિહારીકા રવિયા બતાવે અને લગ્ન પછી ખબર પડે કે બે ટંક પોતાના પગે ઊભા રહેવાનાય ઠેકાણા નથી તો પછી એનો સંગ ટકાવી ન રખાય. આવા સંજોગોમાં ખોટું બોલનારાઓ અંગે જે વાલીઓ પોતાની દીકરીને પડ્‌યું પાનું નિભાવી લેવાની સલાહ આપે તેઓ મૂર્ખ હોય છે અને જેઓ ભાગ્યની વાત કરે તેઓ બેવકૂફ હોય છે.
દિલ્હી અને બેંગ્લોરમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં લગ્ન પછી પણ પરણિતાના માબાપે પોતાની દીકરીનું મન જાણીને એને પાછી બોલાવી લીધી હોય અને ફારગતીની અરજી અદાલતમાં મૂકી દીધી હોય. છેલ્લા પાંચ વરસમાં આઈટી ઉદ્યોગની કમર ભાંગી ગઈ એમાં અનેક લોકોને ઘરભંગનો અનુભવ થયો છે. આવા ઘટનાક્રમના મૂળમાં ખરું પાપ મુરતિયાના માબાપનું હોય છે. તેમણે જ હકીકતો છુપાવવાનું ષડયંત્ર ઘડયું હોય છે. જે ઘરમાં અસત્યનો આશ્રય લેવાની પરંપરા હોય એના ફળિયામાં પગ કેમ મૂકાય ? સૌરાષ્ટ્રની અનેક નવયુવાન દીકરીઓની જિંદગીને ઠેબે ચડાવતી આવી ઘટનાઓ કંઈ ઓછી નથી. આ બધાના મૂળ જ તપાસવા જેવા હોય છે. એના મૂળમાં વાલીઓ જ દોષિત હોય છે. સંક્ષિપ્તમાં સિદ્ધાન્ત એ છે કે જેઓ પોતાની રસરુચિ સિવાયની વિદ્યાશાખામાં ભણવા જશે તેઓ ક્યારેય ઠેકાણે પડવાના નથી.