(૧) તમારો હાસ્યલેખ મને દાનમાં મળે ખરો?
વર્ષાબેન પંપાણીયા (રાજુલા)
મને પણ દાનમાં મળ્યો છે!
(૨) ગુજરાત સરકાર શિક્ષકને સિંહની વસ્તી ગણતરીનું કામ આપે તો તે સિંહની ગણતરી કેવી રીતે કરે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડા પીઠા)
જંગલમાં નોટીસ બોર્ડ મૂકે કે જે સિંહ હાજરી પુરાવવા આવશે એને મધ્યાહન ભોજનમાં હરણ આપવામાં આવશે.
(૩) સરસ્વતીચંદ્ર જેવી નવલકથા ફરીવાર ક્યારે લખાશે?
જય દવે (ભાવનગર)
અત્યારે છે એ નવલકથામાં મજા ન આવી કે સમજાણી નહિ?!
(૪) આકાશમાં રહેવા જાવું છે. શું એ શક્ય છે?
હનીફભાઇ ચોટલિયા (બાબરા)
હા બધું શક્ય છે. નવું મકાન બનાવો એનું નામ આકાશ રાખજો અને એમાં રહેવા જતા રહેજો.
(૫) બેંકોમાં કેશિયર-બારી સાવ નાની કેમ હોય છે?
રામભાઈ પટેલ (સુરત)
નોટોના બંડલ સાથે કેશિયર પણ બારી બહાર નીકળી ન જાય એટલે!
(૬) કાગડા અને કાબરની સંખ્યા ઓછી કેમ થઇ હશે?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલીયા મોટા)
વિદેશગમન.
(૭) ફાધર્સ ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે આ બધા ડે રાખે તો કોક દિવસ હસબન્ડ ડે રાખવો જોઈએ. તમારુ શું કહેવું છે?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)
હવે એકપણ દિવસ ખાલી નથી. હસબંડ ડે ઉજવવા વરસમાં એક દિવસ વધારવો પડે એમ છે.
(૮) મારે પણ તમારી પાસે ટ્યુશન ક્લાસ કરવા છે ક્યારે આવું ?
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
ગમે ત્યારે આવો પણ બે વરસ આંગણવાડીના કર્યા હોવાનું પ્રમાણપત્ર લેતા આવજો.
(૯) મામા મહિનામાં હમણાં ઘરે એકલો છું. ચા માટેની ત્રણેય તપેલી એંઠી કરીને મૂકી છે. હવે કયા વાસણમાં ચા બનાવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
ચા, ખાંડ અને દૂધ પેટમાં પધરાવી તડકામાં ઊભા રહી જાઓ. તપેલી જમીનને લીધે તપેલીની જરૂર જ નહિ પડે.
(૧૦) ખાનગી શાળાની જેમ ખાનગી અદાલત શરૂ કરી શકાય કે નહીં?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ ( કેનેડા)
અહી શરૂ કરવી છે કે કેનેડા?!
(૧૧) લાઈટ ચાલી જાય તો તમારા મોઢે અચાનક ક્યો શબ્દ નીકળે ?
વૈઠા હિરવા કે.(પાનસડા)
બધાને ગઇ છે!
(૧૨) ખાવું એટલે પેટનો ખાડો પુરવો કહેવાય તો પાણી પીવુ તેને શું કહેવાય ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
ખાડો છલકાવી દેવો.
(૧૩) આ વખતની ગરમી વિશે શું કહેશો?
રમાબેન પટેલ (અમદાવાદ)
ગરમીમાં બરફ તો ઓગળે પણ આ વખતે તો ‘મને ગરમી ન લાગે’ એવું કહેનારનું અભિમાન પણ ઓગળી ગયું.
(૧૪) તમને નવા ફિલ્મી ગીતો ગમે કે જૂના?
દર્શન પટેલ (વડોદરા)
પણ મને ફિલ્મી ગીતો ગમે છે એવું તમને કહ્યું જ કોણે?
(૧૫) કીડીના આંતરડા કેવડા હશે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
કીડી કરતા નાના.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..