રાજકોટમાં ગેમિંગ ઝાનમાં લાગેલી આગમાં ૨૮ હતભાગીનાં મૃત્યુ થયાં જ્યારે દિલ્લીમાં સાત નવજાત બાળકોને બેબી કૅયર સેન્ટરમાં લાગેલી આગ ભરખી ગઈ. રાજકોટની કરુણાંતિકા પછી ઘણા ગુજરાતીઓ આક્રોશમાં છે, કારણકે છેલ્લા કેટલાંક વર્ષોમાં આવી દુર્ઘટનાઓ સામાન્ય વાત બની ગઈ છે. ૨૦૧૯માં ચૂંટણી પરિણામ (૨૩ મે)એ આવ્યાના બીજા દિવસે સુરતમાં તક્ષશિલા આર્કેડ નામના ભવનમાં કાચિંગ ક્લાસમાં આગ લાગી. તે પછી મોરબી પૂલની દુર્ઘટના બની. અને પછી વડોદરામાં હરણી તળાવમાં નૌકા દુર્ઘટના બની. તક્ષશિલા કાંડ પછી પણ રાજકોટમાં રમતો રમાડવાના પરિસર જેને ગેમિંગ ઝાન કહે છે, તેમાં નિયમોનું બરાબર ઉલ્લંઘન કરાયું. ૨૮ જણા કાળના ખપ્પરમાં લેવાદેવા વગર હોમાઈ ગયા.
પરંતુ આ બંને દુર્ઘટનાઓ પછી હંગામો કરવો છે કે ઉકેલ તરફ વિચારવું છે તે અઠવાડિયા પછી સ્વસ્થ થયા હોય તો વિચારવું પડશે. પહેલું તો સરકાર પક્ષે વિચારવું પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એબીપી કે બીજા કોઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેઓ હવે ભ્રષ્ટાચારને પણ કાળા બજારની જેમ નાબૂદ કરવા માગે છે. ટ્રેનમાં કોઈએ ટિકિટ ન લીધી હોય તો તેની તસવીર ચોંટાડવામાં આવશે. વડા પ્રધાન મોદીને જે રીતે જન સમર્થન પ્રાપ્ત છે તે જોતાં ભ્રષ્ટાચાર વિપક્ષનો હોય કે પોતાના પક્ષનો, તેની સામે લડવાનો, તેમના જ સૂત્ર પ્રમાણે, ‘યહી સમય હૈ, સહી સમય હૈ’. રાજકોટ અને દિલ્લી કાંડમાં જે પણ અપરાધીઓ છે તેમની તસવીરો બધે લગાડો. ખાસ તો અધિકારી રાજનો અંત લાવો. તમે પક્ષના લોકો છકી ન જાય તે માટે અધિકારીઓ પર વધુ ભરોસો મૂકો છો અને ગુજરાતનું રાજ્ય પક્ષના લોકો કરતાં તમારા માનીતા અધિકારીઓ જ વધુ ચલાવે છે એ જાહેર વાત છે, ત્યારે અધિકારીઓ રાજ્યના ચૂંટાયેલા લોકોને ન ગાંઠે તે કેવું? અને દુર્ઘટના પછી ધારાસભ્ય કે સાંસદ ગમે તેમ બોલે, હસે તે તો પડ્‌યા પર પાટું મારવા જેવું થયું. પૂર્વ મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જ્યારે મહેસૂલ કચેરીમાં દરોડા પાડવા ગયા ત્યારે એક મહિલા કર્મચારી તેમની સાથેના સહ કર્મચારીનું નામ આપવા આૅન કેમેરા તૈયાર નહોતાં. આ કેવું? પ્રધાનનો કોઈ ડર જ નહીં? કારણકે આ કર્મચારીઓ અને અધિકારીઓ સમજતા હોય છે કે તેઓ સ્થાયી છે, જ્યારે પ્રધાનો તો આવતા-જતા રહે. બહુ-બહુ તો શું કરશે? સસ્પેન્ડ? અને એટલે જ હવે સરકારમાં કાન્ટ્રાક્ટ પર કર્મચારીઓ બહુ લેવાય છે. પરંતુ તેનો પણ દેકારો મીડિયાના સહયોગથી થાય છે. કાન્ટ્રાક્ટ પર હોય તો કર્મચારીઓને સતત અસુરક્ષા સતાવે અને પેધી ન જાય તે હેતુ હોય છે. હા, તેમાં પગાર અને કામના કલાકોની રીતે શોષણ ન થવું જોઈએ. આપણે ત્યાં નિયમોને ઘોળીને પી જવાની ફેશન કાંગ્રેસની સરકારોએ એવી પાડી દીધી છે જે આજે પણ આપણે ત્યાં વર્ક કલ્ચર બની ગઈ છે. નિયમો તો કડકમાં કડક બનાવવામાં આવે છે, પરંતુ તેની છટકબારી પણ સરકારી કર્મચારી પાસેથી જ મળે છે. યમનું કહેણ ન આવે ત્યાં સુધી આપણને નિયમોનું પાલન ગમતું નથી. ૨૦૧૯માં ફરીથી સરકારમાં આવ્યા બાદ નીતિન ગડકરીએ ટ્રાફિક નિયમો બહુ કડક બનાવ્યા હતા. દંડને અનેક ગણો વધારી દેવામાં આવ્યો હતો. પરંતુ શું થયું? એ નિયમોનું પાલન અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યું કારણકે જનતાનો જ કકળાટ હતો. આરટીઓમાં એજન્ટ વગર કામ થઈ શકે તે માટે આૅનલાઇન કરવામાં આવ્યું, પરંતુ વ્યવસ્થા જ એવી કરી કે આૅનલાઇન કરાવવા પણ એજન્ટ શોધી આરટીઓ જવું પડે. એજન્ટે પણ આૅનલાઇન કામ કરનાર સાધી રાખ્યા હોય. પોલીસમાં વહીવટદાર હોય છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે કારણકે ભ્રષ્ટાચારને આપણે રૂટિન ગણી લીધો છે. જ્યારે (૧૯૮૩માં) વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી કહેતા હોય કે ભ્રષ્ટાચાર તો વૈશ્વિક ઘટના છે જે બદલ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેમનો ઉધડો લીધો હતો, વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધી કહેતા હોય કે અમે ૧૦૦ પૈસા મોકલીએ છીએ ત્યારે નીચે લાભાર્થીના હાથમાં માત્ર પંદર પૈસા જ આવે છે, અને ૨૦૦૮માં અમેઠીમાં સારી સડક ન હોવાની એક વૃદ્ધની ફરિયાદના ઉત્તરમાં પ્રિયંકા ગાંધી વાડ્રા એમ કહેતાં હોય કે ૧૦૦ રૂપિયામાંથી ૪૦ રૂપિયા આમ-તેમ આપવા પડે અને અમે જો અમારો ઠેકેદાર રાખ્યો તો બીજો ઠેકેદાર દુઃખી થઈ કામ ઠપ કરી દે એટલે સડક નથી બનતી તો એ કોઈ ઉત્તર છે? ગાંધી પરિવારનો આટલો દબદબો યુપીએ વખતે હતો, આટલાં વર્ષોથી શાસનમાં હોય અને અમેઠીમાં તો ૧૯૮૦થી ગાંધી પરિવાર ચૂંટાતો આવ્યો છે તોય જો આ સ્થિતિ હોય તો પછી શું કહેવું?
વાત એ છે કે જેમ રાજકોટમાં ગેમિંગ ઝાન એનઓસી વગર ચાલતો હતો તેમ દિલ્લીની બેબી કૅર સેન્ટરમાં પણ હતું. તે ઍક્સપાયર્ડ લાઇસન્સ પર ચાલતું હતું. ત્યાં અગ્નિશામક ઉપકરણો નહોતાં. પ્રવેશ અને નિર્ગમન માટે યોગ્ય વ્યવસ્થા નહોતી. દુર્ઘટનાની સ્થિતિમાં એક
આભાર – નિહારીકા રવિયા અલગ નિર્ગમન દ્વાર રાખવું પડે તે પણ નહોતું.
આ બેબી કૅર સેન્ટરથી પાંચ જ કિમી દૂર દિલ્લીના કૃષ્ણાનગરમાં એક નિવાસી સંકુલમાં આગ લાગી. પાર્કિંગ સ્પેસમાં એક ગેરકાયદે સ્કૂટર ગાડાઉન હતું. તેમાંથી લાગેલી આગ ઉપરના માળે પહોંચી ગઈ અને તેમાં ત્રણ હતભાગી લોકોનાં મૃત્યુ થયાં. પીડિતોના પરિવારોનું કહેવું છે કે બિલ્ડિંગ જ ગેરકાયદે બનાવાયેલું હતું. ચાર માળ હોવા જોઈએ તેના બદલે પાંચ માળ હતા. બસ, આ જ વાત છે. બધાને કમાઈ લેવું છે અને છેલ્લાં ત્રીસેક વર્ષથી આવતી હિન્દી ફિલ્મો, સિરિયલો અને વેબશ્રેણીઓએ લોકોમાં પૈસાની ઘેલછા એટલી જગાડી દીધી છે કે આજે તો પોતાનું શીલ સમર્પિત કરીને પણ પૈસા કમાવવામાં કંઈ ખોટું નથી જણાતું, ઉલટું સ્ટેટસ જણાય છે. ‘અપના સપના મની મની’નો સંવાદ છે – જહાં સચ ન ચલે, વહાં ઝૂઠ હી સહી, જહાં હક ન મિલે વહાં લૂટ હી સહી. ચોરો અને સ્કેમબાજોનું ગ્લારિફિકેશન કરવાં કોઈ કસર આ મનોરંજન જગતે છોડી નથી. નવી ‘બાદલ પે પાંવ હૈ’ સિરિયલની નાયિકા લાલચીની વ્યાખ્યા જુદી કરે છે. એક મીડિયા સમૂહે ‘જિદ’ની વ્યાખ્યા બદલી નાખી હતી. અને એટલે એ ઉપરથી નીચે સુધી બધે જ ચાલે છે. ૧,૫૫૦ ચોરસ ફૂટની જ શક્યતા હોય ત્યાં ૨૦૦૦ ફૂટ બનાવી લેવું છે. બિલ્ડિંગ ફટાફટ બનાવી લેવું છે. ત્યાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા, તેમની ખાણીપીણી, તેમના કામ કરવાના કલાકો, આજુબાજુના રહેવાસીઓને તેની ધૂળ ન ઉડે કે પછી સ્લેબ ભરાતો હોય ત્યારે આૅવર પ્રેશરના લીધે સિમેન્ટ ન ઉડે તે માટે પડદો બાંધવો, વગેરેની દરકાર ઘણી વાર નથી કરાતી હોતી. આજુબાજુ રહેતા લોકોમાંથી કોઈ જાગૃત નાગરિક બોલે તો તેને બીજા રહેવાસીઓનો સાથ નથી મળતો હોતો.
આવું જ શાળાઓમાં છે. રહેવાસી વિસ્તારમાં મેદાનની સુવિધા વગર શાળાઓ ખોલી નાખવામાં આવે છે. ડમી સ્કૂલો ચાલે છે. મુંબઈમાં વસતા એક સ્નેહીએ જણાવ્યું કે માહિમમાં બેઝમેન્ટમાં કાચિંગ ક્લાસ ચાલે છે, અને માબાપ હોંશેહોંશે ત્યાં પોતાના બાળકને મોકલે છે. બેઝમેન્ટમાં આગ લાગે તો બાળકો બચે જ નહીં, પરંતુ આ કાચિંગ ક્લાસમાં ભણાવાય છે સારું, તેથી દુર્ઘટનાના ભોગ બનવાની શક્યતા હોવા છતાં માબાપ વિદ્યાર્થીને મોકલે છે.
રાજકોટમાં ગેમિંગ ઝાનમાં પણ બધી જ શક્યતાઓનો-નિયમોનો હ્રાસ ઉડાવાયો. વેકેશનમાં વધુ બાળકો રમવા આવી શકે તે માટે ટિકિટ રૂ. ૯૯ કરી દેવાઈ. પરિણામે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા. મોરબી પૂલ પર પણ આવું જ થયું હતું. જરૂર કરતાં વધુ લોકોને જવા દેવામાં આવ્યા. કેદારનાથ-બદ્રીનાથ ચાર ધામની યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા કે તેમને સંભાળવામાં તંત્ર હાંફી ગયું અને નોંધણી શરૂ કરવી પડી. દિવાળી અને બીજા તહેવારોએ મંદિરોમાં જે ભીડ ઉમટે છે તેમાં જો કોઈ અફવા ફેલાય કે કોઈ જીવજંતુ આવી જાય તો નાસભાગ થાય ત્યારે મૃત્યુ અને ઘાયલ બંને થતાં હોય છે.
આપણને બધાને એટલે કે સરકારને, પીડિતોને નિયમો દુર્ઘટના બન્યા પછી જ યાદ આવે છે. ૨૦૦૧માં કચ્છ અને અમદાવાદમાં ભૂકંપ થયો ત્યારે બધાને યાદ આવ્યું કે બિલ્ડિંગમાં સારી સામગ્રી નથી વાપરવામાં આવી. ભૂકંપ આવી શકે તેવા વિસ્તારોમાં ઊંચીઊંચી બિલ્ડિંગો બને તો શું થાય? સરકારો તો નઠારી છે, પરંતુ નાગરિકોને શું પોતે ક્યા વાહનમાં બેસે છે, પોતાના બાળકને શાળાએ મોકલતી વખતે ઇકામાં ઠાંસી-ઠાંસીને બેસાડાય છે, ઇકા કેવી રીતે ચલાવાતી હોય છે તેની ચિંતા હોય છે? પોતાનું બાળક સગીર વયે ઍક્ટિવા કે મોંઘીદાટ કાર લઈને જાય તેની પરવાનગી માબાપ કેમ આપે છે? લાઇબ્રેરીમાં જેવી શિસ્ત પુસ્તકપ્રેમીઓ પાળે છે તેવી શિસ્ત થિયેટરમાં હોય છે? થિયેટરમાં અનહદ ઊંચા ભાવે નાસ્તો વેચાય છે, પણ કયા નાગરિકો વિરોધ કરે છે? હાઇ વે પર આવેલી ખખડધજ રેસ્ટારન્ટમાં ઊંચા ભાવે નાસ્તો, પાણીની બાટલ વેચાય ત્યારે કેટલા જાગૃત નાગરિકો તેનો વિરોધ કરે છે? દૂધથી માંડીને ખાવાપીવાની ચીજોમાં ભેળસેળ આપણને કોઠે પડી ગઈ છે. ઉલટું, જે જાગૃત નાગરિક વિરોધ કરશે તેનો વિરોધ આજુબાજુ ઊભેલા ગ્રાહકો કરવા લાગશે. બૅંકો, ટપાલ કચેરી, તલાટી કચેરી બધે આવું જ થાય છે. જો કોઈ વ્યક્તિ માથાઝીંક કરતી હશે તો આજુબાજુના ગ્રાહકો પોતાનો વારો આવવામાં મોડું થવાના કારણે તે વ્યક્તિનો વિરોધ કરવા લાગશે. ફરસાણની દુકાન, આઇસ્ક્રીમ પાર્લર, હાટલ, હાસ્પિટલ બધી જ જગ્યાએ વજનથી માંડીને સુવિધાઓમાં ઠાગાઠૈયા કરાય છે. આગ છોડો, હાસ્પિટલમાં લિફ્‌ટ પણ નથી હોતી. દર્દી અશક્ત હોય, પગમાં ઈજા થઈ હોય ત્યારે તેને પહેલે કે ત્રીજા માળે લઈ જવામાં તેના સગાઓને કેટલી તકલીફ પડે તેનો કોઈ વિચાર કરતું નથી.
સાથે જ સડક પર નીકળી ન્યાય મેળવવા પ્રજાને આહ્‌વાન કરાય છે. પ્રજાને નમાલીના વિશેષણ અપાય છે. આ કામ પત્રકારનું છે? આ તો નક્સલીઝમ થયું. તેમાંથી શું મળશે? ચાલો, વિચારીએ. ભાજપ સરકાર જશે. કાંગ્રેસ કે આઆપ આવશે. તો આઆપના રાજમાં પણ દિલ્લીમાં અત્યારે આગની દુર્ઘટના બની જ છે. તે તમને દેખાતી નથી. પ્રજા સમજે જ છે અને તેથી આવા નક્સલીઝમમાં આવતી નથી. અમદાવાદમાં ૧૯૮૧માં અસારવામાં નીલકંઠ મહાદેવ મંદિર બહાર એક પંથીય પ્રદર્શન ગોઠવાયું હતું. તેમાં ૨૦૦ જણા અંદર હતા. તેમાં લાગેલી આગમાં ૧૪ બાળકો, ૧૪ મહિલાઓ અને ૧૭ પુરુષો સહિત ઓછામાં ઓછા ૬૦ જણા મૃત્યુ પામ્યા હતા. તે સમયે પણ શું આ જ પ્રકારે લોકોને ઉશ્કેર્યા હતા? કાર્ટે ગુજરાતમાં સ્વયં સંજ્ઞાન લીધું તે સારી વાત છે, પરંતુ દિલ્લીમાં કેમ કાર્ટ આવું સંજ્ઞાન નથી લેતી? બાર એસાસિએશનના અધિવક્તાઓએ રાજકોટ અગ્નિકાંડના આરોપીઓનો કેસ ન લડવા સંકલ્પ કર્યો તે ખૂબ જ સારી વાત છે, પરંતુ આમાંથી પ્રેરણા લઈ આતંકવાદીઓના કેસ, નક્સલવાદીઓના કેસ, બળાત્કારીઓના કેસ, પણ ન લડાય તો આ મામેન્ટમ સાર્થક થાય, અન્યથા કેટલીક ઘટનાઓ વખતે જેમ બધાને એક હઇશો-હઇશોમાં જોડાવું ગમતું હોય છે તેવું થશે. આ આખી ઘટનામાં વેલ્ડિંગવાળો કોણ હતો અને તેણે કેમ ચેતવણી ન આપી? પેટ્રાલ-ડીઝલ ભરેલું હોય ત્યારે વેલ્ડિંગ બંધ ન કર્યું તે વાત પર કોઈનું ધ્યાન જ ન ગયું? કડિયા-દાડિયા પણ અકસ્માત થાય તેમ હોય તો ચેતવતા હોય છે. કામ અટકાવી દેતા હોય છે. મીડિયાનું કામ પ્રશ્નો ઉઠાવવાનું છે. સાથે ઉકેલ પણ દર્શાવવાનું છે. અને સાથે જ્યારે દુર્ઘટના બને ત્યારે સમસંવેદી બની નિર્ભેળ સત્ય રજૂ કરવાનું છે. પરંતુ સાથે જ તે સમયે રોવાનું અને આક્રોશનું નાટક કરી ટીઆરપી અને વાઇરલ વીડિયો બનાવી પ્રશંસા ઉઘરાવવાથી બચવું જોઈએ. લોકો હવે આ નાટકો સમજી ગયા છે. અમદાવાદ આકાશવાણી પર વર્ષો સુધી સમાચાર સંપાદન અને સમાચાર વાંચન કરનારા હરેશ પંડ્‌યા માને છે (તેમના મેં યૂટ્યૂબ માટે લીધેલો ઇન્ટરવ્યૂમાં) સમાચારમાં કોઈ લાગણી ન ચાલે. આકાશવાણીમાં એક સમાચાર વાચક મોરારજી દેસાઈના અવસાનના સમાચાર રજૂ કરતાં-કરતાં રડી પડ્‌યા હતા. તો આકાશવાણીએ કડક પગલાં લઈ તેમની પાસેથી લેખિત સ્પષ્ટતા માગી હતી અને થોડો સમય સમાચાર વાંચનથી દૂર રાખ્યા હતા. જોકે તટસ્થ, નિર્ભેય, વિહંગાવલોન પત્રકારત્વના નિયમો પણ છે, પરંતુ તે પણ કોણ પાળે છે? ટૂંકમાં, નિયમોની યાદ યમનું કહેણ આવે ત્યારે જ આવે છે.