ભૂતકાળમાં પાણીની તંગી ભોગવતા કચ્છને છોડીને સાહસિક અને મહેનતુ ખેડૂતો – કચ્છી પાટીદારોએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે. કચ્છી પાટીદારો પોતાના કુટુંબ ભાઈઓ સાથે સુખ શાંતિથી રહી શકે અને મહેનત કરી પેટીયુ ભરી શકાય તે માટે સ્થળાંતર પછી જે ગામ વસાવ્યા છે તેવા ૨૦- ૨૫ પરિવારના ઘરોને કમ્પો અથવા કમ્પા તરીકે ઓળખવામાં આવે છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચંદ્રપુરા કમ્પો આવેલો છે. આ ગામ કમ્પામાં કુલ ૬૫૦ વીઘા જેટલી જમીન આવેલી છે અને ૨૦ પરિવારનું આ ગામ છે. અહીંના ખેડૂતો ૨૦૧૫ પહેલા પાણીની ભારે ખેંચ વચ્ચે ખેતી કરતા હતા. પાણીના તળ ઊંડા અને ચોમાસા પછી શિયાળું પાક માંડ ૮ ૧૦ વીઘામાં થાય આવી સ્થિતિ હતી. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી ખેડૂતોના નસીબના દ્વાર જાણે ખુલવાના હશે તેમ નર્મદા ડેમના દરવાજા બંધ થયા અને ડેમનું પાણી સિંચાઈ અને પીવા માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન સુધી પહોંચ્યું.
નર્મદા કેનાલથી એક દોઢ કિલોમીટર સુધી ૫૮ લાખથી વધારે ખર્ચ કરીને સરકાર દ્વારા ચંદ્રપુરાના તળાવમાં પાણી નાખવામાં આવ્યું છે. ચંદ્રપુરાના તળાવમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો પાર ન રહ્યો. સમજો ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ઘેર ઘેર લાપસીના આંધણ મુકાયા. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે કોઈ જુવાનિયાઓને ખેતી, પશુપાલન વ્યવસાયમાં રસ રહ્યો નથી આમ છતાં બધાને શુદ્ધ ખોરાક અને શુદ્ધ દૂધ, દહીં, ઘીની અપેક્ષા છે. પરંતુ આ ગામની વિશેષતા અલગ છે. અહીંના યુવાનો ગ્રેજ્યુએટ કે તેથી આગળનો અભ્યાસ પુરો કરીને નોકરીની શોધમાં બેકાર નથી ભટકતા. એ પોતાના બાપ દાદાની ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ખેતીમાં જોડાય છે. ગામના તમામ યુવકો આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે છે અને સફળ પણ બન્યા છે. ગામના તળાવમાંથી તમામ ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાઇપલાઇન નાખીને ચોમાસુ અને શિયાળું પિયત નર્મદા આધારિત કરે છે. ઉપરાંત તમામ ખેતી ૧૦૦% ડ્રીપ અને સો ટકા સ્પ્રિન્કલર આધારિત થાય છે. એટલે પાણીની સહિયારી સંપત્તિનું જતન સાથે મળીને કરે છે. ચંદ્રપુરા કમ્પાના યુવા અને ઉત્સાહિત ખેડૂત જીગ્નેશભાઈ સુરેશભાઈ પટેલ જેમની ઉંમર માત્ર ૩૮ વર્ષ અને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલ છે. અભ્યાસ પૂર્ણ કરીને ધંધા નોકરી વ્યવસાય માટે ફાંફા મારવાને બદલે પિતાના ખેતીના વ્યવસાયમાં જોડાઈ ગયા. આ ગામના યુવાનો ખેતીના વ્યવસાયને પ્રથમ પસંદ કરે છે. જીગ્નેશભાઈ કહે છે કે અમારા કમ્પામાં ચોમાસુ પાક તરીકે ખેડૂતો ૭૦ ટકા જમીનમાં મગફળીનું વાવેતર કરે છે. પાંચ સાત વર્ષથી મગફળીનું ઉત્પાદન સરેરાશ ૩૫ થી ૪૦ મણ મળી રહ્યું છે. મોટાભાગે એક્સપોર્ટ ક્વોલિટીની વેરાયટી પસંદ કરવામાં આવે છે એટલે માર્કેટ કરતા ૨૫૦ થી ૩૦૦ રૂપિયા વધારે ભાવ મળે છે જ્યારે ૨૦ ટકા જમીનમાં ખેડૂતો રોકડિયા પાક તરીકે શાકભાજીનું વાવેતર કરે છે. જેમાં મરચા, ટમેટા, દૂધી જેવા શાકભાજીના પાકોમાંથી સારી આવક નિયમિત થાય છે. ઉપરાંત ૧૦% જમીનમાં પપૈયાની ખેતી ખેડૂતો કરે છે. ચોમાસામાં મુખ્યત્વે મગફળી, શાકભાજી અને પપૈયાનું વાવેતર થાય છે. જીગ્નેશભાઈ કહે છે પપૈયાની ખેતી આર્થિક વળતર આપતી સારી ખેતી છે. માર્ચ એપ્રિલમાં પપૈયાનું વાવેતર થાય છે. એક વીઘામાં ૫૫૦ થી ૬૦૦ છોડ આવે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વાવેતર કરેલ હોય તો વેપારી વાવેતર અને ખાતરનો ખર્ચ એડવાન્સ આપે છે અને ભાવ પણ ખેતર બેઠાના એડવાન્સ નક્કી થાય છે. પપૈયામાંથી સારો છોડ અને માવજત હોય તો એક વીઘે ૮૦૦ થી ૧,૦૦૦ મણનું ઉત્પાદન માવજત અને સારૂ વાતાવરણ હોય તો મળે છે. તેનો મણનો ભાવ ૧૫૦ થી ૨૦૦ મળે છે. આમ પપૈયામાં વિઘોટી દોઢ લાખ આસપાસ રહે છે. જ્યારે શીયાળામાં બટાટાનો મુખ્ય પાક થાય છે. બટાટામાંથી વેફર બનાવતી બાલાજી જેવી કંપનીઓ કોન્ટ્રાક્ટ આધારીત વાવેતર કરાવે છે. જેમાં વાવેતર પહેલા કંપની ખરીદ ભાવ નક્કી કરી નાખે છે. જીગ્નેશભાઈ કહે છે કે એક વીઘે બટાટાનું ઉત્પાદન ૩૫૦ થી ૪૫૦ મણ જેટલું આવે છે. જેના એક મણનો ભાવ ૨૫૪ મારે આવેલ. વાડી બેઠા કંપની બટાટા લઈ જાય છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદા એ છે કે ઉત્પાદન પહેલા ભાવ નક્કી થતાં હોવાથી આપણને સારું ઉત્પાદન કેમ આવે એટલી જ મહેનત રહે છે. ભાવની ચિંતા રહેતી નથી જેમ કંપની તેના ઉત્પાદન માટે આધુનિક મશીનરી વસાવે તેમ અમારા કમ્પાના ખેડૂતો આધુનિક ખેત-ઓજારો, ખેત-યંત્રો વસાવે છે. ઓછી મહેનત અને સારું કામ એ અમારો ધ્યેય છે. ગુજરાતના ખેડૂતોના સંતાનોને પોતાની ખેતીમાં જોડાવા જીગ્નેશભાઈ કહે છે અને ખેતીનું આધુનિક જ્ઞાન મેળવી આગળ વધવા જણાવે છે. ખરેખર ધરતી પુત્રોએ ચંદ્રપુરા જેવા ગામ અને ખેડૂતોની મુલાકાત લેવા જેવી.
જીગ્નેશભાઈ પટેલનો સંપર્ક નંબર ૯૯૯૮૮૦૧૧૯૯ છે.