વિદ્યાર્થીઓ માટે લાંબા ઉનાળુ વેકેશન બાદ આ અઠવાડિયાથી શાળા કોલેજો શરૂ થઈ રહી છે. જોકે કેટલીક ખાનગી શાળાઓમાં ધોરણ દસ અને બારના વર્ગો એક અઠવાડિયા પહેલા શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં બધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ૧૩ જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે ખુલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા આ વર્ષે એક ધોરણ આગળ વધીને પોતાના શૈક્ષણિક પ્રવાસમાં સફર શરૂ કરવા જઈ રહ્યા છે. વેકેશનમાં માતાપિતા સાથે વિવિધ સ્થળોના પ્રવાસ બાદ હવે પોત પોતાની શાળાઓમાં કે અન્ય શાળાઓમાં જઈને નવા ધોરણનો પ્રવાસ ખેડવા જવાના છે. આગલા ધોરણમાં મેળવેલ ગુણ, ટકા કે ગ્રેડ અને પી.આર.ના લેબલ સાથે નવા ધોરણમાં નવી આશા અરમાનો સાથે નવા સિલેબસમાં ખેડાણ કરવાનું છે. વર્ગ બદલે, કેટલાક વિષય બદલે અને સાથે કેટલાક શિક્ષક પણ બદલશે. બોર્ડની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શાળા અને નવી કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. ખાસ કરીને ૧૨ મુ બોર્ડ પાસ કરેલ વિદ્યાર્થીઓ મેરીટ આધારે એન્જીનીયરીંગ, મેડિકલ કે બીજા વ્યવસાયિક અભ્યાસક્રમ સાથે વિવિધ કોલેજો અને યુનિવર્સિટીની પસંદગીની પ્રક્રિયામાં છે. જે પણ આ અઠવાડિયાથી લગભગ નક્કી થવાનું શરુ થઈ જશે. આમ જુવો તો સમગ્ર શિક્ષણ જગતમાં તમામ પ્રકારના વિદ્યાર્થી આલમમાં લાંબા ઉનાળુ વેકેશન બાદ આ અઠવાડિયાથી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એમાંય પાંચ અને છ વર્ષના નાના ભૂલકાઓ માટે બાલ વાટિકા અને ધોરણ ૧ માં નવા પ્રવેશ સાથે પોતાના જીવનમાં વિદ્યાભ્યાસ કાળનો પ્રારંભ થઈ રહ્યો છે. એમના માટે ઘર કે કુટુંબના વાતાવરણમાંથી સીધા શાળાના વાતાવરણમાં હવે સેટ થવાનું છે. એમના જીવનમાં શૈક્ષણિક કારકિર્દીનું પ્રથમ પગથિયું છે ત્યારે બાલ માનસમાં જુદા પ્રકારની ફિલિંગ હોય છે. થોડો ડર અને ગભરાટ હોય છે. મુકત મને મનફાવે તે રીતે વર્તન કરવા ટેવાયેલ બાળકો શિસ્તના ચોકઠામાં ગોઠવાતા થોડી મૂંઝવણ અનુભવતા જોવા મળતા હોય છે. પણ આગળ જતાં સારી રીતે સેટ થઇ જાય છે. વિધિસરની પ્રક્રિયામાંથી પસાર થઈને ધીમે ધીમે રમતા ખેલતાં ભણતા જાય છે અને પછી જેમ જેમ આગળ વધતા જાય તેમ રમવાનું ઓછું અને ભણવાનું વધતું જાય છે. હવે તો વાલીઓ પણ બાળકોના શિક્ષણ માટે ખૂબ
જાગૃત થયા છે એટલે શહેરી વિસ્તારમાં જ્યાં પસંદગીનો વિકલ્પ મળતો હોય ત્યાં સારી શાળા કે કોલેજની પસંદગી કરે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તો આવી પસંદગીનો ઝાઝો અવકાશ હોતો નથી એટલે પોતાના ગામની સરકારી શાળામાં જ પ્રવેશ લેતા હોય છે. પણ હવે તો બધી સરકારી શાળાઓ પણ સ્માર્ટ શાળાઓ બની ગઈ છે. આધુનિક સગવડો સાથે રમતગમતના સાધનોથી માંડીને કમ્પ્યૂટર લેબ સહિતની સુવિધાઓ ફ્રીમાં મળે છે. પુસ્તકો અને ગણવેશ પણ ફ્રીમાં મળે છે. યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો બાળકોને ભણાવવા આતુર હોય છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ તમામ ધોરણના વિદ્યાર્થીઓને નવી આશા અને નવા અરમાનો સાથે ઉત્તમ કેળવણી પ્રાપ્ત કરવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ગત વર્ષમાં ન આવડેલ મુદ્દાઓ અને ટોપિક આવતા વર્ષમાં શીખી જઈને નવા ધોરણના નવા મુદ્દાઓ ખૂબ સરસ રીતે આત્મસાત થાય એવા પ્રારંભિક પ્રયત્નો શરૂ કરીને આખું વરસ એકધારી મહેનત શરૂ રાખવાથી વર્ષના અંતે લેવાનાર પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે અને આ રીતે શૈક્ષણિક સફરમાં એક પછી એક ધોરણના પડાવ પાર કરીને અંતે બોર્ડનું નિર્ધારિત લક્ષ્ય ખૂબ સારા ગ્રેડ સાથે પાર કરીને શ્રેષ્ઠ વ્યવસાયિક કારકિર્દી માટેના ફિલ્ડમાં દાખલ થઈ શકાય છે. પ્રારંભિક તબક્કામાં વિદ્યાર્થીની વય નાની હોવાથી બાળકોમાં યોગ્ય ટેવ પડવાની શિક્ષકોની વિશેષ જવાબદારી હોય છે. સાથે વાલીઓનો સહકાર પણ એટલો જ જરૂરી હોય છે. જેમ બીજના અંકુરણ માટે યોગ્ય જમીન, પાણી અને હવાની જરૂર હોય છે તેવી જ રીતે શરૂઆતી શિક્ષણ માટે શાળાનું વાતાવરણ, શિક્ષકની મહેનત અને વાલીનો સહકાર આ ત્રણ વસ્તુ બરાબર હોય તો બાળકોમાં શિક્ષણના બીજનું ખૂબ સારું અંકુરણ થાય છે. પછી આગળના ધોરણમાં શિક્ષકોએ માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની હોય છે. પછી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિષય શિક્ષકો જે તે વિષયમાં વિદ્યાર્થીઓને રસ લેતા અને જાતે શીખતા કરવા માટે મહેનત કરતા હોય છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જાતે શીખી અને સમજી શકે તે તબક્કામાં હોય છે એટલે તેમણે વર્ષની શરૂઆતથી જ પોતાના સમયપત્રક મુજબ જે તે વિષયના તાસમાં રસપૂર્વક ધ્યાન આપીને મુંઝવતા પ્રશ્નો પોતાના વિષય શિક્ષકોને પૂછીને તેનું સોલ્યુશન મેળવતા જવું પડે. રોજે રોજનું કામ દરરોજ પૂર્ણ કરતા કરતા સત્ર અને અંતે આખા વર્ષનો સિલેબસ વ્યવસ્થિત રીતે સમજીને નિયમિત વાંચન લેખન કરતા રહેવાથી પરીક્ષા સાવ સહેલી બનાવી શકાય છે. બોર્ડના ટોપર વિદ્યાર્થીઓ આ રીતે આખું વર્ષ નિયમિત મહેનત
આભાર – નિહારીકા રવિયા કરતા હોય છે એટલે તો તેઓ આરામથી ઉચા માર્ક મેળવી શકતા હોય છે. ટૂંકમાં કહીએ તો નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભથી જ કેટલીક અગત્યની કાળજી સાથે આગળ વધીએ તો નિર્ધારિત લક્ષ્ય આરામથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે. માટે દેશના ભાવિ નાગરિકોને તેમના જીવનના અમૂલ્ય વર્ષો પૈકીનું આ નવું શૈક્ષણિક વર્ષ પણ ખૂબ સારું ફળે, ઉત્તમ નાગરિકોના ઘડતર માટે સારી રીતે પોતાનું યોગદાન આપી શકે એ માટેની સૌ શિક્ષણ પરિવારને શુભેચ્છાઓ.