અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકો એટલે ગીરનું નાકુ કહેવાય. જ્યાં સાવજોની ડણક પણ સંભળાય અને ખેડૂતો બળદગાડા લઈને ખેતર વાડીએ જતા હોય તો બળદોને એ મારો જાંબલો એ મારો મોરલો એવા આનંદના પડકારા પણ સંભળાય. ખાંભામાં જૈફ વયે પહોંચેલા કોળી સમાજના જીલુભાઈ ચાવડા રહે. છેલ્લા ૪૦ વર્ષથી વેપાર સાથે ખેતજણસ તોડવાનું કામ કરે.ગામડાઓમાં વેપારીઓ, ખેડૂતો પાસેથી કપાસ મગફળી જેવી જણસ રાખે એટલે ખેડૂતોના ઘેર અભણ પણ કોઠાસૂઝ અને પ્રમાણિક એવા જીલુબાપા કપાસ મગફળીના વજન કરતા હોય હાકલા કરે બાપા કાંટો જોઈ લેજો સામેથી ખેડૂતોના અવાજ આવે જીલુબાપા હોય ત્યાં કાંટો બરાબ જ હોય બાપા તમારા ઉપર વિશ્વાસ છે.
પોતાના સંતાનોને મજૂરી કરીને ભણાવ્યા આજે અરવિંદભાઈ ચાવડા એમએ એલએલબી સુધીનો અભ્યાસ કરીને સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યા છે. અરવિંદભાઈ ચાવડાના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન ચાવડાએ
બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે.
ગૃહિણી સાથે સ્ટેમ્પ વેન્ડર તરીકે કામગીરી કરી રહ્યા છે. નાનો ગરીબ અને અભણ માણસ સરકારની કોઈપણ યોજનાની માહિતી માટે આવે તો વિનામૂલ્યે ફોર્મ ભરી આપવું, સાચી અને પૂરતી માહિતી આપવી એટલું જ નહીં પણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ પણ વિનામૂલ્યે કરી આપવી. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગામડાઓને બેઠા કરવા માટે પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, રોડ –રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે નાણાંની ફાળવણી કરે છે. પરંતુ વાસ્તવિકતા એ જ રહી છે કે ૫૦૦ માણસોની વસ્તી ધરાવતા ગામોમાં આજે પણ સીસી રોડ પંચાયત કચેરી પાણીની પાઇપલાઇન અવેડા સ્મશાન જેવા કામો પૂરા થયા નથી ગુણવત્તા સાથેના કામો ઓછા દ્રશ્યમાન થાય છે. છતાં અધિકારીઓને ટકાવારી મળતી હોવાથી રામરાજ્ય છે.
આ બધી વિટંબણાઓ અને વિષમ સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા જિલ્લા પંચાયત સીટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા અનામત તરીકે જાહેર થતાં શ્રીમતી નીતાબેન અરવિંદભાઈ ચાવડાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને મતદારોના આશીર્વાદથી જીત મેળવી ત્યારે એક સાંજે પરિવાર વાળું કરવા બેઠો હતો એ સમયે જીલુબાપા બોલ્યા છોકરાઓ મેં રાત -દિ મજૂરી કરીને ભણાવ્યા છે ગરીબી જોઈ છે ગરીબી વેઠી છે પણ ખોટું નથી કર્યું. તમારે સુખી થવું હોય તો ખોટું ના કરતા પણ મહેનત કરજો જે લોકોએ મત આપ્યા છે એનું ભલું કરજો, બાકી બીજી વખત મત નહીં આપે.
આજે પણ ખાંભા પંથકના અનેક ગામડાઓમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી હોય છે. માત્ર ખેતી આધારિત આ વિસ્તારની સ્થિતિ દયનીય છે. એવા સમયે ગામડાઓના વિકાસના કામો તો થતા રહેશે પણ પીવાના પાણીની સમસ્યા અને ખેતીના કૂવા બોરમાં પાણી રહે તે માટે જરૂરી છે જળસંચય યોજના.
ગુજરાત રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં લોકભાગીદારીથી ડેમ, તળાવો, ચેકડેમો બનાવવામાં આવ્યા ત્યાર પછી વોટર પ્યુરીફાયર મિનરલ વોટરની બોટલો પીતા અધિકારીઓ અને પદાધિકારીઓએ ઓફિસમાંથી બહાર નીકળવાનું માંડી વાળ્યું તેના પરિણામે આજે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના ઝાંઝવાના જળ જેવી થઇ છે. જવા દો પ્રજાને પીડાવું હોય તો ભ્રષ્ટાચારીઓ થોડા ભૂખે મરે. ધારાસભ્યો, સંસદ સભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસના કામ માટે દર વર્ષે ગ્રાન્ટો મળે છે. અથવા વિકાસલક્ષી આયોજનમાં કામો મંજૂર કરવામાં તેમની ભૂમિકા હોય છે. નાનપણમાં સાંભળેલી પેલી દલા તરવાડીની વાર્તા યાદ આવે છે હાલ ને વાડીએ આવ્યો છું માલિક નથી રીંગણીને પૂછીને જ બે રીંગણા લઈ લઉં, વાડી રે વાડી રીંગણા લવ બે ચાર, નારે લઈ લો દસ બાર. એમ જેમ કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ હોય એમ ગ્રાન્ટ ફળવાય છે છતાં ગાંધીજીના વાંદરાની જેમ પ્રજાએ કંઈ જોયું નથી, મેં કંઈ સાંભળ્યું નથી, હું કંઈ બોલતો નથી. આ સ્થિતિ જાહેર છે છતાં પણ એક મહિલા જન પ્રતિનિધિ નક્કી કરે છે કે મારે મારા વિસ્તારનું ભલું કરવું છે ભલે એક કામ ઓછું થાય પણ કામો એવા કરવા છે જે લોક ઉપયોગી બને અને લાંબા ગાળા સુધી તેના ફાયદા જળ જમીન અને છોરુંને થાય.
જિલ્લા પંચાયતના સભ્ય તરીકે નીતાબેને વર્ષ ૨૦૨૧- ૨૨ માં જિલ્લા કક્ષા અને અન્ય ગ્રાન્ટોના ઉપયોગ સાથે ખાંભામાં બે ચેકડેમ બોરાળા અને કુંદીયા ગામે ચેકડેમ બનાવ્યા. એ જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માં રાયડી, માલકનેશ- રાણીંગપરા ગામે બે ચેકડેમ બનાવ્યા વર્ષ ૨૦૨૩ -૨૪ માં ફરી રાણીંગપુરા ગામે બે ચેકડેમ, દાઢીયાળી અને ખાંભા ગામે ચેકડેમ બનાવ્યા અને ખડાધાર ગામે ચેકડેમ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયામાં છે. ભલે ગ્રાન્ટની મર્યાદા ઓછી હોય, ભલે નાના ડેમો બને પણ પાણી જમીનમાં રિચાર્જ થશે તો પીવાના પાણીની સમસ્યા હલ થશે. ઉપરાંત ખેતી જીવંત બનશે. આવા ઉમદા હેતુ સાથે એક સામાન્ય ખેત મજૂરની પુત્રવધુ જનસેવક બને અને પ્રજા કલ્યાણનું વિચારી શકે છે ત્યારે ખરા અર્થમાં જનસેવક તરીકે શ્રીમતી નીતાબેન અરવિંદભાઈ ચાવડાને અભિનંદન આપવા ઘટે. તેમનો મોબાઈલ નંબર ૯૪૨૭૪૨૭૬૪૨ છે.