સ્ત્રીઓ પરિવારના વ્યવસ્થાતંત્રનો એક બહુ જ મહત્વનો ભાગ છે. ભારતીય સમાજ આજે પણ પુરુષપ્રધાન સમાજ ગણાય છે અને એવું દેખાય છે પરંતુ પરિવારના અર્થતંત્રના ઘણા સૂત્રો તો કુટુંબની મહિલાઓના નિર્ણયો અને વર્તનથી પ્રભાવિત હોય છે. સ્ત્રીઓના હાથમાં જે નાણાં સોંપવામાં આવે છે અથવા તો પરિવારને ટેકો કરવા તેઓ નોકરી કરીને સ્વયં જે કમાણી કરે છે તે સ્વહસ્તકના નાણાંના ઉપયોગમાં બહુ સંયમ અને સાવધાની દાખવે છે. ટેલિવિઝન ચેનલોમાં મહિલાઓને શોપિંગ મેનિયા હોય અને બહુ વધારે પડતા ઠાઠમાઠની ટેવ હોય એવું બતાવવામાં આવે છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે પરિવારમાં કરકસરના સંસ્કારોની આધારશીલા જ સ્ત્રી છે. સ્ત્રીઓ પોતાના મોજશોખ માટે મહદ્‌ અંશે અવ્યક્ત રહે છે. લગ્ન પછી તો દરેક યુવતી પોતાના શોખને કે ભાવતા ભોજનને સાસરિયાઓની પસંદગીઓમાં કન્વર્ટ કરી લે છે. તે પિતાના પરિવારથી જ્યારે પોતાના પરિવારમાં આવે છે ત્યારે તે ન દેખાય એવી પોતાની અનેક પસંદગીઓને પિતાના ઘરે જ જાણે કે મૂકીને આવે છે. એક નવા જ અવતારને તે ધારણ કરે છે. દરેક સ્ત્રીનું લગ્નોત્તર જીવન એક નવા જ પંથનો પ્રવાસ હોય છે. નવી વહુને શું ગમે ને શું નહિ એ જલ્દી તો કોઈને ખબર પડતી નથી. એ જ એનો પોતાના પરિવારમાં સહુ સાથે અનુકૂલન સાધવાનો રાજમાર્ગ છે. આજે દેશમાં છુપી મંદીનો માહોલ છેલ્લા એક દાયકાથી છે. બે-ત્રણ પ્રકારની બેરોજગારીએ પરિવારોને અકળામણમાં ધકેલ્યા છે. પરિવારના જે સંતાનો યુવાન થયા છે તેઓ અગાઉના જમાનાની જેમ ઝડપથી કામધંધે લાગતા નથી એ એક પ્રકારની બેરોજગારી છે. બીજો પ્રકાર એ છે કે વેપારમાં નફો ઘટ્યો છે અને ખેતીમાં ખર્ચ વધ્યો છે – ઉપજ ઓછી થતી જાય છે. મોસમની અનિશ્ચિતતા વધતી જાય છે. અનેક પરિવારોની જૂની બચતો ઘસાઈ ગઈ છે. જેટલી આવક છે એનાથી અધિક જાવક હોય એવા પરિવારો તો દેશમાં સિત્તેર ટકાથી વધુ છે. આવા સંજોગોમાં સ્ત્રીઓ જ ઘરનું ગાડું ચલાવે છે. એને કોઈએ કહેવું પડતું નતી. એ આપોઆપ સમજી જાય છે. ક્યારેક તો તે આવનારા વસમા દિવસોને ધ્યાનમાં રાખીને ઘર ચલાવવાની પોતાની આખી પ્રણાલિકા જ બદલી નાંખે છે. કોરોના પછીની દુનિયા સાવ બદલાઈ ગઈ છે. એમાં ગૃહિણીની ભૂમિકા બહુ મહ¥વની છે. આપણે ત્યાં ગુજરાતમાં કેટલીક સંસ્થાઓ છાને પગલે સામાજિક સેવાના કામો કરે છે. સેવા નામની એવી એક સંસ્થા છે જેના દેશમાં દસ લાખથી વધુ મહિલા સભ્યો છે. આ સંસ્થાના વડા ઈલાબહેનને દુનિયાના અનેક દેશો બોલાવે છે. એક વાર દક્ષિણ આફ્રિકામાં આર્થિક ઉદ્ધાર માટે તેઓ માર્ગદર્શન આપવા ગયા. ત્યાં તેમણે તમામ આફ્રિકન દેશોના ગૃહસ્થોને એક જ સલાહ આપી કે તમે તમારી ગૃહિણીના હાથમાં વધુમાં વધુ પૈસા મૂકો તો રાતોરાત તમે ઊંચા આવી જશો. આ ઈલાબહેનને આંતરરાષ્ટ્રીય મેગસેસે જેવા અનેક એવોર્ડ મળ્યા છે. એમની વાત આપણે માટે પણ એટલી જ સાચી છે ભલે આપણે આફ્રિકન દેશમાં ન રહેતા હોઈએ. જે ગૃહસ્થો પોતે ઘરમાં આવક અને જાવકની ચોખવટ રાખતા નથી તેમનો હિસાબ ઠેબે ચડી જાય છે. સ્ત્રીઓ કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી હોતી પરંતુ તેમની આત્મસૂઝ, નાની મોટી ટકોર અને દૂરદ્રષ્ટિ આખા પરિવારને તારી દે છે. જમાનો એવો આવ્યો છે કે ગૃહસ્થે એકલાએ પલાખા ગણવાની જરૂર નથી. જો પહેલેથી જ ઘરમાં ચોપડા ખુલ્લા હોય તો સંકટનો સામનો સામુદાયિક રીતે થઈ શકે છે નહિતર ગૃહસ્થ એકલો એકલો જ મુંઝાઈ જાય છે અને વધારે પડતી આર્થિક મુંઝવણ વધુ મોટી આપત્તિ નોંતરે છે. એ લોકો બચી જાય છે જે ગૃહિણીથી ખાનગી કોઈ વ્યવહાર કરતા નથી. તેઓ જે કંઈ હિસાબી કામકાજ હોય એ ઘરમાં મૌખિક તો મૌખિક પણ એક રીતે રજિસ્ટર્ડ રાખે છે. આર્થિક વ્યવહારોમાં તો એવું છે કે જરાક ભૂલચૂક કરો કે વાજા વાગે અને છેવટે ઊભી બજારે એના ઢોલ વાગે. છેલ્લા પાંચ વરસમાં સુરત, બાપુનગર, વાપી અને મુંબઈમાં અનેક લોકોના ફૂલેકા ફરી ગયા છે તેના મૂળમાં ઘરથી છાના થયેલા વ્યવહારો છે. એ પછી પાંચ-પચીસ હજારના હોય કે બે-પાંચ કરોડના હોય, ભૂલ કરો એટલે વાજા વાગ્યા વગરના ન રહે. ભૂલો એના મૂળભૂત સ્વરૂપમાં બહુ નાની હોય છે. પરંતુ આગળ જતાં એ જ નાની નાની ભૂલોના સરવાળા બહુ મોટા બેસે છે અને એવા સરવાળા બેસે એ પછી ગૃહસ્થોને ‘ઉઠાડી’ મૂકે. આવા ઉઠી ગયેલા નમૂનાઓથી અત્યારે તમામ બજારો છલકાય છે. આ પરિસ્થિતિ સુધરશે પણ સમય લાગશે કારણ કે જે લોકોએ બજારમાં ગોથા ખાધા છે તે તમામ કિસ્સાઓમાં તેઓ એકલા દોષિત નથી. ઉપરના હવાલાઓના વળ છેડે આવતા સુધીમાં નાનામોટા અનેક વેપારીઓને સપાટામાં લઈ લે છે. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં જે જે વ્યવહારદક્ષતાની વાત કરી છે એનું જો ખરેખર પાલન કરવામાં આવે તો અનેક આર્થિક દુર્ઘટનાઓ નિવારી શકાય છે. કોરોનાને કારણે હજુ તો અનેક કસોટીઓ બાકી છે. એક સિદ્ધાન્ત છે કે કુદરત સમસ્યા મોકલે એ પહેલા એનો ઉકેલ મોકલી આપે છે પરંતુ ઉકેલ સુધી પહોંચતા મનુષ્યને સમય જાય છે એ સમયમાં જો એ ટકી રહે તો કોઈ પણ વ્યક્તિ હારેલી બાજી ફરી જીતી જાય છે અને એમની વાતો કરનારી દુનિયા જોતી જ રહી જાય છે. પર્સનલ ફાયનાન્સ બહુ રસપ્રદ વિષય છે. બધાને બધી જ ખબર હોય છે છતાં પોતાની હોશિયારીના ખુશનુમા ખયાલમાં ભલભલા લોકો ઊંધે માથે પટકાયા છે. સમાજમાં એક એવો નવો વર્ગ અસ્તિત્વમાં આવેલો છે કે એમની આવક કેટલી છે તે એમના પરિવારજનોનેય ખબર હોતી નથી. રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ ખબર જો પરિવારને ન હોય તો એ ચોક્કસ પતનનો માર્ગ હોય છે. પરિવારમાં પણ જે લોકો પોતાના હિસાબી કામકાજ ખુલ્લા રાખતા નથી એના ચોપડા એવા અંટસે ચડે છે કે એક દિવસ એ ગામના ચોકમાં ખુલ્લા પડે છે.આજે સમાજમાં એવી અનેક ગૃહિણીઓ છે કે એનો પતિ કેટલું કમાય છે અને એ આવકમાંથી કેટલા ખર્ચ અને કેટલી બચત કરે છે એ ખુદ એની
ગૃહિણી જ જાણતી હોતી નથી. સુરતમાં આવા પરિવારોની સંખ્યા હમણાં વધી ગઈ છે. જિંદગી સદાય તો કોઈના હાથની વાત નથી. ચડતા-પડતા રહેવું એ તો જીવનનો ક્રમ છે. કોઈ પણ પ્રકારનું સંકટ આવવું એ તો જિંદગીની જ લાક્ષણિકતા છે. આ જગતમાં જે
જીવસૃષ્ટિ છે તેમાં કોઈ અસ્તિત્વના સંઘર્ષથી મુક્ત નથી. જેઓ ગણતરી કર્યા વિનાના સુખ ભોગવવા જાય છે તેમણે આખરે દુઃખના દિવસો જોવાનો વારો આવે છે. સમાજમાં કેટલાક આદર્શ પરિવારો પણ છે કે જેઓ પછેડી પ્રમાણે જ સોડ તાણે છે. બજારમાં એમની પાઘડી કદી ઉછળતી નથી અને એમણે ટોપી ફેરવવાનો વારો આવતો નથી. ગુજરાતી પાસે જે છે તે રૂપિયો કંઈ નાનોસૂનો નથી. મધ્યકાળથી છેક ઓગણીસમી સદી સુધી ગુજરાતીઓએ વહાણવટુ ખેડેલું છે. દુનિયાના તમામ બંદરો પર ગુજરાતીઓના વાવટા ફરકતા હતા. ડંકો વગાડીને ગુજરાતે જુગજુની કમાણી કરી છે. એ જમાનામાં છોકરો જુવાન થાય એટલે એને વહાણે ચડાવતા. લોકો એકબીજાને પૂછતા કે એલા, તારો છોકરો વહાણે ચડ્‌યો કે નહિ? ઘર ગુજરાતીઓને એટલા વ્હાલા ન હોય જેટલા વેપાર માટેના પારકા પાદર ગમતા હોય. આજેય ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે એના મૂળમાં પાછલી પેઢીઓના દાદા આદમના જમાનાના વહાણવટાના સંસ્કાર છે. છતાં છેલ્લા કેટલાક સમયથી આ મહાજાતિ સહેજ પાછી પડી રહી છે. એનું કારણ શું છે તે સહુ સરળ આત્મદર્શનથી પોતપોતાની રીતે જાણે જ છે. કોઈને કંઈ કહેવાની જરૂર જ ક્યાં છે? પણ સમજણની ‘માલિપા’ કંઈ આવે જ નહિ તો એમાં કોઈ શું કરે ?.