ખુલ્લા કૂવામાં પડવાની ઘટના જાણે સામાન્ય બનવા પામી છે, એક અઠવાડિયામાં બીજા બનાવ નોંધાયો
અમરેલી,તા.૬
અમરેલી જિલ્લામાં સિંહો કૂવામાં પડતા હોવાની ઘટના જાણે હવે સામાન્ય બની ગઈ હોય તેમ એક અઠવાડિયામાં બીજી ઘટના બનવા પામી છે. થોડા દિવસો પહેલા ખાંભામાં ગાયનો શિકાર કરવા પાછળ દોડેલી સિંહણ અને ગાય બંને કૂવામાં ખાબક્યા હતા. જેમાં ગાયનું મોત નિપજયું હતુ. તો આજે ધારી લાઇનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં ૨ સિંહણ ખાબકી હતી. અહીં નીલગાયને જોતા બંને સિંહણે શિકાર કરવા માટે દોટ મૂકી હતી. નીલગાયનો શિકાર ન થયો અને બંને સિંહણ ખુલ્લા કૂવામાં ખાબકી હતી. વાડી માલિકે વનવિભાગને જાણ કરતા ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશ હાથ ધર્યું હતું. બંને સિંંહણને બહાર કાઢતા ૧ સિંહણનું મોત થયું અન્ય એક સિંહણને વધુ સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સિંહણની એનિમલ ડોક્ટર ટીમ દ્વારા સારવાર હાથ ધરી હતી. જોકે અહીં આસપાસના લોકો પણ સિંહણને બચાવવા માટે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. વનવિભાગની મદદમાં સ્થાનિક લોકો ઉમટી પડ્‌યા હતા.૪ દિવસ પહેલા વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા કૂવામાં સિંહ ખાબકતા ચાલુ વરસાદે વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરી બચાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. જોકે આજની ઘટનામાં ૧ સિંહણનો બચાવ અન્ય ૧ સિંહણનું મોત થતા સિંહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. અત્રે નોંધનીય છે કે, સિંહો છાશવારે શિકાર કરવા ગામડાઓમાં ધસી આવે છે. તો વાડી વિસ્તારમાં પણ શિકારની શોધમાં સિંહો પશુઓની પાછળ દોટ મુકતા હોવાથી અકસ્માતે કૂવામાં ખાબકે છે. કૂવામાં ખાબકેલ એક સિંહણને બચાવી લેવામાં આવી છે જયારે અન્ય સિંહનું મોત થતા વનવિભાગે પણ આ અંગે દુઃખ વ્યકત કર્યુ હતુ.

બંને સિંહણ બેથી ત્રણ વર્ષની હોવાનુ ખુલ્યુ
ધારીના લાઈનપરા ગામે બે સિંહણોએ નીલગાયના શિકાર માટે પાછળ દોટ લગાવતા બંને સિંહણ ખુલ્લા કુવામાં ખાબકી હતી જેમાં એક સિંહણનુ રેસક્યૂ કરવામાં આવ્યું હતુ જયારે બીજી સિંહણનું ડૂબી જવાથી મોત નિપજયુ હતુ. આ બંને સિંહણ બેથી ત્રણ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ છે. સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ખુલ્લા કૂવાને ઢાંકવા ડીએફઓનો અનુરોધ
અમરેલી જિલ્લામાં છાશવારે વન્ય પ્રાણીઓ ખુલ્લા કુવામાં ખાબકતા હોવાની ઘટનાથી દુઃખ વ્યકત કર્યુ છે. જેથી ડીએફઓ રાજદીપસિંહ ઝાલાએ વાડીમાલિકોને અનુરોધ કર્યો છે કે, ખુલ્લા કૂવા વન્યપ્રાણીઓની સાથે માનવી માટે પણ મોત સમાન છે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે ખેડૂતો સરકારની યોજનાનો લાભ લઈ કે સ્વખર્ચે વન્યપ્રાણીઓ અને માનવીઓની રક્ષા માટે કૂવાની પારાપીટ કરી ઉપરથી ઢાંકવામાં આવે તે જરૂરી છે. જેથી વન્યપ્રાણીઓના અકસ્માતે થતા મોતને બચાવી શકાય.