લાઠી શહેરના મુખ્ય બજારની રોડની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. છેલ્લા એક વર્ષથી આ રોડ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જે હવે ગંભીર સમસ્યા બની ગયા છે. ચોમાસાની મોસમમાં આ સમસ્યા વધુ વકરી છે. વરસાદી પાણી ભરાવાથી ખાડાઓમાંથી કાંકરી અને ગંદું પાણી ઉડીને આસપાસની દુકાનોમાં પ્રવેશે છે, જેનાથી વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. આ ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર નાના-મોટા અકસ્માતો થાય છે અને વાહનોને નુકસાન થાય છે. વેપારીઓએ અગાઉ પણ આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી હતી, પરંતુ માત્ર આશ્વાસન જ મળ્યું હતું. કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા ન હતા. આથી, વેપારીઓએ ફરી એકવાર લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ સમસ્યા અંગે રજૂઆત કરી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ આશા રાખે છે કે આ વખતે સત્તાધીશો તાત્કાલિક પગલાં લેશે અને રોડની મરામત કરાવશે, જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવે.