પેટની ભૂખની આગ ઠારવા માટે અનાજ જોઈએ અને એ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ,ફૂલો અને દૂધ ઉત્પાદન કરનારા ખેડૂતો અને ખેત મજૂરો એક મહિનાની હડતાલ ઉપર જાય તો શું થાય એ જરા વિચાર ધનવાન અને ખુરશીના જોડે તાનાશાહી ચલાવતા બાબુઓ કરજો. ભૂખ લાગે તો ક્યારેય પૈસા નહીં ખવાય માટે ખેતી, ખેડૂત, ગામડાઓ, ખેત મજુરની ચિંતા કરજો તો જ હિન્દુસ્તાન રૂડું લાગશે. હિન્દુસ્તાનનું યુવાધન અને મહેનત કરીને ધંધો વ્યવસાય કરી કમાતા લોકો દેશ છોડી રહ્યા છે. વિદેશની ધરતી ઉપર સુપર મોલમાં ઊભા રહીને જોબ કરવી છે, પરંતુ અહીંની સિસ્ટમથી તંગ આવીને લોકો ભારત છોડી રહ્યા છે જે ખરેખર ચિંતા અને ચિંતનનો વિષય છે. દેશ ચલાવનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય તેના સંતાનો જ વિદેશમાં અભ્યાસ કરે વિદેશમાં વ્યવસાય કરે તો દેશમાં કોણ વ્યવસાય કરશે? દેશહિત અને દેશ પ્રેમની વાતો માત્ર ભાષણ સાબિત થશે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દીવાના ગામના ઠાકોરભાઈ પટેલ મધ્યમ વર્ગીય ખેડૂત. ખેતીમાં માંડ ગુજરાન ચાલે, પોતાના દીકરાને બીએસસી સુધીનો અભ્યાસ કરાવ્યો. ઠાકોરભાઈ પટેલનો દીકરો વિપુલ ગ્રેજ્યુએટ પૂરું કરીને ખાનગી કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે સારા પગારથી જોડાઈ ગયો એટલે પરિવારને થયું હવે શાંતિ. આ રાત દિવસની મહેનત છતા ભૂંડ, રોઝ ઉભા પાકને નુકસાન કરે. સારો પાક તૈયાર હોય અને વાવાઝોડું આવે કે પૂરતા ભાવો ના મળે એટલે સપનાઓ રોળાય એવી સ્થિતિમાંથી દિકરો વિપુલ નોકરીએ લાગતા પરિવારમાં ખુશીનો પાર ન રહ્યો. વિપુલ પણ ખેડૂતનું સંતાન એટલે ખેતી સાથે પૂરતો લગાવ નોકરી દરમિયાન ખેતીને ડેવલપ કરવાનું ચાલુ કર્યું. પોતાના પિતા પાસે રહેલી ૧૧ એકર જમીનમાં નોકરી છોડીને ખેતીની શરૂઆત કરી. વિપુલ પોતે બીએસ.સી એગ્રી એટલે ખેતીમાં ખોટા ખર્ચાઓ ઘટે અને કૃષિ એ વૈજ્ઞાનિક ધોરણે થાય તે માટે પ્રયત્ન કરે. ૨૦૧૨માં સ્વદેશી ક્રાંતિના પ્રણેતા રાજીવ દીક્ષિતથી પ્રેરાઈને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ખેતીના વિવિધ પાકોમાં બેફામ ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે ખેતીમાં ખર્ચ વધે છે, જમીન બગડે છે ઉપરાંત માનવજાત કેન્સર અને અન્ય બીમારીઓના ભરડાઓમાં ફસાય છે. ત્યારે જીવામૃત અને ધનામૃત ઉપરાંત પ્રાકૃતિક અર્કોથી તૈયાર કરેલ જંતુનાશકોનો ઉપયોગ કરી ૦% ખાતર અને દવા ખર્ચ સાથે ખેતીની શરૂઆત કરી. વિપુલભાઈ પટેલ ચોમાસા દરમિયાન કેળા અને શેરડીનું વાવેતર કરે છે. કેળાનું વાવેતર જૂન, જુલાઈ મહિનામાં કરે જેમાં દેશી વેરાયટી મહાલક્ષ્મી અને હાઈબ્રીડ વેરાયટી ખ્ત૯ વાવેતર કરે છે. મહાલક્ષ્મી કેળાનો એક રોપ રૂ.૫ અને હાઇબ્રીડ ખ્ત૯ ૧૭ થી ૧૮ રૂ. માં એક રોપો આવે છે. એક વીઘામાં ૭૨૦ જેટલા કેળાના રોપનું વાવેતર કરાય છે. કેળાનું પાક વાર્ષિક પાકે છે. જેમાં એક વીઘામાં ૮૦૦ થી હજાર મણનું ઉત્પાદન આવે છે. કાચા કેળા પકવવા માટે વિવિધ કેમિકલ્સો અને ગેસનો ઉપયોગ થાય છે ત્યારે વિપુલભાઈ તેના પ્રાકૃતિક કેળા પકવવા માટે એક રૂમમાં કાચા કેળાની ગોઠવણી કરીને ગાયના છાણનો ધુમાડો કરે અને રૂમ બંધ કરી દે છે. જે ત્રણ ચાર દિવસ બાદ ખોલતા કેળા પાકી જાય છે. જે પોતાના સ્ટોલ ઉપરથી જ વેચાણ કરે છે. ઉપરાંત હોલસેલ ભાવે કિલોના ૧૫ થી ૧૭ રૂપિયામાં વેચાણ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી મગફળી પણ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. જેમાંથી મગફળીનું તેલ કાઢીને રૂ.૪,૦૦૦ ના ડબ્બાનું વેચાણ કરે છે શેરડીનું વાવેતર સપ્ટેમ્બર ઓક્ટો અને નવેમ્બરમાં થાય છે. શેરડીના વાવેતરમાં દેશી છાણીયું ખાતર અને જીવામૃત આપે છે. એક વીઘામાં ૨૫ થી ૩૦ ટન શેરડીનું ઉત્પાદન મળે છે. આ શેરડીમાંથી વિપુલભાઈ ગોળ બનાવે છે. એક ટન શેરડીમાંથી ૧૧૫ થી ૧૨૫ ગોળ બને છે રૂ.૯૦ લેખે ગોળનું વેચાણ કરે છે. લોકો આજે મોજ શોખ કરવા ફરવા પાછળ ખૂબ ખર્ચાઓ કરે છે. પણ પોતાનું આરોગ્ય જળવાય અને સારું સ્વાસ્થ્ય રહે તે માટે સારું અને પ્રાકૃતિક ખાવા માટે તૈયાર નથી જે ગંભીર બાબત છે. વિપુલભાઈ પટેલ જેવા પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ભણેલા ગણેલા વ્યક્તિઓને ખેતી સાથે જોડી રાખવા હશે અને એગ્રી ઇકોનોમિક્સ ગ્રોથ વધારવો હશે, સાથે ખેતી ખર્ચ ઘટાડવો હશે તો આવા પ્રગતિશીલ ખેડૂતોના વિચારો સૂચનો ધ્યાનમાં લેવા પડશે, બાકી આજે ખેતીમાં જેટલી મુશ્કેલીઓ છે, તેટલી અન્ય કોઈ ધંધા કે વ્યવસાયમાં નથી. પ્રગતિશીલ ખેડૂત વિપુલભાઈ પટેલનો સંપર્ક નંબર ૯૮૯૮૨૧૩૨૭૯ છે.