માનવ જીવનનો હેતુ શું? આ પ્રશ્નનો જવાબ પણ દરેક પોતપોતાની સમજણ મુજબ આપી શકે. એનો સીધો અર્થ એમ પણ થાય કે માનવના જીવનમાં સફળતા, સુખ કે શાંતિ માટે સમજણનું ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય કે પછી ગમે તેવો સમય હોય સમજણ વિના મનુષ્ય સુખી થઈ શકતો નથી.એક જ પ્રકારની પરિસ્થિતિમાં બે વ્યક્તિને મૂકવામાં આવે અને પછી બેયના અભિપ્રાય લેવામાં આવે તો બંનેના સુખનો સિનારીયો જુદો જુદો જોવા મળશે. બંનેના સંતોષની માત્રા ઝાઝી થોડી જોવા મળશે. તેનું કારણ બન્ને વ્યક્તિની સમજણની માત્રામાં ફરક હોય છે. દાખલા તરીકે આપણા ઘરે કોઈ પ્રસંગમાં ઉનાળાના બપોરના સમયે એક ગરીબ અને એક અમીર વ્યક્તિને નળિયાવાળા પાકા મકાનમાં આરામ કરવા માટે મોકલીએ તો ગરીબ વ્યક્તિ ઊંઘી જશે અને અમીર ગરમીમાં અકળાશે. અહીં બન્ને માટે પરિસ્થિતિ સરખી છે પણ બન્નેની સ્વીકારવાની સમજણ જુદી જુદી છે માટે આવું બને છે. જીવનમાં રોજબરોજના વ્યવહારમાં પણ ડગલે ને પગલે થતી ક્રિયા કે પ્રતિક્રિયામાં આપણી સમજણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વાત-વાતમાં ખોટું લાગી જવું, અકારણ અપેક્ષાઓ, અહમને પકડી રાખવો, આપણી વાત જ સાચી, મને જ બધી ખબર પડે, સૌથી પહેલા મને જાણ કરવાની વગેરે અનેક પ્રકારની બાબતો વ્યક્તિને સમજણના અભાવે અથવા તો ગેરસમજણના કારણે વ્યક્તિને દુઃખી કરે છે ત્યારે જીવનનો ખરો હેતુ માર્યો જાય છે. એની જગ્યાએ જો સાચી સમજણ હોય તો આવી ક્ષુલ્લક બાબતોથી વ્યક્તિ દુઃખી થતી નથી. ઘણીવાર તો કોઈ વસ્તુના અભાવ કરતા સાથેના વ્યક્તિનો પ્રભાવ માણસને દુઃખી કરે છે. તેમાં સરખામણીની કે ખોટી સ્પર્ધાની ગેરસમજણ કારણભૂત હોય છે. બધું આપણી પસંદગી મુજબનું બનતું નથી અને આપણને ગમતું ન હોય છતાં પણ જે મળ્યું છે તે સ્વીકારવા સિવાય છૂટકો નથી એમ સમજીને સ્વીકારવાની માનસિક તૈયારીમાં જ સાચી મજા છે અને જે નથી મળ્યું એની ઝંખનામાં સતત વ્યથિત રહેવા કરતા જેટલું અને જેવું મળ્યું છે તે સંતોષ સાથે સ્વીકારીને માણવું એ જ સાચી સમજણ છે અને જો આવી સમજણ કેળવીએ તો દુઃખ ઘટાડી શકાય છે. મનુષ્ય જીવનનું આખરી લક્ષ્ય એટલે મોક્ષ. જેને મેળવવા માટે અમુક પ્રકારના મોહનો ત્યાગ કરવો પડે એવી સમજણ સાથેના કર્મ કરવાથી અંતિમ લક્ષ્ય તરફ આગળ વધી શકાય છે. જીવનની ઘણી બધી બાબતો આપણા હાથની વાત નથી હોતી એનો સ્વીકાર કરવો અને જે આપણા વશમાં હોય તેને સુધારવા પ્રયત્ન કરવો એજ સાચી સમજણ છે. પ્રગતિ માટે આગળ જોવું જરૂરી છે તેમ સંતોષ માટે પાછળ જોવું પણ એટલુ જ જરૂરી છે. નહિતર પસ્તાવાનો વારો આવે છે. હા માણસ માત્ર ભૂલને પાત્ર એ દૃષ્ટિએ નાની મોટી ભૂલ થઈ ગયા પછી જ્યારે સમજાય ત્યારે સહજ ભાવે સ્વીકાર કરીને પ્રાયશ્ચિત કરવું જોઈએ અને ભૂલને વાગોળ્યા કરવાને બદલે ફરી એ બાબતની કાળજી રાખીને જીવનમાં નવી શરૂઆત કરવી જોઈએ તો જ દુઃખને ઘટાડીને સુખને સરનામે પહોંચી શકીએ. જાતને બાળીને જાતરા કરવા કરતા કર્મને પરિક્રમા સ્વરૂપ સમજી લઈને રોજબરોજની ફરજને નિષ્ઠાથી નિભાવી લેવી જોઈએ. ખાસ તો મજબૂર, અશક્ત અને અણધારી આફતમાં ફસાયેલ વ્યક્તિને ટોણાં મારવા કરતા એની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો એ સૌથી મોટી મદદ ગણાય છે. કોઈના માટે સામાન્ય લાગતી બાબત બીજા માટે ખૂબ મૂલ્યવાન હોય છે. માટે સમય અને સંજોગ જોઈને ન્યાય કે નિર્ણય કરવો જોઈએ. કારણ કે સામાન્ય પરિસ્થિતિમાં જે સહેલું હોય તે જ વસ્તુ કે કાર્ય વિષમ પરિસ્થિતિમાં અતિ મુશ્કેલ કે અઘરું હોય છે એ સમજાય તો વ્યક્તિના વાંકને માફ કરવાનું માફક આવે છે. આમ, ખુદને અને બધાને સમજી શકીએ એવી ક્ષમતા કેળવીએ તો મોટે ભાગે દરેક પરિસ્થિતિમાં સુખી રહી શકીએ.