‘મારે પણ ઊંચા આકાશમાં ઊડવું છે. ઊંચેરા આકાશને આંબવું છે. ઊંચા આકાશમાં ટમટમતા તારલા સાથે રમવું છે અને વાદળની હોડીમાં આખાય આકાશમાં ફરવું છે.’- કાચબાએ મનોમન વિચાર્યું. ઊંચા ગગનમાં વિહરતાં પંખીઓને જોઈ કાચબાને પણ આકાશમાં જવાની ને રમવાની ઈચ્છા થઈ આવી. પણ કાચબો વિચારતો હતો કે મારે તો પાંખો પણ નહીં ને મારું શરીર પણ ભારે. હું શી રીતે આકાશમાં જઈ શકીશ! પણ એને તો આકાશમાં જવું જ હતું.
એણે ઘણું વિચાર્યું ઘણું વિચાર્યું. પણ કોઈ રસ્તો જડ્યો નહિ. એટલે એણે એના મિત્ર સસ્સાભાઈની સલાહ લેવાનું વિચાર્યું. ધીમેધીમે એ સસ્સાભાઈ પાસે પહોંચ્યો. બહુ દિવસે કાચબાને પોતાની પાસે આવતો જોઈ સસ્સાભાઈને નવાઈ લાગી.
‘આવો આવો કાચબાભાઈ! કેમ ઘણે દિવસે આ તરફ! બેસો.’ – સસ્સાભાઈ કાચબાભાઈને આવકારતાં બોલ્યા. ઘણે દિવસે બંને મળ્યા એટલે અલકમલકની વાતોએ વળ્યા. થોડો સમય વાતો કર્યા પછી કાચબાએ પોતાની ઈચ્છા સસ્સાભાઈને જણાવતાં કહ્યું, ‘સસ્સાભાઈ સસ્સાભાઈ! મારે પણ ઊંચા આકાશમાં ઊડવું છે. ઊંચેરા આકાશને આંબવું છે. ઊંચા આકાશમાં ટમટમતા તારલા સાથે રમવું છે. અને વાદળની હોડીમાં આખાય આકાશમાં ફરવું છે. પણ હું આકાશમાં જાઉં તો શી રીતે જાઉં! હવે તમે જ કોઈ ઉપાય બતાવો.’
સસ્સાભાઈ પણ વિચારમાં પડી ગયા. તે પણ પોતાના મિત્રની મદદ કરવા ઈચ્છતા હતા. તેમણે તરત મોબાઈલમાં સર્ચ કર્યું. થોડા સમયમાં જ તેમની આંખોમાં ચમક દેખાઈ. એકદમ હરખાતાં હરખાતાં બોલ્યા, “અરે કાચબાભાઈ! હવે તમે આકાશમાં પહોંચ્યા સમજો. આ જુઓ.’ મોબાઈલની સ્ક્રીનમાં એક વીડિયો બતાવતાં કાચબાભાઈને કહ્યું. વીડિયો જોઈ કાચબાભાઈના આનંદનો પાર ન રહ્યો.
પછી તો કાચબાભાઈએ પૅરાશૂટમાં બેસી આકાશની સફરે જવાનું નક્કી કરી લીધું. તેમના માટે આ રોમાંચક અનુભવ હતો. મિત્ર સસ્સાભાઈએ બધી વ્યવસ્થા કરી દીધી. કાચબાભાઈએ પણ પૅરાશૂટમાં જવાની બધી તૈયારી કરી લીધી હતી. તેઓ પૅરાશૂટમાં ગોઠવાઈ ગયા. થોડા સમયમાં જ પૅરાશૂટ ઊંચે આકાશ તરફ ઊડયું ને શરૂ થઈ કાચબાભાઈની રોમાંચક સફર. કાચબાભાઈ તો ધીમેધીમે આકાશ તરફ જવા લાગ્યા. વાદળો વચ્ચેથી પૅરાશૂટ પસાર થયું. કાચબાભાઈ તો કૂદીને વાદળ પર બેસી ગયા. વાદળ પર બેસી આકાશમાં ફરી આવ્યા ને વળી પાછા પૅરાશૂટમાં ગોઠવાઈ ગયા.
વળી પૅરાશૂટ ધીમેધીમે તારા ભણી આગળ વધ્યુ. તારાઓની વચ્ચે પહોંચતાં જ કાચબાભાઈને તારાઓ વચ્ચે કૂદી પડ્યા. તારાની વચ્ચે રહેવાની ને રમવાની તેમને મજા પડી. તેઓ ખૂબ રમ્યા ખૂબ રમ્યા. વાદળ ને તારાઓ સાથે રમી કાચબાભાઈ રાજીરાજી થઈ ગયાં.
તેમની આકાશમાં ફરવાની ને વાદળ-તારા સાથે રમવાની ઈચ્છા પૂરી થઈ. તેઓ રાજીના રેડ થઈ ગયા. પેરાશૂટમાં સવાર થઈ વળી પાછા આવી ગયા. પાછા આવી તેમણે સસ્સાભાઈને વાદળ, આકાશ ને તારાની ખૂબ વાતો કરીને સસ્સાભાઈનો આભાર પણ માણ્યો.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭