ઉત્સાહ અને ઉતાવળ એ બન્ને શબ્દોનો અર્થ કે ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ અન્યથા ‘ધરમ કરતાં ધાડ પડે’ જેવી સ્થિતિ સર્જાય છે. ઉત્સાહ એ વ્યક્તિત્વ વિકાસનું પ્રથમ પગથિયું ગણાય છે. કોઈ પણ કાર્ય કે ક્રિયા કરવા માટે વ્યક્તિમાં ઉત્સાહ હોવો જરૂરી છે. ઉત્સાહ નવીન કાર્ય કરવા માટેની પ્રાથમિક શરત છે અને એક જ પ્રકારનું કાર્ય બે અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવે તો પરિણામમાં ફરક જોવા મળશે. કાર્ય માટે લીધેલો સમય એટલે કે ઝડપ અને કામની ગુણવત્તાની બાબતમાં ઘણો તફાવત જોવા મળે છે. એનું કારણ બન્ને વ્યક્તિના તે કામ પ્રત્યેનો રસ કે ઉત્સાહ છે. ઉત્સાહથી કરેલા કાર્યનું અપેક્ષિત પરિણામ મળે છે જ્યારે ઉત્સાહ વિના કરેલું કાર્ય વેઠ ગણાય છે. કરવા ખાતર પરાણે કરેલા કામમાં કંઈ ઠેકાણું હોતું નથી. મંદિરના પથ્થર પર શિલ્પકામ કરી રહેલા કારીગરને ફરીથી બીજી મૂર્તિ બનાવતા જોઈને જોવા આવનાર વ્યક્તિ પૂછે છે ત્યારે ખ્યાલ આવે છે કે મૂર્તિની એક આંખમાં બહુ નીરખીને જોવામાં આવે તો જ દેખાય એવી સામાન્ય ભૂલ રહી ગઈ હતી. છતાં એ ઘડનાર કારીગરને ધ્યાને એ ભૂલ આવે છે એટલે પોતે જ પોતાની મેળે ઘણા દિવસની મહેનત પછી બનાવેલ મૂર્તિ ફરીથી બનાવે છે અને પછી આબેહૂબ આ મૂર્તિ બનાવે છે. આને કહેવાય ઉત્સાહ. જે કંઈ કરો તે સો ટકા ઉત્સાહથી કરો તો કાર્ય દીપી ઉઠે છે. કોઈ એક સંસ્થા હોય કે કારખાનું હોય કે કચેરી હોય તેમાં કામ કરતા ઘણા લોકો પૈકી દરેકની કામ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. દરેકની કામ પ્રત્યેની લગની કે ઉત્સાહ જુદા જુદા હોય છે એટલે તો લોકોના મગજમાં દરેકની અલગ છાપ કે ઈમેજ હોય છે. એક જ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ પૈકી અમુક લોકપ્રિય હોય અને અમુક લોકોમાં અપ્રિય હોય છે તેનું કારણ પણ એનો ઉત્સાહ હોય છે. બીજો શબ્દ છે ઉતાવળ. ઘણીવાર ખૂબ ઉત્સાહી વ્યક્તિ ખોટી ઉતાવળ કરી બેસે છે અને પછી અવળું પડે છે કે ઊંધું વળે છે. અતિ ઉત્સાહમાં ના કરવાની વાત કોઈને કહી દેવી, યોગ્ય સમયની રાહ જોયા વિના ઉતાવળે બોલી નાખીને આફતને આમંત્રણ આપતા હોય છે. ક્યારેક ઉતાવળે જીભ લપસી જવાથી ભલભલા વ્યક્તિના જીવનમાં અણધારી આફત આવે છે જે આપણા સૌની આસપાસ બનતું જોવા મળે જ છે. ક્યારેક ઉતાવળમાં ના કરવાનું કામ કરવાથી પણ અર્થનો અનર્થ થઈ જાય છે. સૌથી હાનિકારક વગર વિચાર્યે ઉતાવળમાં લીધેલા નિર્ણયો છે. કોઈની વાતમાં આવી જઈને અંગત વ્યÂક્ત સાથે લડવું, કોઈના ભરોસે ઉતાવળમાં લીધેલા નિર્ણયો આગળ જતાં ખૂબ મોટા હાનિકારક પરિણામોમાં પરિણમતાં હોય છે. ઉતાવળમાં કોઈને આપેલી સલાહ કે એવી જ રીતે ઉતાવળમાં કોઈની લીધેલી સલાહ પણ ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. અહી “ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર” કહેવત પણ યાદ આવે છે. અહી ઉતાવળ અને ખોટી ઉતાવળ બન્ને વચ્ચેનો ભેદ સમજવાની વાત છે. કામમાં પદ્ધતિસરની ઝડપ કે ઉત્સાહ કે ઉતાવળ સારી બાબત છે પણ ખોટી ઉતાવળ નહિ કરવાની વાત સમજાવવા પ્રયત્ન કરેલ છે. જીવનમાં આપણું કાર્ય કે ફરજ ઉત્સાહ સાથે કરવું પણ અતિ ઉત્સાહમાં ખોટી ઉતાવળ ન થઈ જાય એટલો વિવેક રાખવો પણ ખૂબ જરૂરી છે.