બગસરા એસ.ટી. ડેપોના અધિકારીઓની કથિત મનમાનીને કારણે અનેક મહત્વના બસ રૂટ બંધ કરી દેવાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને વહેલી સવારે ઉપડતી બગસરા-રાજકોટ અને બગસરા-જૂનાગઢ જેવી લોકપ્રિય બસ સેવાઓ અચાનક બંધ કરી દેવામાં આવી છે. ડેપો અધિકારીઓ સ્ટાફની અછતનું કારણ આગળ ધરી રહ્યા છે, પરંતુ મુસાફરોનું કહેવું છે કે આ બસ સેવાઓ લાંબા સમયથી નફાકારક રીતે ચાલી રહી હતી. પૂછપરછ કાઉન્ટર પર મુસાફરોને માત્ર એટલું જ કહેવામાં આવે છે કે “સ્ટાફ નથી, બસો બંધ છે. જો જવું હોય તો બીજી કોઈ બસ કે ખાનગી વાહનમાં જાઓ.” આ પરિસ્થિતિથી ખાસ કરીને તબીબી સારવાર કે અન્ય અગત્યના કામ માટે રાજકોટ કે જૂનાગઢ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો સમયસર પહોંચી શકતા નથી અને પરત ફરવામાં પણ મોડું થઈ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે એક તરફ ડેપોની અન્ય કામગીરી માટે સ્ટાફ ઉપલબ્ધ છે, તો પછી આ મહત્વના રૂટ શા માટે બંધ કરવામાં આવ્યા છે? મુસાફરો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક આ બંધ કરાયેલા રૂટ ફરી શરૂ કરવાની માંગ કરી છે.