ભારત સરકારના જલ જીવન મિશન અંતર્ગત, ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરે નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવાના લક્ષ્યને સાકાર કરવા, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) અમરેલી દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામમાં આવેલ પાણી પુરવઠા હેડ વર્ક્સ ખાતે ૩૩ વાલ્વ ઓપરેટરો માટે વિશેષ કૌશલ્ય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વાસ્મોની કામગીરી, પાણીનું મહત્વ, અને ગામ સ્તરે ઉદભવતા પાણી સંબંધિત પ્રશ્નોના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. વાસ્મોના વોટર ક્વોલિટી મેનેજર એચ.એમ. બદલાણીયાએ વિશેષ પ્રદર્શન દ્વારા વોટર ક્વોલિટી ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને પાણીની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા સમજાવી. તેમણે ગામ સ્તરે પાણીની ગુણવત્તા કેવી રીતે જાળવી શકાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.વાસ્મોના યુનિટ મેનેજર આર.આર. વામની, ડેપ્યુટી મેનેજર (સામાજિક) જે.જે. ધરજીયા, અને ઇજનેર શિવાનીબેન ધાનાણીએ પણ તાલીમ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.