આજે માણસ ભૌતિક વિકાસની ભેટના કારણે પ્રગતિના પંથે દોડી રહ્યો છે. એમાંય મોબાઈલ અને ઈન્ટરનેટની ક્રાંતિ પછી તો વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આની શરૂવાત આમ તો જીઓના ફ્રી નેટથી થઈ ગઈ હતી.પણ હવે એના પરિણામોની શરૂઆત થઈ રહી છે એ આપણે રોજબરોજના સમાચાર પરથી જોઈ શકીએ છીએ. આજથી દસ વર્ષ પહેલાં તમે ક્યારેય એવા સમાચાર નહિ સાંભળ્યા હોય કે સેલ્ફી લેતા અકસ્માત થયો. હવે દરરોજ ક્યાંક ને ક્યાંક એવી દુર્ઘટના જોવા મળે છે કે જેમાં મોબાઈલ જવાબદાર હોય. આ મોબાઇલ જેટલો ઉપયોગી છે એટલો જ નુકસાનકારક પણ છે. જન્મ પછી તરત જ થોડીક સમજણ આવે એટલે બાળકના હાથમાં એન્ડ્રોઇડ ફોન આવી જાય છે. પહેલા રમકડાંથી રમવાની શરૂવાત થતી આજે એનું સ્થાન મોબાઈલની સ્ક્રીને લઇ લીધું છે. રડતું બાળક મોબાઈલ હાથમાં આવે એટલે રડવાનું બંધ કરી દે છે. ઘડીભર ગમે આપણને કે કેવું રમવા માંડ્યું પણ ભવિષ્યની એક મહભયંકર લત, વ્યસનનું બીજ આપણે જ આપણા બાળકમાં રોપી રહ્યા છીએ એની આપણને જાણ હોવા છતાં આપણી જાતને આપણે રોકી શકતા નથી. કેવી વિચિત્રતા કે વળગણ કહેવાય! આજે એક રૂમમાં પાસે પાસે બેઠેલ બે વ્યક્તિ એકબીજાના અસ્તિસ્ત્વને ભૂલીને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાના ખૂણે બનતી ઘટનાઓ નિહાળવા પ્રયાસ કરે છે. કેવું પાગલપન સવાર થઈ રહ્યું છે બધા ઉપર! જેને આપણે પ્રગતિ માનીએ છીએ એ હકીકતમાં પતનની શરૂઆત છે. કેમકે હજારો કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ સાથે વાત કરી શકાય એ પ્રગતિ છે પણ એની સામે સાવ પાસે જ બેઠેલી વ્યક્તિની ઈચ્છાઓ, મુંજવણ આપણે જાણી શકતા નથી. આજે મહેમાન કરતા મોબાઈલ મહત્વનો દેખાય છે કારણકે કોઈ આપણી ઘરે આવીને બેસે અને આપણે મોબાઈલમાં મસ્ત અને વ્યસ્ત હોઈએ, આપણી સાથે બેઠેલ વ્યક્તિ વાત કરતી હોય ત્યારે ક્યારેક ક્યારેક સમજ્યા સાંભળ્યા વીના માત્ર દેખાવ પૂરતો હા હોંકારો કરીએ છીએ અને યંત્રવત જ વાતો કરીએ છીએ.આવું માત્ર ઘરે જ થતું નથી, મોબાઇલનું વળગણ વ્યક્તિ જ્યાં જાય ત્યાં સાથે જાય છે. બજારમાં, રસ્તામાં, ઓફિસે, દુકાને, દવાખાને, બસસ્ટેશન, રેલવે સ્ટેશન, શાળા કોલેજ જેવા કામ ધંધાના સ્થળે પણ મોબાઈલમાં માણસ મસ્ત અને વ્યસ્ત જોવા મળે છે. તમે ક્યારેક અખતરો કરજો કે દિવસમાં કેટલી વાર મોબાઈલ જોયા વીના રહી શકીએ છીએ. જાણીને ખૂબ નવાઈ લાગશે કે આપણા જીવનમાં મહત્વની ક્રિયાઓ જેવી કે ન્હાવું ધોવું, ફ્રેશ થવું, જમવું, પૂજા પાઠ અને કસરત વગેરેમાં જેટલો સમય આપણે કાઢી શકતા નથી એનાથી વધુ સમય મોબાઈલમાં આપણે વિતાવતા હોઈશું. એક પ્રકારનું વ્યસન થઈ ગયું છે બધાને! માંડ પાંચ દસ મિનિટ થાય ત્યાં ફોનમાં જોવું પડે. કેટલાક અગત્યના કામ હવે અમુક લોકોને ઓનલાઇન થઈ ગયા હોવાથી જરૂરી હોય એ કરવું પડે કે જોવું પડે પણ એ સિવાય ફાલતુ મેસેજ કે રિલ્સ જોવામાં આપણા જીવનનો કેટલો કિંમતી સમય વેડફાઈ જાય છે એની આપણને ખબર રહેતી નથી. સારા માઠા પ્રસંગોમાં પણ આજુબાજુનો માહોલ જોયા વીના માણસ મોબાઈલમાં જોતો હોય ત્યારે વ્યક્તિ વિવેક ભૂલ્યો હોય એનું પોતાને નહિ પણ બીજાને ભાન થાય છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાત જાતની રિલા મૂકવાનો ટ્રેન્ડ ચાલે છે અને લોકો તે આખો દિવસ જોયા કરે છે. સવારથી જાગીને રાત્રે પથારીમાં સુવે ત્યાં સુધી સતત મોબાઇલનું સાનિધ્ય માણસ માટે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક બધી રીતે લાંબા ગાળે ખૂબ નુકસાન કારક સાબિત થઈ રહ્યું છે ત્યારે હવે મોબાઈલની સોબત ઘટાડવાનો સમય પાકી ગયો છે. વિચારવાનું મોડું ન થઈ જાય એ પહેલા થોડોક સમય પુસ્તકોને અને સ્નેહીજનોના જતન માટે પણ ફાળવીને જાતની સાથે જગતના ભલા માટે વિચારીએ એ જ આશય અસ્તુ!