મહારાષ્ટ્ર રાજ્યમાં ૮ અલગ-અલગ સ્થળ પર ગણપતિ દાદાના પાવન મંદિરો આવેલાં છે. આ ૮ ગણપતિ મંદિર એટલે, અષ્ટવિનાયક મંદિરો સ્વયંભૂ છે. મયૂરેશ્વર મંદિર ( મોરગાંવ), ચિંતામણિ વિનાયક મંદિર ( થેઉર ), મહાગણપતિ મંદિર ( રાજણગાંવ ), સિદ્ધિવિનાયક મંદિર ( સિદ્ધટેક ), વિઘ્નેશ્વર મંદિર ( ઓઝર ), ગિરિજાત્મજ મંદિર ( લેણ્યાદ્રી ), બલ્લાળેશ્વર મંદિર ( પાલી ), વરદ વિનાયક મંદિર
( મહાડ)….ગણપતિ દાદાના મંદિરની યાત્રાને અષ્ટવિનાયક યાત્રા કહે છે.
(૫) બલ્લાળેશ્વર ગણેશ મંદિર ( પાલી ):
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના સુધાગઢ તાલુકાના પાલી ગામમાં બલ્લાળેશ્વર ગણેશ મંદિર આવેલું છે. પ્રાચીન કથા મુજબ પાલી ગામના એક વેપારીનો પુત્ર બલ્લાળ ગણેશ ભકત હોઇ, તેની અથાગ શ્રદ્ધા અને તપથી ગણપતિ દાદા પ્રસન્ન થયા હતા, તેથી ભગવાન ગણેશ બલ્લાળ વિનાયકના નામે અહીં બિરાજમાન છે.
મૂળ લાકડાનું બનેલું આ મંદિર ૧૭૬૦માં નાના ફડનવીસની મદદથી પથ્થરના મંદિરમાં પુનઃનિર્માણ થયું હતું. મૂર્તિને સિંહાસન પર બિરાજિત દશામાં પીપળાના વૃક્ષની જેમ કોતરી છે. ૮ સ્તંભ એ ૮ દિશા દર્શાવે છે. આંતરિક ગર્ભગૃહ ૧૫ ફૂટ ઊંચું અને બહારનું ગર્ભગૃહ ૧૨ ફૂટ ઊંચું છે. બલ્લાળેશ્વર મંદિરની મુખ્ય ખાસિયત એ છે કે, અહીં સૂર્યોદય સમયે સૂર્યના પ્રથમ કિરણો સભામંડપમાં બલ્લાળ વિનાયકની સ્વયંભૂ મૂર્તિ પર પથરાય છે, જો કે તેવી રીતે જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે.
(૬) મહાગણપતિ મંદિર ( રાજણગાંવ ):
મહારાષ્ટ્રના પૂનાથી આશરે ૩૧ કિમીના અંતરે શિરૂર તાલુકાના રાજણગાંવમાં આવેલું ભવ્ય અને આકર્ષક મહાગણપતિ મંદિર ૯મીથી ૧૦મી સદીના મધ્યમાં નિર્માણ પામ્યું હોવાનું મનાય છે. અહીંના મહા ગણપતિ દાદા ( મહોત્કટ )ના નામે પણ ઓળખાય છે. મંદિરની પાસે જ તળાવ આવેલું છે. મહાગણપતિ મંદિર પૂર્વાભિમુખ છે, અને તેની ઉત્તર-દક્ષિણ દિશામાંથી સૂર્યના કિરણો ભગવાન ગણપતિની મૂર્તિ પર પથરાય તે રીતે સ્થાપિત કરાઇ છે. પૂર્વાભિમુખ ડાબી સૂંઢવાળા મહાગણપતિ દાદા પહોળા કપાળ સાથે પલાંઠી વાળેલી મુદ્રામાં બેઠેલા છે.
આ મંદિર પૂના-અહેમદનગર હાઈવે પર આવેલું છે. સડક માર્ગે પૂનાથી કોરેગાંવ વાયા શીકરપુર થઈ રાજણગાંવ જવાય છે.
(૭) સિદ્ધિવિનાયક મંદિર ( સિદ્ધટેક ):
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કર્જત તાલુકાના સિધ્ધટેક ખાતે ભીમા નદીના સામા કિનારે આવેલું સિદ્ધિવિનાયક મંદિર એ પેશ્વાકાલિન મંદિર છે. ભાવિક ભક્તો હોડી દ્વારા નદી પાર કરીને કે પુલ પરથી આ મંદિરે પહોંચી શકે છે. કુદરતી અને હરિયાળા સૌંદર્યથી ભરપૂર એવાં આ સ્થળે ગણપતિ દાદાની ૩ ફૂટ ઊંચી અને ૨.૫ ફૂટ પહોળી જમણી સૂંઢવાળી સ્વયંભૂ મૂર્તિ બિરાજિત છે. દાદાની મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. ગણપતિ દાદા અહીં પલાંઠી વાળીને બિરાજમાન થયેલા છે, તો રિદ્ધિ-સિદ્ધિ તેમની જાંઘ પર બેઠેલાં છે. અહીં સૂર્ય, ચંદ્ર અને ગરૂડની આકૃતિઓની મધ્યમાં નાગરાજ પણ બિરાજમાન છે.
પેશ્વાકાલિન આ મંદિર એક વિશાળ ઓટલા પર સ્થિત છે. ગણપતિ દાદાની મૂર્તિ પહાડના એક ખૂણામાં સ્થાપિત હોવાથી શ્રદ્ધાળુઓ આ પહાડની પ્રદક્ષિણા અવશ્ય કરે છે. મંદિર તરફનો મુખ્ય માર્ગ પેશ્વાના સેનાપતિ હરિપંત ફડકેના સહયોગથી નિર્માણ કરાયો હોવાનું મનાય છે. ૧૫ ફૂટ ઊંચું અને ૧૦ ફૂટ પહોળું આંતરિક ગર્ભગૃહ પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરના માર્ગ તરફ નિર્માણ કરાયેલું છે, જેમાં ૩ ફૂટ ઊંચી અને ૨.૫ ફૂટ પહોળી મૂર્તિની સ્થાપના કરેલી છે.
સિદ્ધિવિનાયક દાદાના મંદિરે જવા માટે અહેમદનગરથી બસની સુવિધા મળે છે. રેલવે માર્ગે અહેમદનગરથી દૌન્ડ અને બોયબેલ સુધી પહોંચી, ત્યાંથી સડકમાર્ગે સિદ્ધટેક પહોંચી શકાય છે.
(૮) વરદ વિનાયક મંદિર ( મહાડ ):
મહારાષ્ટ્રના ખાલાપુર તાલુકામાં મહાડ ગામે આવેલા વરદ વિનાયક મંદિરમાં ગણપતિ દાદા વરદ વિનાયકના નામથી બિરાજમાન છે. વરદ વિનાયક મંદિર પૂર્વાભિમુખ છે તથા ગણપતિ દાદાની સૂંઢ ડાબી તરફ છે. આ સ્થળ મહાડમઢના નામે પણ ઓળખાય છે. મંદિરને દૂરથી જોતાં તેનો દેખાવ કોઈ મકાન જેવો જ લાગે છે. વરદ વિનાયકની મૂર્તિ ગર્ભગૃહની બહાર પ્રસ્થાપિત કરાયેલી છે.
એક પૌરાણિક કથા મુજબ આ સ્થળનું પ્રાચીન નામ તીપ્રક હતું અને અહીં સંતો-મહંતો તથા ઋષિ-મુનિઓ તપમાં લીન રહેતા હતા, ઋષિ ગૃત્સમદના તપથી પ્રસન્ન થઈ ગણપતિ દાદાએ તેમને દર્શન આપ્યા અને ઋષિ ગૃત્સમદે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું.
– કેવી રીતે જશો ?: નજીકનું રેલ્વેસ્ટેશન કોંકણ છે. સડક માર્ગે કરજત, ખોપોલી અને થાણેથી બસ સુવિધા મળી રહે છે. સડક માર્ગે પૂનાથી લોનાવાલા, ખોપોલી થઈ મહાડ પહોંચી શકાશે. પૂનાથી મહાડનું અંતર આશરે ૮૪ કિ.મી. જેટલું છે.