બગસરા શહેરમાં આગામી બુધવારે ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરો તથા લોકગાયક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વિગત અનુસાર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે આગામી તારીખ ૧૧ ને બુધવારે ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પાબેન પટેલ તથા લોકગાયક વિમલભાઈ મહેતા સંગીતમય શૈલીમાં ભારતીય લોકસંસ્કૃતિનું ગાન કરશે. સાથે સાથે મેઘાણી લોકગાયક સન્માન સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર દ્વારા બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામના રત્ન અને ગાયિકા અલ્પાબેન પટેલને મેઘાણી લોકગાયક સન્માન ૨૦૨૪ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા, પ્રાંત અધિકારી કમલેશ નંદા, મામલતદાર આર.જી. ઝાલા, તાલુકા વિકાસ અધિકારી
રોહિત કલસરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહેશે.