કચ્છમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ભેદી બીમારીથી થયેલા મોતનો આંકડો ૧૬ પર પહોંચ્યો છે. કચ્છમાં ભેદી બીમારીએ લખપત અને અબડાસામાં કહેર મચાવ્યો છે. કચ્છમાં આવેલા ભારે વરસાદને કારણે ભેદી તાવનો રોગ ફેલાયો છે. એક બાજુ રાજ્યમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ અને બીજી બાજુ કચ્છમાં રોગચાળાના કારણે ૧૬ મોત છતાં સરકાર ભાજપના સભ્યો બનાવવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કચ્છમાં ફેલાયેલા રોગચાળા અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, એક બાજુ કચ્છમાં જ્યારે રોગચાળાને કારણે લોકો મરી રહ્યા છે અને બીજી બાજુ સરકાર આખી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાઈ છે. ભાજપના વધુ સભ્ય બનાવવામાં સરકાર વ્યસ્ત છે. ભાજપ સરકારને લોકોના મોતની ચિંતા નથી. બીજા રાજ્યોમાં ચૂંટણી જવાબદારી મંત્રીઓની પ્રાથમિકતા બની છે. બીજી તરફ કચ્છમાં લોકો મરી રહ્યા છે, તેની ચિંતા સરકારને નથી.
સરકારની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ આવી હતી. પૂરને કારણે લોકોની ખૂબ મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે. તેવા સંજાગોમાં કચ્છમાં બીમારીઓને કારણે દિન પ્રતિ દિન મૃત્યુનો દર વધતો જાય છે. છેલ્લા ઘણા દિવસોથી ભેદી બીમારીને કારણે ૧૬ લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગની સ્પેશિયલ ટીમ મોકલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી હતી.
રોગચાળાને કાબુમાં લેવા માટેનું આગોતરું આયોજન પણ સરકારે કર્યું ન હતું. તેથી પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે. આરોગ્ય વિભાગે કચ્છમાં તાત્કાલિક આરોગ્ય ટીમ મોકલવી જોઈએ અને દવા તથા સારવારની તમામ વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી જોઈએ. આગામી દિવસોમાં સરકાર કચ્છમાં ફેલાયેલા રોગચાળાને નાથવા માટે કેવું આયોજન કરે તે જાવું રહ્યું.