અમરેલી,તા.૧ર
સાવરકુંડલા શહેરમાં આવેલા જેસર રોડ ઉપર રેસિડેન્સી વિસ્તાર આવેલો છે, જ્યાં મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી સહિત આસપાસના સોસાયટી વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેથી રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ હોવાને કારણે રોગચાળો પણ ફાટે તેવી ભીતિ સર્જાઈ છે. ત્યારે રહિશોએ આ સમસ્યામાંથી છુટકારો મેળવવા પાલિકાને રજૂઆત કરી છે. આ વિસ્તારમાં દુર્ગંધ મારતા ગંદા પાણી જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકામાં સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે કે, તાકીદે આ ગટરના પાણી ઉભરાવાની સમસ્યામાંથી મુક્તિ આપે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગટરની સમસ્યા વકરી રહી છે. પાણી ઉભરાવાની સમસ્યાને પગલે રહિશોમાં નગરપાલિકા સામે નારાજગી જોવા મળી રહી છે.