રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી સેવા સેતુ કાર્યક્રમના ૧૦માં તબક્કાનો પ્રારંભ થશે, જે તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ ૦૩ કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં પણ મહાનગરપાલિકા દીઠ ૦૨ તથા નગરપાલિકા દીઠ ૦૨ કાર્યક્રમોનું આયોજન થશે. સેવા સેતુના ૧૦મા તબક્કામાં વિશેષ એ છે કે, રાજય સરકારની વિવિધ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કાર્યક્રમોમાં સમાવેશ થયો છે, જે સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર મળશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક સંપન્ન થઈ હતી. સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે કહ્યું કે, સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૦૩ કાર્યક્રમ જ્યારે અમરેલી અને સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ૦૨ કાર્યક્રમ અને અન્ય નગરપાલિકા વિસ્તારમાં ૦૧-૦૧ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત મહાનુભાવોને આ કાર્યક્રમમાં સહભાગી થવા અને ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં યોજાતા કાર્યક્રમોમાં વધુમાં વધુ નાગરિકોને રાજ્ય સરકારની સેવાઓનો લાભ લેવા માટે અપીલ છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી નાકિયા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.