અમદાવાદમાં તા. ૨ના શુક્રવારે ક્ષત્રિયોનું મહાસંમેલન મળશે. તમામ રાજા-રજવાડા સાથે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ પણ તેમાં સામેલ થશે અને સમસ્ત ક્ષત્રિય શકિત અસ્મિતા મંચની જાહેરાત કરવા નિર્ણય લેવાયો છે.રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વીનસિંહ સરવૈયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાના રાજા રજવાડા દાનમાં આપી દીધા હતા.
ગુજરાતમાં ૨૨૫થી વધારે રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહા સંગઠન બનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપુત ભવન ખાતે ૨૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ રાજા રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે.અશ્વીનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં રાજા રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે.ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજા અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે. અશ્વીનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાતના આજના લોકશાહી અને વિકાસનો ભાગીદાર હોવા છતાં આગવી ઓળખ કે અસરકારકતા જોવા મળતી નથી. ક્ષત્રિય સમાજને એનો લાભ મળી શક્યો નથી. ક્ષત્રિય સમાજને ખરાબ ચિતરવામાં ક્યાંય બાકી રાખ્યો નથી. દાઝવા ઉપર ડામની જેમ ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓના ચારિત્ર્ય અને તેઓની અસ્મિતા ઉપર જાહેરમાં ઘા કર્યા છે.
અશ્વીનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના રાજાઓથી લઈ આગેવાનો દ્વારા ચિંતા, ચિંતન અને મનોમંથનમાંથી સમાજે અનેક વાહિયાત આક્ષેપો સહન કર્યા પછી સમાજની એકતા માટે હવે ક્ષત્રિય સમાજ આળસ મરડીને પોતાના અસ્તીત્વની આગવી ઓળખ રામદેવપીરના નેજાની માફક એક નેજા હેઠળ મળે એવા વિચાર-વિમર્શ, ચર્ચા-વિચારણા કરશે. ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજ તથા તેના ૨૨૪ જેટલા પૂર્વ રિયાસતના વારસદારોનો સંપર્ક કરીને તેઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંમેલનમાં ૫૦૦૦થી વધારે લોકો હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જાવા મળ્યો હતો. રૂપાલાના નિવેદનને લઇને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટની માગ સાથે ક્ષત્રિય આંદોલન પણ શરૂ કર્યું હતું. વાંકાનેર સ્ટેટ, જામનગર સ્ટેટ (જામ સાહેબ), લીંબડી સ્ટેટ, મોરબી સ્ટેટ, કચ્છ સ્ટેટ, સાણંદ સ્ટેટ, પંચમહાલ સ્ટેટ, સાબરકાંઠા સ્ટેટ, દાંતા સ્ટેટ, શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બળવંતસિંહ રાજપુત, જયદ્રથસિંહ પરમાર.