‘‘જયાં-જયાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની’’. અમરેલી જિલ્લાનાં લાઠી સ્ટેટના રાજવી કવિ કલાપીની ભૂમિ અને એથી આગળ વધી ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો લગભગ સોમનાથ મહાદેવનું મંદિર તૂટતુ બચાવવા સોમનાથની સખાતે શહીદી વહોરનાર લાઠીના રાજવી શ્રી હમીરસિંહજી ગોહિલની યાદ ઈતિહાસમાં તાજી થાય. લાઠી એ વિકાસની ભૂમિ છે, અનેક ઔદ્યોગિક રત્નો લાઠીએ આપ્યા છે.
આ લાઠીના એક એવા સફળ ખેડૂતની વાત કરવી છે. પોતાના માતાને કેન્સરની બીમારી થઈ ડોકટરની સારવાર ચાલુ કરી અને ડોકટર સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે વધુ પડતા પેસ્ટીસાઈડ અને રાસાયણિક ફર્ટીલાઈઝરના ઉપયોગથી ભયાનક કેન્સરની બીમારી થાય છે. ત્યારે કાળમીંઢ પથ્થરો સાથે બાથ ભીડનાર રાત-દિ મહેનત કરનાર ખેડૂતનું હૃદય દ્રવી ગયું અને રાસાયણિક ખેતી છોડવાનો નિર્ણય કર્યો. હા એ બીજા કોઈ ખેડૂત નહિ પણ આપણા લાઠીના કાળુભાઈ માયાભાઈ હુંબલ. ઝાઝી જમીન, પાણીની સગવડતા પણ સારી. કાળુભાઈનો અભ્યાસ ૧૦ ધોરણ સુધી છે પણ ગણતર ખુબ સારું છે. સુભાષ પાલેકરની વિવિધ શિબિરો કરીને પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવ્યું. આજે ૩ર૮ વીઘા જમીનમાં ઝેરમુકત ખેતી કરે છે. અને ખેત પેદાશોનું વેલ્યુએડીશન કરીને વેચાણ કરે છે. છેલ્લા ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. કાળુભાઈ વાત કરતા કહે છે કે, ૧૦૦ વીઘા જમીનમાં સરગવાનું વાવેતર કરેલ છે અને સરગવાના પાનનો પાઉડર બનાવીને વેચાણ કરે છે. વર્ષમાં પ વખત પાનનું કટીંગ લેવામાં આવે છે. ગયા વર્ષે ૧૦૦ ટન ઉપર પાનનાં પાઉડરનું વેચાણ ર૦૦ રૂપિયા કિલોના ભાવથી કરવામાં આવેલ હતું.
૪૦ વીઘા જમીનમાં ગયા વર્ષે રજકાનું વાવેતર કરીને રજકાનો પાઉડર જેને અંગ્રેજીમાં આલ્ફા-આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. જેની માંગ ગલ્ફનાં દેશોમાં છે. રજકાનો પાઉડર ૧ કિલોના રૂપિયા ૧પ૦ લેખે વેંચાણ કરેલ હતું. ગયા વર્ષ ૩૦ ટન જેટલો પાનનો પાઉડર બનાવીને વેચાણ કરેલ હતું.
૧૦ વિઘા જમીનમાં ઘઉં અને જવનું વાવેતર કરીને જુવારાનો પાઉડર બનાવીને વેચાણ કરે છે. ઘઉં અને જવનાં
જુવારામાં ન્યુટ્રીશન વેલ્યુ વધુ હોય લોકો આજે ઉપયોગ કરતા થયા છે. ૩૧ ટન જેટલો પાઉડર બનાવીને ૪૦૦ રૂપિયા કિલોના ભાવથી વેચાણ કરેલ છે.
કાળુભાઈ હુંબલના ફાર્મની એક વખત મુલાકાત લેવા જેવી છે. આધુનિક ખેતી વૈજ્ઞાનિક અભિગમ સાથે આજે આ ખેડૂતની નામના ગુજરાત અને ગુજરાત બહાર મેળવી છે. બે વખત રાજયપાલનાં હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું છે. આજે સફળ ખેડૂતની સાથે સફળ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ એગ્રીકલ્ચરમાં બન્યા છે. આવા સફળ ખેડૂતનાં ફાર્મની મુલાકાત ખેડૂતો અને એગ્રીએન્ટરપ્રિન્યોરે લેવા જેવી ખરી. કાળુભાઈ હુંબલનો સંપર્ક નં. ૯૪ર૬૮ ૬પ૭૭૦ છે.
-ઃ તિખારો :-
મોબાઈલ અને સફળતા એ એવી ચીજ છે કે મોબાઈલનાં બિનજરૂરી વધુ ઉપયોગથી માનસિક નુકસાન છે. જયારે સફળતા એ ચીજ છે કે જા ચારિત્ર્ય ઉપર દાગ લાગ્યો એટલી સફળતા શૂન્ય. બન્નેને સાચવીને ઉપયોગ કરવો રહ્યો.