આતિશી મુખ્યમંત્રી બની ગયા. આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેના દિલ્હીના નવાં મુખ્યમંત્રી બની ગયા છે. દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલાં ૪૩ વર્ષીય આતિશી સુષ્મા સ્વરાજ અને શીલા દિક્ષીત પછી દિલ્હીના આ ત્રીજાં મહિલા મુખ્યમંત્રી છે. ભારતમાં બીજા કોઈ રાજ્યમાં ત્રણ મહિલાઓ મુખ્યમંત્રી નથી બની એ જોતાં દિલ્હીએ ઈતિહાસ રચ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૬ મુખ્યમંત્રી આવ્યાં ને તેમાં ત્રણ મહિલા છે એ મોટી વાત છે. દિલ્હીમાં આતિશી પહેલાં મુખ્યમંત્રી બનેલી બંને સન્નારીઓના કાર્યકાળમાં બહુ મોટો વિરોધાભાસ છે. દિલ્હીમાં શીલા દિક્ષીતે તો સળંગ ૧૫ વર્ષ રાજ કરેલું. શીલા દિક્ષીત આજની તારીખે પણ દેશમાં સળંગ સૌથી લાંબો સમય રાજ કરનારાં મહિલા મુખ્યમંત્રી છે. સામે સુષ્મા સ્વરાજ માત્ર ૫૦ દિવસ માટે મુખ્યમંત્રીપદે રહેલાં. દિલ્હીમાં મદનલાલ ખુરાના ને પછી સાહિબસિંહ વર્માએ કશું કામ ના કર્યું ત્યારે છેલ્લે છેલ્લે ભાજપને બચાવવા સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવાયેલાં પણ સુષ્મા ભાજપને જીતાડી નહોતા શક્યા.
આતિશીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરી જીતે છે કે નહીં એ જોવાનું છે પણ આતિશીના નેતૃત્વમાં આપ ફરી જીતશે તો પણ આતિશીએ વિદાય થવું પડશે કેમ કે આપ ફરી જીતશે તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનશે ને આપ હારી જશો તો નવી સરકાર બનશે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા લોકો વચ્ચે જશે એવું એલાન કર્યું ત્યારે કહેલું કે, હવે ફરી જનાદેશ લઈને જ દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. આ સંજોગોમાં આતિશીને મુખ્યમંત્રીપદ વચગાળાની વ્યવસ્થા છે.
આતિશીની શપથવિધિ સાથે દેશમાં મહિલા મુખ્યમંત્રીઓની સંખ્યા વધીને બે થઈ છે. અત્યાર લગી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી દેશનાં એક માત્ર મહિલા મુખ્યમંત્રી હતાં. હવે આતિશી પણ મમતાની ક્લબમાં જોડાયાં છે. જે દેશમાં ૫૦ ટકા વસતી મહિલાઓની છે એ દેશનાં ૨૯ રાજ્યોમાંથી માત્ર બે રાજ્યોમાં જ મહિલા મુખ્યમંત્રી હોય એ શરમની વાત કહેવાય પણ તેમાં નવાઈની વાત નથી.
ભારતમાં મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો થાય છે પણ સાચા અર્થમાં સશક્તિકરણ થતું નથી. મહિલાઓને પુરૂષ નેતાઓ પોતાનાં નેતા તરીકે સ્વીકારી શકતા નથી. આ કારણે જ દેશને આઝાદ થયાને ૭૭ વર્ષ પૂરાં થઈ જવા છતાં આતિશી સહિત માત્ર ૧૭ મહિલા મુખ્યમંત્રી આવી છે. આ પૈકી આતિશી, સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત એમ ત્રણ તો દિલ્હીમાં મુખ્યમંત્રી બન્યાં એ જોતાં બાકીના રાજ્યોમાં ગણીને ૧૪ મુખ્યમંત્રી આવ્યા છે. મતલબ કે, દેશના એક રાજ્યદીઠ ૧ મહિલા મુખ્યમંત્રી પણ નથી આવ્યા.
જો કે એક વાત સ્વીકારવી પડે કે, આ દેશમાં કેટલીક મહિલા મુખ્યમંત્રીઓ અત્યંત મજબૂત આવી. શીલા દિક્ષીતે તો કોંગ્રેસને સળંગ ત્રણ વાર જીતાડીને ૧૫ વર્ષ રાજ કર્યું. મમતા બેનરજી છેલ્લાં ૧૩ વર્ષથી પશ્ચિમ બંગાળમાં રાજ કરે છે. શીલાનો રેકોર્ડ કદાચ મમતા બેનરજી તોડશે કેમ કે મમતાની પણ આ સળંગ ત્રીજી ટર્મ છે. માયાવતી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૪ વાર મુખ્યમત્રી બન્યાં. જયલલિતા પણ ૪ વાર તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં. વસુંધરા રાજે પણ બે વાર રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં ને બે વાર પાંચ વર્ષની ટર્મ પૂરી કરીને ૧૦ વર્ષ મુખ્યમંત્રી રહ્યાં. આતિશી આ કેટેગરીમાં કદાચ નહીં આવી શકે.
સુચેતા કૃપલાની દેશના પહેલાં મહિલા મુખ્યમંત્રી હતાં. સુચેતા કૃપલાનીનો જન્મ અંબાલામાં થયો હતો. સ્વાતંત્રય સેનાની સુચેતાની ભારત છોડો આંદોલન વખતે ૧૯૪૪માં ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. સુચેતા ૧૯૪૬માં સંયુક્ત પ્રાપ્ત (હવે ઉત્તર પ્રદેશ)માંથી બંધારણ સભામાં ચૂંટાયાં હતાં. કોંગ્રેસની ટિકિટ પર ૧૯૫૨ અને ૧૯૫૭ની લોકસભા ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલાં સુચેતા ૧૯૬૩માં ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને ઉત્તર પ્રદેશની સેવા કરી હતી.
નંદિની સત્પથી ઓડિશાના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો જન્મ કટકમાં થયો હતો. ઓડિયા માસિક ‘કલાના’ ના લેખક અને સંપાદક નંદિની ઓડિયા ભાષામાં પ્રખર લેખિકા હતાં. તેમની કૃતિઓનો અન્ય ઘણી ભાષાઓમાં અનુવાદ થયો હતો. નંદિની ભારતમાં પ્રથમ મહિલા હતાં કે જેમણે બે વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
શશિકલા કાકોડકર બે વાર ગોવા, દમણ અને દીવનાં મુખ્યમંત્રી બન્યાં. તેમના પિતા દયાનંદ બંદોદકર ૧૯૬૩માં ગોઆમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે પહેલી વાર ૧૯૬૭માં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને વિધાનસભાના બીજાં મહિલા સભ્ય બન્યા હતા. ૧૯૭૨ની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા અને રાજ્યમંત્રી બન્યા. તેમના પિતાનું ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ પદ પર હતા ત્યારે જ અવસાન થયું હતું અને પક્ષના ધારાસભ્યો દ્વારા તેમને સર્વાનુમતે મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા હતા.
સૈયદા અનવરા તૈમૂર આસામના પહેલા અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે. ભારતના કોઈપણ રાજ્યનાં પ્રથમ અને એક માત્ર મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે સ્નાતકની પદવી મેળવી હતી. સૈયદા ૧૯૫૬માં જોરહાટની દેવીચરણ બરુઆ ગર્લ્સ કોલેજમાં લેક્ચરર બન્યા હતા. સૈયદા સૌ પ્રથમ ૧૯૭૨માં આસામ વિધાનસભામાં ચૂંટાયા હતા અને ૧૯૭૮, ૧૯૮૩ અને ૧૯૯૧માં ફરી ચૂંટાયા હતા. ૧૯૮૨માં આસામમાં રાષ્ટ્રપતિ શાસનના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળા માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જાનકી રામચંદ્રન તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને ૨૪ દિવસના સૌથી ટૂંકા ગાળાના મુખ્યમંત્રીપદનો રેકોર્ડ તેમના નામે છે. તમિલ ફિલ્મોમાં અભિનેત્રી જાનકીના પતિ એમજીઆર મારુથુર ગોપાલન રામચંદ્રન ) તમિલ ફિલ્મોમાં સુપરસ્ટાર હતા ને ડીએમકેમાં જોડાઈને મંત્રી બન્યા હતા. કરૂણાનિધી સાથે સંઘર્ષ થતાં એમજીઆરએ પોતાની પાર્ટી એઆઈએડીએમકે શરૂ કરી પછી જાનકી સક્રિય બન્યાં. ૧૯૮૭માં એમજીઆરનું અવસાન થયું ત્યારે જાનકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્રણ અઠવાડિયામાં તેમને બહુમતી સાબિત કરવા કહેવાયેલું પણ વિશ્વાસ પ્રસ્તાવનાં દિવસે જ વિધાનસભામાં હિંસા થતાં જાનકીની ૨૪ દિવસની સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી.
જયલલિતા એઆઈએડીએમકેના નેતા એમજીઆરના પત્ની જાનકી રામચંદ્રન સાથેના સંઘર્ષ બાદ રાજીવ ગાંધીની મદદથી એઆઈએડીએમકે પર કબજો કરવામાં સફળ રહ્યા હતાં. ૧૯૮૯ની ચૂંટણી પછી જયલલિતા વિપક્ષનાં નેતા બન્યાં અને ૧૯૯૧માં રાજ્યના બીજા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ચૌદ વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રીપદે રહેનારાં જયલલિતાએ કુલ છ વખત શપથ લીધા હતા. કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીવાળી વસ્તુઓની ‘અમ્મા’ બ્રાન્ડને કારણે ચર્ચામાં રહેલાં જયલલિતા ભ્રષ્ટાચારનો પણ પર્યાય બની ગયેલાં. પક્ષના કાર્યકરો તેમને અમ્મા અને પુરાચી થલાઇવી કહેતા. ૨૦૧૬માં તેમનું અવસાન થયું ત્યારે નિધન પામનાર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. માયાવતી ઉત્તર પ્રદેશ જ નહીં પણ દેશમાં પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી છે. માયાવતી ૧૯૮૯માં બસપામાંથી સંસદમાં ચૂંટાયા હતા. ૧૯૯૫માં તેઓ અલ્પજીવી ગઠબંધન સરકારમાં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે વધુ બે ટૂંકાગાળાના શપથ લીધા હતા અને ૨૦૦૭માં મુખ્યમંત્રી બન્યા ત્યારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. રાજિન્દર કૌર ભટ્ટલ પંજાબમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં હતા. હરચરણ સિંહ બ્રારના રાજીનામા પછી ૧૯૯૬ માં શપથ લેનારાં ભટ્ટલે એક વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, ભટ્ટલ ૨૦૦૪ થી ૨૦૦૭ ની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતાં. રાબડીદેવી બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવતા તેમને રાજીનામું આપવાની ફરજ પડી ત્યારે રાબડીદેવીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, રાબડીદેવી પણ બે વાર મુખ્યમંત્રી બન્યાં. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિતની વાત આપણે કરી ચૂક્યાં છીએ. સુષ્મા ભાજપનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી હતાં. ભાજપમાંથી ઉમા ભારતી મધ્ય પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૩માં તેમના નેતૃત્વમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવતાં તેમણે શપથ લીધા હતા. ૧૯૯૪ના હુબલી રમખાણોના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ એક વર્ષમાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. વસુંધરા રાજે ૨૦૦૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારે રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. એ પછી ૨૦૧૩માં ફરી મુખ્યમંત્રી બન્યાં હતાં. મમતા બેનરજી સૌથી લાંબો સમય સુધી સત્તા ભોગવનારી સામ્યવાદી સરકાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના ૩૪ વર્ષના શાસનનો અંત આણીને ૨૦૧૧માં પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા અને હજુ ચાલુ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા દિલ્હી ગયા હતા ત્યારે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. આનંદીબેન પટેલે બે વર્ષ સુધી આ પદ પર સેવા આપી હતી અને બાદમાં રાજીનામું આપ્યું હતું. ૨૦૧૬માં મુફ્તી મોહમ્મદ સઈદના નિધન પછી તેમના દીકરી મહેબૂબા મુફ્તી ભાજપ સાથે જોડાણ કરીને મુખ્યમંત્રી બન્યાં હતાં. મહેબૂબા માત્ર બે વર્ષ જ મુખ્યમંત્રીપદે રહ્યાં હતાં.
દેશનાં મહિલા મુખ્યમંત્રીઓની યાદીમાં હવે આતિશીનું નામ ઉમેરાયું છે.
sanjogpurti@gmail.com