શરીરમાં જરૂરિયાત કરતાં વધારે પડતી ચરબીના થર જામે તેવી વ્યક્તિને સ્થૂળકાય કહી શકાય. સામાન્ય રીતે આપણે આ સ્થિતિને ગંભીર ગણતા નથી. હા, કેટલાક લોકોને આ બેડોળપણું ગમતું નથી તો કેટલાકની રમતગમત અથવા તો અન્ય કાર્ય કરવાની ક્ષમતા ઘટે છે તેવું લાગે છે. પરંતુ આટલેથી વાત અટકતી નથી. જીવન વિમા નિગમના સર્વેક્ષણથી એવું ફલિત થયેલ છે કે સ્થૂળકાય વ્યક્તિઓની જીવનરેખા સામાન્ય વ્યક્તિઓ કરતાં ટૂંકી હોય છે. કારણ કે મેદસ્વી વ્યક્તિઓમાં હૃદયરોગ અને મધુપ્રમેહ જેવા રોગનો ભોગ બનવાની શક્યતાઓ વધારે હોય છે અને આથી જ જાડી અથવા સ્થૂળકાય વ્યક્તિઓમાં મોતનું પ્રમાણ વધારે જોવામાં આવે છે.
આ ઉપરાંત આવી વ્યક્તિઓમાં કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા, પ્રસૂતિ અથવા બાળજન્મ ભયજનક નીવડતાં હોય છે. એટલું જ નહીં પણ શ્વસનતંત્ર ઉપર ચરબીના થતાં વધારે પડતા દબાણથી શ્વાસોચ્છવાસની ક્રિયા પર પણ અવળી અસર થાય છે.
સ્થૂળતાનાં પરિણામો જાણ્યા બાદ સ્વાભાવિક રીતે આપણને તેનાં કારણો અને યોગ્ય સારવાર વિશે જાણવાની ઈચ્છા થાય. પણ આ જાણતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે જાડો માણસ કોને કહેવાય ? હકીકતમાં તો તેના શરીરમાં કેટલી ચરબી છે તેના પરથી સ્થૂળતાનું નિદાન કરી શકાય. પરંતુ આ સહેલું નથી. સામાન્યતઃ શરીરના વજનની સરખામણીથી વ્યક્તિ ખરેખર સ્થૂળકાય છે કે નહીં તે કહી શકાય. જો કોઈપણ વ્યક્તિની ઉંમર અને ઉંચાઈ પ્રમાણે તેનું જે વજન હોવું જોઈએ તેના કરતાં ૨૦ ટકા વધારે વજન હોય તો તેને સ્થૂળકાય કહી શકાય. દા.ત. વ્યક્તિનું આદર્શ વજન ૪૫ કિલોગ્રામ હોવું જોઈએ તેને બદલે જો વ્યક્તિનું વજન ૫૫ કિલોગ્રામ હોય તો તેને સ્થૂળકાય કહી શકાય. જે વ્યક્તિનું વજન આદર્શ વજન કરતાં ૧૦ થી ૨૦ ટકા વધારે હોય તેવી વ્યક્તિને સ્થૂળકાય કહેવાને બદલે વધુ વજનવાળી વ્યક્તિ કહી શકાય.
આદર્શ વજન કોને કહી શકાય ? સામાન્યતઃ તંદુરસ્ત વ્યક્તિના શરીર બંધારણ અને ઊંચાઈ પ્રમાણે તેનું સરેરાશ વજન હોવું જોઈએ. તે વજન ધરાવતો હોય તેને આદર્શ વજન કહી શકાય. જીવન વીમા નિગમે સ્ત્રી અને પુરુષ માટે ૨૫ વર્ષની ઉંમર પછી ઊંચાઈ અને ઉંમર પ્રમાણે જે પ્રમાણસર વજન હોવું જોઈએ તેના કોઠા બનાવેલ છે. આ કોઠાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે તંદુરસ્ત વ્યક્તિ તેના શરીર બંધારણ અને ઊંચાઈ પ્રમાણે ૨૫ વર્ષે જે વજન ધરાવતો હોય તે પ્રૌઢાવસ્થા સુધી પણ એ જ વજન બતાવે. (ક્રમશઃ) hemangidmehta@gmail.com