“આ લીલા ને કૂણા ઘાસમાં તો હું રોજ રમું છું. હરુ છું, ફરું છું ને આનંદ કરું છું. પણ આ નદીના ખળખળ ખળખળ વહેતા પાણીમાં રમવા મળે તો કેવી મજા પડે!” – સ્વીટુ સસલું નદીના પાણીમાં રમવાના સ્વપ્ન જોવા લાગ્યું. પાણીમાં કૂદી પડવાની તાલાવેલી સાથે એ નદીકિનારે જાય ને પાછું વળે. એક વખત નદીના પાણીમાં રમવું જ એમ નક્કી કરી એ નદી તરફ દોડ્યું.
નદીકિનારે જાવું છે;
નદીના પાણીમાં રમવું છું;
ઠંડા પાણીમાં રમવું છે.
“આહાહાહા! કેવો ઠંડો ઠંડો પવન ફૂંકાય છે! કેવું ખળખળ ખળખળ પાણી વહી રહ્યું છે!” – એમ વિચારતાં વિચારતાં સ્વીટુ સસલું પાણીની નજીક પહોંચ્યું. “શશશ… કેટલું ઠંડુઠંડુ પાણી! ઠંડા હીમ જેવા પાણીથી સ્વીટુ થથરી ગયું. પાણીમાં રમવાની એને મજા પડી. એ તો…
આમ દોડે તેમ દોડે!
આમ કૂદે તેમ કૂદે!
આમ જાય તેમ જાય!
આમ રમે તેમ રમે!
સ્વીટુને નદીના ઠંડાઠંડા પાણીમાં રમવાની મજા પડી. હવે તે અહીં રોજ પહોંચી જતું. હવે તો એ લીલા-લીલા ઘાસમાં રમે, કૂણુંકૂણું ઘાસ ખાય ને સરરર કરતું દોડતું નદીકિનારે પહોંચી જાય.
નદીકિનારે જાય, પથ્થર પર બેસે ને પાણીમાં રમ્યા કરે. એક વખત નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો. સ્વીટુ જે પથ્થર પર બેસી રમતું હતું એ પથ્થર પણ થોડોથોડો ડૂબી ગયો હતો. દરરોજની એની ટેવ મુજબ સ્વીટુ લીલા-લીલા ઘાસમાં રમી, કૂણુંકૂણું ઘાસ ખાઈને નદીકિનારે પહોંચ્યું. એણે જોયું કે આજે નદીનું પાણી ઝડપથી વહી રહ્યું છે. જે પથ્થર પર બેસી એ રમતું હતું તે પથ્થર પણ ખાસ્સો ડૂબી ગયો હતો. પાણીમાં જાઉં કે ન જાઉં! જાઉં કે ન જાઉં! એમ વિચારતું વિચારતું સ્વીટુ ધીમેધીમે પાણીની નજીક પહોંચ્યું.
પણ સ્વીટુને પાણીમાં રમ્યા વિના જરાય ચાલે નહીં. એને થયું લાવને થોડું રમી લઉં! એમ વિચારતાં ધીમે રહીને એ પથ્થર પર ચડ્યું. એ તો પાણી સાથે રમવા લાગ્યું. રમવામાં એ એવું મશગૂલ થઈ ગયું કે ધીમેધીમે પાણી વધી રહ્યું છે એ ભૂલાઈ ગયું. એવામાં રમતાં રમતાં અચાનક તેનો પગ પથ્થર પરથી સરક્યો ને નદીના ધસમસતા પાણીમાં એ તણાવા લાગ્યું. ઊંચાનીચા વહેતા પાણીમાં સ્વીટુ સસલું જાય તણાતું, જાય તણાતું!
“બચાવો! બચાવો! કોઈ મને બચાવો!” – સ્વીટુ તણાતાં તણાતાં બૂમો પાડવા લાગ્યું. પણ આજુબાજુ કોઈ હતું નહીં કે એને બચાવી શકે. હવે તો એને લાગ્યું કે એ નદીમાં તણાઈ જ જશે. એટલામાં તણાતા સ્વીટુની બૂમો ત્યાંથી પસાર થતા હાથીએ સાંભળી. હાથી બૂમો સાંભળી તરત નદી તરફ દોડ્યો. એણે જોયું તો સ્વીટુ પાણીમાં તણાઈ રહ્યું હતું. હાથી તરત નદીકિનારે પહોંચ્યો અને એની લાંબી સૂંઢ પાણીમાં નાખી. સ્વીટુ તણાતું તણાતું જેવું સૂંઢ નજીક પહોંચ્યું કે તરત એણે હાથીની સૂંઢ પકડી લીધી. હાથીએ કહ્યું, “તું હવે જરાય ડરીશ નહીં. હવે હું છું! તું સૂંઢને મજબૂત રીતે પકડી રાખજે.” સ્વીટુએ બરાબર સૂંઢને પકડી લીધી. ધીમે રહીને એણે સ્વીટુને પાણીમાંથી બહાર કાઢી લીધું. સ્વીટુ ડરી ગયું હતું. તે ધ્રૂજતું હતું. તે ઠંડીથી થથરી રહ્યું હતું.
“મને બચાવવા બદલ તમારો આભાર આભાર, હાથીભાઈ! આજે તમે ન હોત તો હું તણાઈ જાત!” – સ્વીટુએ હાથીનો આભાર માનતાં કહ્યું. હાથીએ હસીને કહ્યું, “અરે સ્વીટુ! કોઈની મદદ કરવી એ તો આપણી ફરજ છે. તું જરાય ચિંતા ન કરીશ. ને હા, આમ નદીના ઊંડા પાણીમાં રમતાં ધ્યાન રાખજે.” એમ કહેતાં હાથી ત્યાંથી ચાલતો થયો. સસલું પણ સડસડાટ દોડતું લીલા-લીલા ઘાસમાં જઈ રમવા લાગ્યું ને ગાવા લાગ્યું
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭