વડીયાના લુણીધાર ગામના રેલવે સ્ટેશન રોડ પર પીપળલગ ગામના યુવક પર પ્રેમસંબંધને કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પીપળલગ ગામના પ્રદિપભાઈ ભીખાભાઈ ભાસ્કર (ઉ.વ.૨૨)એ કિશોરભાઈ કાનાભાઈ સોલંકી તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા તેમનો મિત્ર એક્ટિવા લઈને પોતાના ગામેથી લુણીધાર ગામ તરફ જતા હતા. તેને કિશોરભાઈ કાનાભાઈ સોલંકીની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. જેથી ત્રણેયે સાથે મળી તેમને માર મારવાના ઇરાદે ઉભા રખાવ્યા હતા. આરોપી કિશોરભાઈએ તેના હાથમાં લોંખડના પાઇપ વડે એક્ટિવા પર ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત પાઇપનો એક ઘા ડાબા કાન ઉપર મારી ઇજા કરી હતી. તેમજ તેમનો મોબાઇલ ફોન પાણીમાં ઘા કરી દીધો હતો. આ સમયે તેમનો મિત્ર તેને બચાવવા વચ્ચે પડતા તેના હાથ પર પાઇપ વડે આડેધડ માર મારી મુંઢ ઇજા કરી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એમ. વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે.