કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાંથી પસાર થતા હાઈવે રોડની હાલત અત્યંત ખરાબ થઈ જવાથી વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચાર મહિના પહેલાં ચોમાસાની શરૂઆતથી જ આ રસ્તાની સ્થિતિ કથળતી ગઈ છે. હાલમાં રોડ પર મોટા-મોટા ખાડાઓની હારમાળા જોવા મળે છે, જે વાહનચાલકો માટે જોખમી બની રહી છે. વાહનો પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઊડે છે, જેનાથી આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ડોળાસા બસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ પણ આ પરિસ્થિતિથી ત્રસ્ત છે. તેમના જણાવ્યા અનુસાર, ધૂળની ડમરીઓ તેમના વ્યવસાય પર નકારાત્મક અસર કરી રહી છે. હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને દસ દિવસ બાદ દિવાળીની ઉજવણી શરૂ થશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક લોકોએ તહેવારો પહેલાં રસ્તાને ફરીથી પેવર કરવાની માંગ કરી છે. આ સમસ્યાના નિવારણ માટે સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.