સમગ્ર દેશમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. આ સાથે લવ જેહાદની ઘટનાઓ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓથી દેશની દીકરીઓ સુરક્ષિત કેટલી છે તે પ્રશ્ન થાય છે. કોલકાતાના ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા, તાજેતરમાં વડોદરામાં સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટનાની શ્યાહી હજુ સુકાઇ નથી ત્યારે નવસારી જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
નવસારી જિલ્લામાં એક યુવતીને એક યુવાને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી હતી અને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીને જ્યારે તેની ઓળખ થતા તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેથી તે યુવક તે યુવતીને ધમકી આપતો હતો. આથી યુવતીએ હિંમત કરીને પોલીસ ફરિયાદ કરતા નવસારી પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી. ત્યારે એરૂ ચાર રસ્તા પાસે રિ કન્સ્ટ્રક્શન કરાવીને આરોપી યુવાનનો વરઘોડો કાઢી સમાજમાં દાખલો બેસાડ્યો હતો.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર નવસારી શહેરને અડીને આવેલા એક ગામડાની યુવતી નવસારીની એક હોસ્પિટલમાં નોકરી કરે છે. મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી આ યુવતી રોજ અડદા ગામના રિક્ષાચાલક ઝુબેર ખલીફાની રિક્ષામાં અપડાઉન કરતી હતી. રીક્ષા ચાલક ઝુબેર ખલીફાએ નામ બદલીને યુવતીને પોતાની ઓળખ રાજ તરીકે આપી હતી અને આ યુવતી સાથે મિત્રતા કેળવી હતી.
આ યુવક પર આરોપ છે કે તેણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી હતી. નવસારીના ગાંધી સ્મૃતિ રેલવે ફાટક નજીક આવેલી હેપ્પી સ્ટે અને રાધે હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે. ૩ મહિનાના પ્રેમમાં યુવતીનું સર્વસ્વ લૂંટી લેનારા તેના પ્રેમીની અસલિયત જાણી જતા યુવતીના હોશ ઉડી ગયા હતા. જેથી તેણે બધું ભૂલી આ યુવાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ આરોપી ઝુબેર યુવતીને સતત ધમકાવી તેની સાથે સંબંધો રાખવા જબરજસ્તી કરી રહ્યો હતો અને યુવતી તેની સાથે સંબંધો રાખવા માંગતી ન હોવા છતાં પણ તેની સાથે ફરીવાર દુષ્કર્મમાં આચર્યું હતું.
આ યુવાનથી કંટાળેલી યુવતીએ હિંમત કરીને પોતાના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ૨૪ વર્ષીય આરોપી ઝુબેર શબ્બીર ખલીફા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ પણ સતર્ક થઈ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે સમગ્ર ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શનમાં આરોપી ઝુબેર ખલીફાની ધરપકડ કરી હતી. યુવતીને આરોપી પોતાની રિક્ષામાં જ્યાં જ્યાં લઈ જતો હતો. ત્યાં પહોંચી ગુન્હાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.આ સાથે જ નવસારીના એરૂ ચાર રસ્તા પાસેથી રી કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીનો વરઘોડો પણ કાઢ્યો હતો. આ સાથે જ ગાંધી સ્મૃતિ ફાટક નજીક આવેલી હેપ્પી સ્ટે અને રાધે હોટલમાં પણ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ રીતે જ પ્રેમી યુગલ હેપ્પી સ્ટે હોટલમાં અંગત પળો માણવા ગયું હતું અને ત્યાં યુવતીનું લોહી વહી જવાને કારણે મોત થયું હતું. ત્યારે આવી હોટલ ઉપર પણ પોલીસે સકંજા કસવો જરૂરી છે. નવરાત્રીના દિવસોમાં દીકરીઓની રક્ષા કરવાની પોલીસની નેમને નવસારી પોલીસે સાર્થક કરી બતાવી છે અને આરોપીને જેલ હવાલે કરી દીકરીને ન્યાય મળે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.