(૧) આપણો સમાજ સ્રી પ્રધાન હોત તો?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’, (ચિત્તલ હાલ કેનેડા)
આપણે માથે પાણીની હેલ લઈને એકબીજાને સામા મળત!
(૨) દરેક વ્યક્તિને પારકા ભાણે લાડું મોટો કેમ લાગે છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ ઃ જિ.પંચમહાલ)
અમારે આ બાજુ હવે પારકા ભાણે લાડુ નહિ સમોસા મોટા લાગે છે!
(૩) એવું શું છે જે જોવા માટે આંખ બંધ કરવી પડે?
જય દવે (ભાવનગર)
સપનું.
(૪) જેમાં રદ શબ્દ આવતો હોવા છતાં તમે એને રદ ન કરી શકો એવું શું છે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
શરદપૂનમ.
(૫) મને છીંક આવવાની તૈયારી છે. હાથમાં પતાસું છે. પહેલાં છીંક ખાવ કે પતાસું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
નિરાંતે છીંક ખાઇ લો. પતાસું મોઢા પાસેથી દૂર રાખજો.
(૬) કાકા અને કાકી બન્ને ઊભા હોય તો કોને પગે લાગવું?
દર્શન પટેલ (વડોદરા)
કાકીને તો કાકાય પ્રસંગોપાત પગે લાગતાં હશે પણ કાકાને કોણ લાગશે? એટલે તમે બિચારા કાકાને જ લાગો.
(૭) જુગારધામોને તાળા મારવાનો કોઈ ઉપાય?
રામભાઈ પટેલ (સુરત)
જે દિવસે જીત્યા હો એ દિવસે પૂછશો તો ઉપાય બતાવીશ.
(૮) કવિઓના માથે ટાલ કેમ હોય છે?
વિપુલકુમાર મહેતા (રાજકોટ)
આર્થિક સમસ્યા!
(૯) ત્રણ ટાઇમ જમવાનું એવું કોણે શોધ્યું?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
મને તો હોટલવાળાનો હાથ લાગે છે!
(૧૦) શિક્ષણ સુધારણા માટે આપને ઇઝરાયલ કે ઈરાન મોકલવામાં આવે તો કયો દેશ પસંદ કરો?
ડાહ્યાભાઈ આદ્ગોજા, (લીલિયા મોટા)
અહી હું તમને નડું છું?!
(૧૧)સહેબ..! ટાલ પડવાનાં મુખ્ય ત્રણ કારણો ક્યાં છે?
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
ત્રણ જણાને પડી છે?
(૧૨) શું ખાવાથી માણસ સુધરી જાય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ઉછીના આપ્યા હોય એના ઘરના ધક્કા.
(૧૩) એવી કઈ ચીજ છે કે જે હાથમાંથી સરકી જાય પછી પાછી નથી આવતી?
ધોરાજીયા ચંદ્રકાંત એન (સાજણટીંબા)
સાબુનું ચપોતરું.
(૧૪) અમને એવા સમાચાર મળ્યા છે કે તમે ગરબે રમવા નથી જતા ; ફક્ત નાસ્તો કરવા જ જાવ છો. સાચું છે ?
કનુભાઈ પરમાર (દામનગર)
અમારી સોસાયટી એવી માયાળુ છે કે ન જાઉં તો નાસ્તો આપવા રાત્રે અગિયાર વાગે આખું ગરબી મંડળ ઘેર આવે છે. ગામ ફેરવવા કરતા ગાડું ફેરવવું સારું.. એટલે હું જ નાસ્તા કરવા જઈ આવું છું.
(૧૫) તમે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ અટકાવી શકો કે નહિ ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
લ્યો બોલો આટલા વરસ કોણે અટકાવ્યું હતું?!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..