રાજયના કેટલાક વિસ્તારોમાં પડી રહેલા તોફાની વરસાદને લઈ ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાન થયું છે તેવે સમયે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનનો સર્વે કરાવી વળતર અપાવવા મુખ્યમંત્રી સહિત સબંધિત વિભાગોમાં લેખિત રજુઆત કરી છે.
અરવિંદ ભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, વાપી, ઉમરગામ અને વલસાડ તાલુકામાં અગાઉ અને હાલમાંજ ફરી ફૂંકાયેલા મીની વાવાઝોડા તેમજ પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા ડાંગરના પાકમાં ભારે નુકશાન થયું છે અને ભારે પવન અને વરસાદના કારણે ડાંગર પડી જવાથી મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.
વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોનો આવકનો સ્રોત માત્ર ખેતી છે અને ડાંગરની ખેતી કરી તેના ઉપર જીવન નિર્વાહ કરે છે આવા સંજાગોમાં ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે આ બાબતે તાત્કાલીક ધોરણે સર્વે કરાવી વલસાડ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને વળતર મળે તે મુજબની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.