આ મહિનાની ૨૨-૨૩ ઓક્ટોબરે રશિયાના કઝાનમાં ૧૬મી બ્રિકસ સમિટ યોજાવા જઈ રહી છે. રશિયા આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. બ્રિક્સની તૈયારીઓ વચ્ચે પુતિનનો બોલિવૂડ પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર દુનિયાની સામે આવી ગયો છે. જ્યારે પુતિનને એક મીટિંગ દરમિયાન પૂછવામાં આવ્યું કે ભારત બહાર બોલિવૂડનો સૌથી મોટો ફેન કોણ છે? તેના પર રાષ્ટ્રપતિ પુતિને ફરીથી ભારતીય ફિલ્મો માટે રશિયાની પ્રશંસાની જાહેરાત કરી છે.
વ્લાદિમીર પુતિને કહ્યું, તમે જાણો છો, જો તમે તમામ બ્રિક્સ સભ્ય દેશો પર નજર નાખો, તો મને લાગે છે કે ભારતીય સિનેમા અન્ય બ્રિક્સ દેશો કરતાં રશિયામાં વધુ લોકપ્રિય છે. મને લાગે છે કે અમારી પાસે ટીવી પર પણ એક અલગ ચેનલ છે, જે ભારતીય સિનેમાને દિવસ-રાત બતાવે છે. તેથી, ભારતીય સિનેમામાં અમારો રસ ઘણો વધારે છે.
પુતિને કહ્યું કે સિનેમા નિર્માણ અને ફિલ્મ ઉદ્યોગ અર્થતંત્રનો હિસ્સો છે. આને યોગ્ય રીતે નિયંત્રિત કરવું જાઈએ. ભારતે તેના સિનેમા બજારને બચાવવા માટે ઘણા નિર્ણયો લીધા છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંકેત આપ્યા છે કે આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતીય ફિલ્મોના વધુ પ્રમોશન અંગે ચર્ચા કરી શકે છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. આ વર્ષે મોદીની રશિયાની આ બીજી મુલાકાત હશે. તેઓ છેલ્લે જુલાઈમાં ૨૨મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા મોસ્કો ગયા હતા. આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી કઝાનમાં તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.