ઉત્તર અમેરિકાના ક્યુબામાં નેશનલ પાવર ગ્રીડની નિષ્ફળતાને કારણે દેશને બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. સરકારે પહેલેથી જ શાળાઓ અને બિનજરૂરી ઉદ્યોગો બંધ કરી દીધા છે. વીજળીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને મોટાભાગના રાજ્ય કર્મચારીઓને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ઉર્જા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું કે પાવર ગ્રીડ રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે તૂટી પડ્યું. જો કે, અધિકારીઓએ હજુ સુધી એ જાહેર કર્યું નથી કે પાવર પ્લાન્ટની નિષ્ફળતાનું કારણ શું છે. પાવરની અછતને કારણે મહત્વની સરકારી સેવાઓ રદ કરવા અધિકારીઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી.
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે ટીવટર પર જણાવ્યું હતું કે, “જ્યાં સુધી (વીજળી) પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આરામ થશે નહીં.” તમને જણાવી દઈએ કે ક્યુબા પહેલાથી જ ખોરાક, ઈંધણ અને પાણીની અછતથી ઝઝૂમી રહ્યું છે. નાઇટ ક્લબોને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ બપોરથી જ વીજળી પુનઃસ્થાપિત કરવા માટે યોગ્ય પગલાં લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ હાલમાં પ્રક્રિયામાં સમય લાગશે. શુક્રવારે રાજધાની હવાનામાં લગભગ તમામ વ્યવસાયો ઠપ થઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓની સાથે પ્રવાસીઓ પણ પરેશાન દેખાયા હતા. બ્રાઝિલના પ્રવાસી કાર્લોસ રોબર્ટો જુલિયોએ જણાવ્યું હતું કે, “અમે રેસ્ટોરન્ટમાં ગયા હતા, પરંતુ ત્યાં ખાવાનું નહોતું. વીજળી ન હોવાને કારણે અમે ઇન્ટરનેટ વિના ભટકી રહ્યા છીએ.”
વડા પ્રધાન મેન્યુઅલ મેરેરોએ ક્યુબામાં વીજળીની નિષ્ફળતા માટે બળતણની અછત, બગડતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતી માંગને જવાબદાર ઠેરવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, “ઈંધણની અછત સૌથી મોટું કારણ છે.” ક્યુબાના સૌથી મોટા ઓઇલ સપ્લાયર વેનેઝુએલાએ વર્ષના પ્રથમ નવ મહિનામાં શિપમેન્ટમાં સરેરાશ ૩૨,૬૦૦ બેરલ પ્રતિદિન ઘટાડો કર્યો છે. તે ૨૦૨૩ માં મોકલવામાં આવેલા ૬૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસના લગભગ અડધા છે. આ સિવાય રશિયા અને મેકસીકોએ પણ ક્યુબામાં તેમના શિપમેન્ટમાં ઘણો ઘટાડો કર્યો છે.