બનાસકાંઠામાં થરાદ પાસે શણઘુર પુલ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં સવારે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી મૃતદેહને બહાર કાઢ્યાં હતાં. બનાવને પગલે કેનાલ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નર્મદાની મુખ્ય નર્મદા કેનાલમાં સણધર પૂલ નજીક સવારે પિતાએ પુત્ર સાથે ઝંપલાવ્યું હોવાની જાણ થઈ હતી.
સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરવા છતાં મૃતદેહ હાથ લાગ્યા નહોતા. તેના પછી થરાદ પાલિકાના ફાયર વિભાગને કોલ મળતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરતા બપોરે પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પુત્રના મૃતદેહ માટે શોધખોળ કર્યા બાદ ચારેક વાગે પુત્રનો મૃતદેહ પણ તરવૈયાઓને હાથ લાગ્યો હતો. પિતાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી અને પુત્રનાં મૃતદેહને તેમના વાલી-વારસાને સોંપ્યો હતો. મૃતક વાવ તાલુકાના મેહુલભાઈ પંડ્યા અને પુત્ર શ્રેયાંસ મેહુલભાઈ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટનાક્રમ અંગે પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે મૃતકની આત્મહત્યાનું કારણ ઘરકંકાસથી લઈને નાણાભીડ સુધીનું હોઈ શકે છે. પોલીસે આ માટે મૃતકનો મોબાઇલ ફોન તેના કબ્જામાં લીધો છે અને તેની કોલ ડિટેલના આધારે તપાસ કરવાનું શરૂ કર્યુ છે.
પખવાડિયા પહેલાં જ બનાસકાંઠાના ધાનેરા સ્થિત મોટા મેડા ગામમાં આપઘાતના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં એક આધેડ વયની વ્યક્તિએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં મૃતકનું નામ માજી રાણા હોવાનું તથા તેમની ઉમર ૫૦ વર્ષની હોવાનું બહાર આવ્યું હતું.મૃતક માજી રાણા રાજસ્થાનના વતની હોવાનુંજાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જાકે આ વ્યક્તિએ શા માટે આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું નથી.