મણિપુરમાં, આતંકવાદીઓએ જીરીબામ જિલ્લાના એક ગામમાં હુમલો કર્યો, ત્યારબાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ સવારે લગભગ ૫ વાગે બોરોબેકરા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામને આધુનિક હથિયારો વડે નિશાન બનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતા. આ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને પોલીસ જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને બંને તરફથી ભારે ગોળીબાર થયો.
આ સાથે અધિકારીઓએ એમ પણ કહ્યું કે ઘટના સ્થળ પર વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા છે. જા કે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે હિંસા ફરી શરૂ થાય છે, ત્યારે સુરક્ષા દળો વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે. બોરોબેકારા, જીરીબામ શહેરથી લગભગ ૩૦ કિલોમીટર દૂર, ગાઢ જંગલોથી ઘેરાયેલું છે અને તે પર્વતીય વિસ્તાર છે. ગયા વર્ષે મે મહિનામાં રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળ્યા બાદ આ વિસ્તારમાં આવા અનેક હુમલાઓ થયા છે.
મણિપુર એક વર્ષથી વધુ સમયથી હિંસાની આગ સામે ઝઝૂમી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરી રહેલા મીતાઈ, કુકી અને નાગા સમુદાયના ધારાસભ્યો વચ્ચે વાતચીત માટે નવી દિલ્હીમાં એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કુલ ૧૭ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. જેમાંથી ૯ મીતાઈ સમુદાયના, ૫ કુકી સમુદાયના અને ૩ નાગા સમુદાયના હતા. આ હિંસા આ બેઠકના થોડા દિવસો બાદ જ જાવા મળી હતી.
પ્રથમ વખત મીતાઈ, કુકી અને નાગા સમુદાયો વચ્ચે બેઠક યોજાઈ હતી, જે ૪ કલાક સુધી ચાલી હતી, પરંતુ તેનું પરિણામ શું આવ્યું. આ બાબત પ્રકાશમાં આવી નથી. ગયા વર્ષે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં ૨૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તાજેતરની બેઠકમાં, કુકી ધારાસભ્યોએ ફરીથી મણિપુરના આદિવાસી લોકો માટે અલગ વહીવટ અથવા કેન્દ્રશાસિત પ્રદેશની તેમની માંગને પુનરાવર્તિત કરી.