હિંમતનગર તરફથી આવતી કારને ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા નાકા પોઇન્ટ પર ચિલોડા પોલીસે અટકાવી તેમાંથી ૨ લાખની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતાં અને કુલ રૂ. ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ચિલોડા પોલીસ મથકની ટીમ ચંદ્રાલા નાકા ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગર તરફ લાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન બાતમી મુજબની કાર આવતાં પોલીસે કાર ઉભી રાખવા સૂચના આપી હતી, પરંતુ ચાલકે કારને ગીયોડ બ્રીજ નીચેથી પરત હિંમતનગર તરફ હંકારી મુકી હતી. એટલે પોલીસે મોબાઈલ ફોન કરીને નાકા પોઈન્ટને એલર્ટ કરી આડશ મુકાવી રસ્તો બ્લોક કરાવી દેતા ચાલકે કારને રોકવી પડી હતી. કારમાં બેઠેલા બે શખ્સોને સાથે રાખી પોલીસે તલાશી લેતાં અંદરથી બે લાખથી વધુની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બંનેની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (રૂદ્રમાલા ગામ, તા. ખેડબ્રહ્મા) અને લલીત કમલેશભાઈ ડામોર (ચંદવાસા ગામ તા. વિજયનગર જી. સાબરકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂ. ૩.૭૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.