જગતમાં દરેક વ્યક્તિના સ્વભાવ જુદા જુદા હોય છે. કોઈ સમયપાલનમાં એક્કા હોય છે. પરફેક્ટ પ્લાનિંગ સાથે ચાલતા આવા લોકોની છાપ દરેકના મગજમાં સારી હોય છે અને આવા નિયમિત લોકોનો સ્વભાવ પણ એવો હોય છે કે કોઈને રાહ જોવડાવવી તેમને ગમે નહિ તેવીજ રીતે કોઈની રાહ જોવી પણ બિલકુલ ગમે નહિ. કેટલાક લોકો અંદાજે ચાલતા હોય છે અથવા તો એને સામેવાળાના સમયની કિંમત હોતી નથી. ટાઇમ મેનેજમેન્ટ બાબતમાં આવા લોકોની છાપ થોડી રફ હોય છે. આવા લોકો કોઈને સમય આપે એના કરતા કાયમ મોડા હોય છે. દરેક કામમાં ખાસ કરીને સમયની બાબતમાં બેદરકાર લોકો તેની રાહ જોનાર માટે માથાના દુઃખાવા સ્વરૂપ બની જાય છે. જીવનમાં આપણે બન્ને પરિસ્થિતિનો વારંવાર અનુભવ કરતા હોઈએ. ઘણીવાર આપણે કોઈને મળવા માટેનો કે આપણા કે એના કોઈ કામ બાબતનો આપણી ધારણા મુજબનો ચોક્કસ ટાઇમ આપ્યો હોય અને પછી અચાનક આપણે ક્યાંક બીજે જવાનું થાય અને આપેલ ટાઇમે મળવાનું બંધ રહે કે મોડું થાય ત્યારે ખુદ આપણે મનમાં ગ્લાનિ અનુભવીએ છીએ.સામે રાહ જોનારને પણ કેટલીક રાહ જોવડાવવી એનું ગણિત મનમાં ચાલે અને પછી ટાઇમ ફેરવીએ કે મળવાનું કેન્સલ કરીએ ત્યારે આપણી નિયમિતતા કે સમયપાલનની છાપ થોડી ખરડાય છે. સામાન્ય રીતે આપણી કોઈ રાહ જોતુ હોય એની ચિંતા ઓછા લોકોને હોય.પણ જ્યારે આપણે બીજાની રાહ જોવી પડે ત્યારે સમયની કિંમત સમજાતી હોય છે. કોઈ પાંચ દસ મિનિટમાં આવું છું એમ કહીને બે ત્રણ કલાક રાહ જોવડાવે ત્યારે આપણા મનમાં સામેની વ્યક્તિ પ્રત્યે અણગમો પેદા થાય છે. વળી એકવાર નહિ પણ વારંવાર આવું થાય ત્યારે દર વખતે તે અલગ અલગ બહાનાબાજી કાઢતા હોય છે. એમની પાસે બહાના તૈયાર જ હોય છે. કદાચ એમને પોતાના કામ અને પોતાનો સમય જ કિંમતી લાગતો હોય છે. બીજાના સમયનું મૂલ્ય એમના માટે હોતું નથી. એનાથી ઉલટું જ્યારે એવા લોકોને બીજાની રાહ જોવી પડે ત્યારે ઉંચા-નીચા થઇ જતાં હોય છે. આ જગતમાં એકજ વસ્તુ એવી છે જે બધાંને એકસરખી મળે છે. બાકી બધું ઝાઝું થોડું મળતું હોય છે. આ વસ્તુ એટલે સમય. રાજા હોય કે પ્રજા હોય, નોકર હોય કે શેઠ હોય, માલિક હોય કે મજૂર, ગરીબ હોય કે ધનવાન, બધાને દરરોજ ૨૪ કલાક મળે છે. આમ ટાઇમ બધાને સરખો મળે છે, પણ ટાઇમ ટેબલ બધાનું જુદું જુદું હોય છે. સમયનું મેનેજમેન્ટ ખૂબ મહત્વનું છે. સમય બાબતમાં માણસની એક ચોક્કસ છાપ હોય છે. વહેલું મોડું ક્યારેક ચાલી શકે, દરરોજ થતું હોય તો એક આદત પડી ગઈ હોય છે. એક પ્રકારની માનસિકતા જ કામ કરે છે. કોઈ સમયને અનુસરે છે તો કોઈ સમયથી છેટા ચાલે છે. રાહ જોવડાવનારને જ્યારે કોઈની રાહ જોવી પડે ત્યારે ક્ષણિક અહેસાસ થાય છે ફરી મૂળ માનસિકતા પર ચાલવા લાગે છે. પણ એક વાત ચોક્કસ છે કે તમે સમયને સાચવી લ્યો તો સમય તમને સાચવી લેશે અન્યથા સમય જતાં આઝાદી અકળાવનારી સાબિત થાય છે. રાહ જોવાનો બીજો અર્થ કોઈ વ્યક્તિ, વસ્તુ, પાત્ર કે પ્રસંગની કે મળવાની લાંબા સમય સુધી રાહ જોવી એટલે કે ધીરજ ધરવી. જેમકે શબરી રામના આગમનની રાહ જોતી હતી, મીરાબાઈ શ્યામના સ્નેહની રાહ જોતી હતી. પરદેશ કમાવા ગયેલ સ્વજનના સ્વદેશ આગમનની રાહ જોવી વગેરે કિસ્સાઓમાં રાહ જોવામાં કંટાળો નથી આવતો ઉલટાની કૈંક સારા દિવસોની આશા હોય છે. અહી રાહ જોવડાવનાર પ્રત્યે રાહ જોનારને ધૃણા કે નફરત નથી થતી. તેમજ રાહ જોવડાવનારનો ઈરાદો એના રાહ જોનાર સ્વજનને તડપવવાનો પણ નથી હોતો. યુવાનોને માટે સારી કારકિર્દીથી લઈને જીવનસાથીની પસંદગીની બાબત હોય કે માતા પિતા માટે સંતાનોના નોકરી, ધંધા કે એમના શુભ પ્રસંગોની રાહ જોવી એ જીવન જીવવાની જડીબુટી સમાન હોય છે. કેટલીક બાબતોમાં રાહ જોવી કે રાહ જોવડાવવી બન્ને આનંદ આપનારા હોય છે. જ્યારે કેટલીક બાબતોમાં રાહ જોવાતી પળ કોઈ એક માટે મઝા લેનાર તો બીજા માટે મરવા સમાન હોય છે. આમ રાહ જોવી અને જોવડાવવી બન્નેમાં સમય અને સંજોગની પરિસ્થિતિ પ્રમાણે આપણો અભિગમ જુદો જુદો હોય છે. રાહ જોવાનું સુખ હોય કે દુઃખ પણ હોય. કોઈ કોઈના આવવાની રાહ જોતા હોય તો કોઈ કોઈના જવાની રાહ જોતા હોય છે. કોઈ કોઈના માટે કૈંક કરી છૂટવાની રાહ જોતા હોય છે તો કોઈ કોઈનું કરી નાખવાની રાહ જોતા હોય છે. કોઈ કોઈના સારા સમયની રાહ જોતા હોય છે તો કોઈ કોઈના ખરાબ સમયની રાહ જોતા હોય છે. આમ સંસારમાં રાહ શબ્દ સુખ કે દુઃખ આપનાર છે અને કોઈને કોઈની રાહ જ ના હોય તો જીવન શુષ્ક બની જાય છે. માટે, “રાહમાં ખૂબ રાહત હોય છે, કાં કોઈની ચાહત હોય છે કાં અંદરથી આહટ હોય છે.”