જ્યાં એક તરફ ઈઝરાયેલે ઈરાન પર તેની સૈન્ય કાર્યવાહી પૂર્ણ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઈરાન તરફથી આ હુમલા પર આકરી પ્રતિક્રિયા આવી છે. ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઈરાન ઈઝરાયેલના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. તસ્નીમે સૂત્રોને ટાંકીને કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે ઈઝરાયેલને આ હુમલાના પ્રમાણસર જવાબનો સામનો કરવો પડશે.
ઈરાને તેની એરસ્પેસ બંધ કરી દીધી છે અને આગામી સૂચના સુધી તમામ ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આગામી સૂચના સુધી તમામ રૂટ પરની ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે, ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી આઈઆરએનએએ અહેવાલ આપ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈરાન કોઈપણ સમયે ઈઝરાયેલ સામે બદલો લઈ શકે છે.
ઈરાનનું કહેવું છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ સફળતાપૂર્વક ઈઝરાયેલના હુમલાને નિવાર્યા, પરંતુ કેટલાક સ્થળોએ મર્યાદિત નુકસાન પહોંચાડ્યું. એક નિવેદનમાં ઈરાની એર ડિફેન્સે કહ્યું કે ઈઝરાયેલે તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો.
બીજી તરફ ઈરાનમાં ઈઝરાયેલના હુમલા પૂરા થયા બાદ પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે જો ઈરાન આગળ વધવાની ભૂલ કરશે તો ઈઝરાયેલ જવાબ આપશે. તેમણે કહ્યું, “હવે હું પુષ્ટિ કરી શકું છું કે અમે ઇઝરાયલ સામે ઇરાનના હુમલાનો જવાબ પૂરો કર્યો છે. અમે ઇરાનમાં લશ્કરી લક્ષ્યો પર લક્ષ્યાંકિત અને ચોક્કસ હુમલા કર્યા – ઇઝરાયેલ માટે તાત્કાલિક ધમકીઓને નિષ્ફળ બનાવીને ઇઝરાયેલ સંરક્ષણ દળોએ તેમનું મિશન પૂર્ણ કર્યું.” તેમણે વધુમાં કહ્યું કે, “જો ઈરાની શાસન ફરી કોઈ નાપાક કૃત્ય દ્વારા નવા યુગની શરૂઆત કરવાની ભૂલ કરશે તો અમે જવાબ આપવા માટે મજબૂર થઈશું.”
ઈઝરાયેલે કહ્યું કે તેણે ઈરાનમાં મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્‌સ અને અન્ય સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઈરાનમાં હુમલા કર્યા બાદ તેના વિમાનો સુરક્ષિત પરત ફર્યા છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેના વિમાનોએ મિસાઇલ ઉત્પાદન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો જેનો ઉપયોગ ઇરાને ગયા વર્ષે ઇઝરાયેલ પર જે મિસાઇલો છોડ્યો હતો તે બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ મિસાઇલો ઇઝરાયેલના નાગરિકો માટે સીધો અને તાત્કાલિક ખતરો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને વધારાની ઇરાની હવાઇ ક્ષમતાઓ પર પણ હુમલો કર્યો હતો જેનો હેતુ ઇરાનમાં ઇઝરાયેલની હવાઈ કામગીરીની સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો હતો.