કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ભ. ભા. માધ્યમિક શાળાના અંગ્રેજી શિક્ષક અને પૂર્વ આચાર્ય હરિભાઈ ગોહિલને નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. હરીભાઈ એન.ગોહિલ ડોળાસા માધ્યમિક શાળામાં ૧૯૯૨માં જોડાયા હતા. એક જ શાળામાં ૩૨ વર્ષ અને એક માસ સુધી પ્રમાણિક ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ શ્રી દત્ત આશ્રમ ખાતે યોજાયો હતો, જ્યાં ડોળાસા અને અડવી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિભાઈ ગોહિલે જીવનપર્યંત ડોળાસા ખાતેની એક જ શાળામાં નિર્વિવાદ અને પ્રામાણિક ફરજ બજાવી સમસ્ત ડોળાસા ગામના લોકોના દિલ જીતી લીધા હતા. આજે તેમની વિદાય સમયે તેમના અનેક સંભારણાઓ યાદ કરી તેમને ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી.