તેલંગાણાના રાજન્ના સિરસિલા જિલ્લામાં એકસાથે લગભગ ૩૦ વાંદરાના મૃતદેહ મળી આવ્યા છે. વાંદરાના મૃતદેહોના સમાચાર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા છે. આ અંગે પોલીસે જાણકારી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે વેમુલાવાડા પોલીસ સીમા હેઠળના નામપલ્લી ગામની બહાર વાંદરાના ૩૦ મૃતદેહો મળી આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વાંદરાઓના મોતનું કારણ જાણી શકાશે. વાંદરાઓના મોત પાછળનું કારણ જાણવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.’
આ ચોંકાવનારી ઘટનાથી વેમુલવાડા મ્યુનિસિપલ હદના નામપલ્લી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોની ચિંતા વધી ગઈ છે. જો કે, વાંદરાના મૃત્યુનું કારણ અકબંધ છે અને સ્થળ પણ હજુ સ્પષ્ટ નથી થયું. જો કે, આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અજાણ્યા લોકોએ વાંદરાની હત્યા કરીને તેમના મૃતદેહને ઘટના સ્થળ પર ફેંકી દીધા હતા.
એનિમલ વેલ્ફેર એક્ટીવિસ્ટ અદુલપુરમ ગૌતમ જેમણે એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં વાંદરાના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે વેમુલવાડા શહેર પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. ગૌતમે અધિકારીઓને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે એ વાત પર પ્રકાશ પાડતા કહ્યું કે, પ્રાણીઓની હત્યા કરવી એ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ ૧૯૬૦ની કલમ ૧૧ અને ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૩૨૫ હેઠળ સજાપાત્ર ગુનો છે. પોલીસે ઘટના માટે જવાબદારોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી દીધી છે.